ભુજ, તા. 16 : શહેરમાં રઘુવંશી ચોકડીથી રાવલવાડી
રિલેકશન સાઈટને કોમર્સ કોલેજથી જોડતા રસ્તામાં ગટરનું કામ છેલ્લા બે મહિનાથી ચાલુ છે, જે હજુ પૂર્ણ નહીં થતાં રહેવાસીઓએ સવાલ કર્યો
હતો કે, આ તે કેવો વિકાસ છે જે બે-બે મહિનાથી બે હજારથી વધુ રહેવાસીઓની
અવર-જવર બંધ થઈ ગઈ છે! શહેરના નવી રિલોકેશન સાઈટ વિસ્તારની આસપાસમાં અન્ય વસાહતો પણ
વિકસી છે અને કોલેજ રોડથી ગણેશનગર થઈ પ્રત્યેકના ઘર સુધીનો આ મહત્ત્વનો માર્ગ છે. પરંતુ
નગરપાલિકા દ્વારા ગટરલાઈન નાખવા માટે બે મહિનાથી આખો રોડ ખોદી નાખવામાં આવ્યો છે. કોમર્સ
કોલેજનાં પ્રવેશદ્વારથી કોઈ વાહન કે પગપાળા પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. રહેવાસીઓના
જણાવ્યા પ્રમાણે વિકાસ આવકાર્ય છે, પરંતુ નગરજનોની મુશ્કેલી વધારવી
એ ક્યાંનો વિકાસ છે. ખરેખર રોડની એક તરફી કામ કરીને એક બાજુથી અવર-જવર યથાવત્ રાખવાની
જરૂરત હતી, પણ સદંતર ખોદકામ કર્યા બાદ અત્યંત ધીમી ગતિએ કામ ચાલે
છે, જેનો ભોગ હજારો નાગરિકો બની રહ્યા છે. દરરોજ પોતાના કામકાજ
અર્થે અહીંથી પસાર થવાને બદલે એક કિલોમેટરનો ફેરો ખાઈ વાયા કૈલાસનગર કે સંસ્કારનગર
થઈને માંડ નીકળવું પડે છે. નગરપાલિકા તંત્ર ઝડપ લાવવાના આશ્વાસન આપે છે, પરંતુ વિકાસનાં નામે નાગરિકોની પરેશાની વધારવાની પ્રવૃત્તિ બંધ કરવા રહેવાસીઓએ
નારાજગી સાથે માગણી કરી હતી. મોટા-મોટા મહાનગરમાં પણ ભૂગર્ભનાં કામો થતાં હોય છે,
પરંતુ અવર-જવર સદંતર ક્યારેય બંધ થતી નથી. નજીકમાંથી આવ-જા કરવા વિકલ્પ
આપવામાં અરાવે છે, પરંતુ અહીં તો સાવ જ પ્રવેશબંધી કરી દેવાઈ
છે. વરસાદની સિઝન આવી ગઈ છે અને કામના હજુ કોઈ ઠેકાણા નથી. વરસાદ જો પડી જશે તો કામ
રખડી પડશે ને રહેવાસીઓની પરેશાનીમાં ઓર વધારો થશે માટે તાત્કાલિક અસરથી રસ્તો પુન:
ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી.