• મંગળવાર, 28 જુલાઈ, 2026

ગાંધીધામમાં સાત કરોડના માર્ગની ફૂટપાથ બેસી ગઇ

ગાંધીધામ, તા. 26 : ગાંધીધામમાં એન્જિનીયરોની ગંભીર બેદરકારી અને નિષ્ફળતાના કારણે કોન્ટ્રાક્ટરો મનસ્વી રીતે કામ કરી રહ્યા છે.  તેની ઉપર કમિશનર કે નાયબ મ્યુનિસિપલ કમિશનર કોઈ પણનું નિયંત્રણ ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. નવા બનાવેલા માર્ગોમાં વગર વરસાદે ક્ષતિઓ બહાર આવી રહી છે. શહેરની જૂની કોર્ટ રોડ ક્રોમા સેન્ટરથી અપનાનગર ચાર રસ્તા સુધીમાં સાત કરોડના ખર્ચે બનનારા માર્ગમાં તાજેતરમાં ફૂટપાથ બનાવવામાં આવી છે, તેના પેવરબ્લોક બેસી ગયા છે, તો ડી.સી-2માં ગુરુકુલ સિટી સેન્ટર આગળ અડધો માર્ગ પેવરબ્લોકથી બનાવ્યો છે તે પણ ઉબડખાબડ બન્યો છે.  મહાનગરપાલિકામાં આઉટસોર્સિંગથી ભરતી કરેલા પુરુષ અને મહિલા એન્જિનીયરોની ફોજ છે. કમનસીબી અને ખાટલે મોટી ખોટ એ છે કે, મોટા ભાગના ઇજનેરો ઓફિસમાં બેઠા-બેઠા  આદેશાહી ચલાવે છે. જમીન ઉપર જઈને કોન્ટ્રાક્ટરોની કામગીરી ઉપર નજર રાખવાના બદલે ઉચ્ચ અધિકારીઓને બિનજરૂરી મુદ્દાઓ ઉપર ધ્યાન ભટકાવે છે. પરિણામે એન્જિનીયરો પોતાની ભૂલો અને બેદરકારીઓને છુપાવવાના પ્રયાસ કરે છે તેનું પરિણામ શહેરના નાગરિકોને ભોગવવું પડે છે. શહેરની જૂની કોર્ટ રોડ, ક્રોમા સેન્ટરથી આપનાનગર ચાર રસ્તા સુધીના માર્ગનું કામ ચાલુ છે, સાત કરોડના ખર્ચે માર્ગ બને છે, પણ અઠવાડિયા પહેલાં ફૂટપાથ બનાવવામાં આવી છે, તેના પેવરબ્લોક અનેક જગ્યાઓ પર બેસી ગયા છે. હલકી ગુણવત્તાનાં કામો થાય છે તેમ છતાં કોન્ટ્રાક્ટરોને નિયમિત પેમેન્ટ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો શહેરના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કમિશનર આ મામલામાં તપાસ કરે તેવી માંગ ઊઠી છે  તો બીજી તરફ લગભગ એક મહિના પહેલા ડી.સી-2માં ગુરુકુલ સિટી સેન્ટરથી આગળ જતો અડધો માર્ગ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ પેવરબ્લોક રોડ અનેક જગ્યાએ ઉબડખાબડ બન્યો છે, એક તો અડધો માર્ગ બનાવ્યો છે અને તે પણ હવે ઉબડખાબડ બની રહ્યો છે.  ખરેખર કામગીરી વ્યવસ્થિત થઈ છે કે નહીં તે બાબતની તપાસ જરૂરી છે. કામની ગુણવત્તા ઉપર સવાલો ઊઠી રહ્યા છે તેમ છતાં એન્જિનીયર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતાં જાગૃત નાગરિકો દ્વારા સવાલ ઉઠાવાઈ રહ્યા છે. આ માર્ગ બાકી રહ્યો છે, તે ક્યારે બનાવવામાં આવશે તે સહિતના સવાલો પણ લોકો પૂછી રહ્યા છે, પરંતુ તાજેતરમાં નવા બનેલા તમામ માર્ગોની સ્થિતિ ખરાબ થઈ રહી છે, તપાસ કરીને પગલાં ભરવાની માંગ લોકો કરી રહ્યા છે. 

Panchang

dd