ભુજ, તા. 16 : સરકારી નિયમો, કાયદા છતાં વાહનચાલકો ખાસ કરીને શાળામાં બાળકોને
મૂકવા અને લેવા માટે માર્ગો પર દોડતાં કેટલાંક વાહનો ક્યારેક તેમાં સવાર બાળકો પર જોખમ
સર્જે તે રીતે હંકારાતાં હોવાની ફરિયાદને પુષ્ટિ મળતી હોય એમ ભુજ આરટીઓની ટુકડી દ્વારા
રોંગ સાઈડમાં વાહન ચલાવનારા એક શાળા પરિવહનનાં વાહનના ચાલકનું ડ્રાઈવિંગ લાયસન્સ સ્થગિત
કરવાની ધાક બેસાડતી કામગીરી કરવામાં આવી છે. શાળા વાહનોની તપાસમાં આજે પણ 15 વાહન વિવિધ નિયમ ભંગ કરતાં
માલૂમ પડતાં એક લાખ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી શાળા
પરિવહનમાં રહેલાં વાહન જોખમી રીતે હંકારાતાં હોવાની પણ લાંબા સમયની ફરિયાદને પુષ્ટિ
મળતી હોય એમ આરટીઓ દ્વારા તપાસ દરમ્યાન રોંગ સાઈડમાં વાહન ચલાવીને બાળકોની સુરક્ષા
જોખમમાં મૂકતા એક ચાલકનું ડ્રાઈવિંગ લાયસન્સ સ્થગિત કરવાની કાર્યવાહી કરવામાં આવતાં
અન્ય ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ભુજ આરટીઓ દ્વારા ઉનાળુ વેકેશન ખુલ્યા બાદથી શાળામાં
બાળકોને મૂકવા-લેવા આવતા છકડા-રિક્ષા, વેન અને શાળા બસોની સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી, જે
અનુસંધાને આજે પણ તપાસ કરવામાં આવતાં વધુ 15 વાહન નિયમ ભંગ કરતાં જણાઈ આવતાં એક લાખ રૂપિયાના દંડની વસૂલાત
કરવામાં આવી હતી. દરમ્યાન છેલ્લા પાંચ દિવસમાં કુલ 110 વાહન આરટીઓ તપાસમાં ઝડપાયાં હતાં, જેમની પાસેથી કુલ 4.40 લાખ રૂા.ના દંડની વસૂલાત કરવામાં
આવી હતી.