• મંગળવાર, 28 જુલાઈ, 2026

માંડવી-મુંદરા માટે ચાવીરૂપ ખારી નદીનાં નવસર્જનનાં ચક્રો ગતિમાન

ભુજ, તા. 26 : કચ્છને જળ સમૃદ્ધ અને હરિયાળું બનાવવા માટે ગ્લોબલ કચ્છ-ક્રીડા અને કચ્છમિત્ર દ્વારા હાથ ધરાયેલા `નદી નવસર્જન મિશન'ને વધુ એક મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. માંડવી-મુંદરાની વચ્ચે આવેલી ખારી નદીના વૈજ્ઞાનિક પુનર્જીવન માટે હવે ટાટા પાવર મુંદરાના સીએસઆર સહયોગથી વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ  તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ભાગીદરી કચ્છમાં જળસંચય, ભૂગર્ભ જળ સંવર્ધન અને પર્યાવરણ પુન:સ્થાપન ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત સમાન સાબિત થશે. - ખારી નદી સાત ગામ માટે જીવનદાયી : ટાટા પાવર પ્લાન્ટના રોડની બાજુમાંથી વહેતી આશરે 19 કિલોમીટર લાંબી ખારી નદી ફરાદી, નાની-મોટી ખાખર, મોટા કાંડાગરા, ટુંડા, વાંઢ, સહિતના સાત ગામોના કૃષિ, પશુપાલન અને સ્થાનિક જીવન માટે વર્ષોથી જીવનદાયી રહી છે. આ નદી હાલમાં ક્ષારતા, કુદરતી વહેણમાં ઘટાડો અને પર્યાવરણીય ક્ષતિ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્લોબલ કચ્છ-ક્રીડા દ્વારા ટાટા પાવર મુંદરાના સીએસઆર સહયોગથી નદીના વૈજ્ઞાનિક પુનર્જીવન માટે સર્વગ્રાહી ડીપીઆર તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. - પુનર્જીવન વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પડાશે : આ ડીપીઆર માત્ર એક ટેકનિકલ દસ્તાવેજ નહીં, પરંતુ ખારી નદીના સમગ્ર પુનર્જીવન માટેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડશે. તેમાં સેટેલાઈટ અને જીઆઈએસ માપિંગ, ડીજીપીએસ ટોપોગ્રાફિક સર્વે, હાઇડ્રોલોજિકલ અને હાઇડ્રોડાયનેમિક અભ્યાસ, પાણીની ગુણવત્તા વિશ્લેષણ, પર્યાવરણીય અસર મૂલ્યાંકન, સામાજિક-આર્થિક સર્વેક્ષણ, ગ્રામજનોની ભાગીદારી તથા નદી પુનર્જીવન માટે જરૂરી વિવિધ ઈજનેરી હસ્તક્ષેપોની વિગતવાર યોજના તૈયાર થઈ રહી છે. - ચેકડેમ, ડિસિલ્ટિંગ-જૈવિક સંરક્ષણનું કામ કરાશે : પ્રોજેક્ટ અંતર્ગત નદીના સમગ્ર 19 કિલોમીટર વિસ્તારમાં વૈજ્ઞાનિક અભ્યાસના આધારે ચેકડેમ, નદીના પટનું ડિસિલ્ટિંગ અને ડીપાનિંગ, રિવરબેડ ઓપ્ટિમાઈઝેશન, બોરવેલ રિચાર્જ માટે `એક્વાશાફ્ટ' ટેકનોલોજી. નદીકાંઠે દેશી વૃક્ષોનાં વાવેતર તથા જૈવિક સંરક્ષણ જેવી કામગીરી માટે અમલીકરણ યોગ્ય યોજના તૈયાર કરવામાં આવશે. સાત ગામોના ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક સમુદાયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના જળસંચય અને પર્યાવરણ સંવર્ધન માટેનું વિઝન પણ વિકસાવવામાં આવશે. - લાંબાગાળાની જળસુરક્ષા સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ : આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ માત્ર નદીનું પુનર્જીવન નથી, પરંતુ ભૂગર્ભ જળસ્તરમાં વધારો, ક્ષારતામાં ઘટાડો, વરસાદી પાણીના સંગ્રહમાં વધારો, આબોહવા પરિવર્તન સામે સ્થિતિસ્થાપકતા, કૃષિ ઉત્પાદન ક્ષમતામાં વધારો તથા સમગ્ર વિસ્તારમાં લાંબા ગાળાની જળસુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. વૈજ્ઞાનિક અભ્યાસના આધારે તૈયાર થનાર ડીપીઆર ભવિષ્યમાં ખારી નદીના પુનર્જીવન પ્રોજેક્ટના અમલીકરણ માટે સંપૂર્ણ રોડમેપ તરીકે કાર્ય કરશે. - જળસંચય આધારિત ટકાઉ વિકાસનું મોડેલ ઊભું થશે : ટાટા પાવર જેવા દેશના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક જૂથ સાથેની આ ભાગીદારી ગ્લોબલ કચ્છ-ક્રીડાની વૈજ્ઞાનિક અભિગમ, પારદર્શિતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ સહયોગ દ્વારા ખારી નદીના વૈજ્ઞાનિક પુનર્જીવનનો મજબૂત પાયો તૈયાર થશે અને ભવિષ્યમાં મુંદરા વિસ્તાર માટે જળસંચય આધારિત ટકાઉ વિકાસનું એક પ્રેરણાદાયક મોડેલ ઊભું થશે. ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર સુખનું સરનામું અભિયાન અંતર્ગત મુંદરા તાલુકાની ભૂખી નદી નવસર્જનનું કામ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના માતબર આર્થિક સહયોગથી આગળ ધપી રહ્યંy છે, ત્યારે મુંદરા-માંડવી માટે મહત્ત્વની ખારી નદીના વૈજ્ઞાનિક ઢબે પુનર્જીવન માટે ટાટા પાવરના સીએસઆર સહયોગથી વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે એ મહત્ત્વની સફળતા રૂપ છે. 

Panchang

dd