• બુધવાર, 17 જૂન, 2026

ગાંધીધામ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી માટે સરકારમાં દરખાસ્ત

ગાંધીધામ, તા. 16 : પંચરંગી શહેર અને કચ્છની આર્થિક રાજધાની તેમજ રાજ્ય અને દેશમાં ઉદ્યોગ-ધંધાની સાથે આયાત - નિકાસ અને અર્થવ્યવસ્થામાં મહત્ત્વનો ફાળો આપનાર ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા પછી વિવિધ વિકાસનાં કામોએ રફતાર પકડી છે. મહાનગર છે એટલે આસપાસનો વિસ્તાર પણ વિકસિત થઈ રહ્યો છે તે વચ્ચે હવે ગાંધીધામ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી માટે સરકારને દરખાસ્ત કરવામાં આવી છે.  ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે જીડીએ પાસે મર્યાદિત સત્તા છે, તેમાં સમાવેશ વિસ્તારમાં નકશા મંજૂર કરવા અને ફંડ મુજબ વિકાસનાં કામો કરવા સહિતની સત્તાઓ તેમની પાસે છે, પરંતુ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે સત્તાઓની સાથે કાર્યક્ષેત્ર વધે છે. માળખાંગત સુવિધાઓ સહિતનું આયોજન કરવામાં આવે છે તેમજ નવા સમાવેશ થતા વિસ્તારોનો સુવ્યવસ્થિત વિકાસ થઈ શકે છે. નવા વિસ્તારોનો સમાવેશ થઈ શકે છે, હાલના સમયે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીનો સીમિત વિસ્તાર છે. જો ગાંધીધામ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બને તો મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સમાવેશ થઈ શકે છે. વ્યાપક વિસ્તાર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવી શકાય છે અને ઓથોરિટીના વિસ્તારમાં માળખાંકીય સુવિધાઓ માટેનું અલગ આયોજન પણ કરવામાં આવે છે. રાજકોટ-અમદાવાદ, વડોદરા જે રીતે ઓથોરિટી કામગીરી કરી રહી છે તેવી જ રીતે ગાંધીધામનું કાર્યક્ષેત્ર રહેશે, તેવું સંબંધિત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગાંધીધામ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે, જો સરકાર દ્વારા તેમને મંજૂરી આપવામાં આવશે અને ઓથોરિટીનું ગઠન થશે તો ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીને રદ કરવામાં આવશે.  ઘણા લાંબા સમયથી હિલચાલ હતી, ત્યાર પછી સરકારમાં દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. - જીડીએ દ્વારા મહાનગરપાલિકાને 30 કરોડ અપાયા : ગાંધીધામ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે જીડીએ દ્વારા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી, તત્કાલીન જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં મળેલી બજેટ બેઠકમાં જીડીએના સચિવ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈએ જીડીએ દ્વારા મહાનગરપાલિકાને 30 કરોડ આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તાજેતરમાં જીડીએ દ્વારા 30 કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. - જીડીએનો ચાર્જ હજુ સુધી સોંપાયો નથી : ગાંધીધામ મહાનગરપાલિકાના તત્કાલીન નાયબ મ્યુનિસિપલ કમિશનર અને ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીના સચિવ મેહુલ દેસાઈની બઢતી સાથે બદલી દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે કરવામાં આવી છે, ત્યાર પછી મહાનગરપાલિકામાં નાયબ મ્યુનિસિપલ કમિશનરની અને જીડીએમાં સચિવની જગ્યા ખાલી છે. હજુ સુધી ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીના સચિવનો ચાર્જ કોઈને સોંપાયો નથી. સરકારના નિયમ મુજબ કોર્પોરેશનમાં ગુજરાત વહીવટી સેવાવર્ગ-એકના નિમણૂક પામેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપવાનો હોય છે, પરંતુ કોર્પોરેશનમાં જગ્યા ખાલી છે એટલે હજી સુધી જીડીએના સચિવનો ચાર્જ કોઈને અપાયો નથી, જેનાં કારણે કામગીરી ખોરંભે ચડી છે. 

Panchang

dd