રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 16 : શહેરમાં છેલ્લા અનેક મહિનાઓથી
ચાલી રહેલી વીજ પુરવઠાની અનિયમિતતા, વારંવારના વીજ વિક્ષેપો અને વોલ્ટેજ વધઘટની ગંભીર સમસ્યાથી કંટાળેલા વેપારીઓનો
આક્રોશ ભભૂકી ઉઠયો હતો. શહેરના વેપારી એસોસીએશન મંડળના અનેક વેપારીઓ અને આગેવાનો સામુહિક
રામધૂન બોલાવી પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા અને વીજ સમસ્યાઓના કાયમી ઉકેલની ઉગ્ર
માંગ ઉઠાવી હતી. - બજારમાં વીજળી ગૂલ થવી કાયમી
સમસ્યા : વેપારીઓએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે, શહેરના 12 મીટર રોડ, માલાશેરી , ખત્રી ચોક,
ગંગા બજાર, ઓક્ટ્રોય ચોકી, નયા અંજાર સહિતના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થવાની સમસ્યા જાણે કાયમી બની
ગઈ છે. રાજિંદા વીજ વિક્ષેપો અને વોલ્ટેજની વધ-ઘટના કારણે વેપાર-ધંધાઓને ભારે નુકસાન
વેઠવું પડી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક સાધનોને નુકસાન પહોંચવાની સાથે ગ્રાહકો પણ મુશ્કેલીનો
સામનો કરી રહ્યા છે, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો
છે. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, આ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો
કરવામાં આવી હોવા છતાં પીજીવીસીએલ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યાં છે.
અંજાર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા પણ વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઈ
ચૂકી છે, પરંતુ સમસ્યાના નિરાકરણ માટે કોઈ નક્કર અને અસરકારક
કામગીરી જોવા મળી નથી. - અધિકારીઓએ બેઠક બાદ ખાતરી આપી
: વેપારીઓના આક્રોશ અને રજૂઆતને ધ્યાને લઈ
પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક બેઠક યોજી વિવિધ મુદ્દાઓ પર કામગીરી કરવાની
બાંહેધરી આપી હતી, જેમાં માલાશેરી
વિસ્તારમાં આવેલા જોખમી ટ્રાન્સફોર્મરને હટાવવાની કામગીરી, ગામતળ
વિસ્તારમાં વીજ વોલ્ટેજની ટેકનિકલ તપાસ, આગામી એક અઠવાડિયામાં
સમગ્ર વિસ્તારનો સર્વે તેમજ વોલ્ટેજ સમસ્યાના કાયમી ઉકેલ માટે આયોજન હાથ ધરવાની ખાતરી
આપવામાં આવી હતી. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી 15 દિવસમાં એટલે કે તા. 30 જૂન, 2026 સુધીમાં શહેરની
વીજ સમસ્યાઓના નિરાકરણ માટે યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત ફરિયાદ
નોંધાવવા માટે હેલ્પલાઇન નંબરોમાં વધારો કરવામાં આવશે તેમજ મેઇન્ટેનન્સ કે અન્ય કારણોસર
વીજ પુરવઠો બંધ કરવાનો હોય, ત્યારે અગાઉથી
નાગરિકોને જાણ કરવાની વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવશે. - પખવાડિયામાં ઉકેલ નહીં, તો ઉગ્ર આંદોલન : વેપારીઓએ
સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે, જો પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલી 15 દિવસની મુદ્દત દરમિયાન સમસ્યાનું
100 ટકા નિરાકરણ નહીં આવે, તો તમામ વેપારીઓ એકજૂથ બની ઉગ્ર આંદોલન અને
વિરોધ કાર્યક્રમો હાથ ધરશે. ત્યારબાદ સર્જાનારી કોઈ પણ પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી
પીજીવીસીએલ તંત્રની રહેશે. ઉલ્લેખનીય છે કે, તા. 11 જૂનના અંજારની વીજ સમસ્યાઓ
અંગે દૈનિક કચ્છમિત્રમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ શહેરના વેપારીઓમાં જાગૃતિ આવી હતી
અને વીજ ધાંધિયાની સમસ્યાને ગંભીરતાથી લઈને સંગઠિત રીતે પીજીવીસીએલ સમક્ષ રજૂઆત કરવા
માટે પ્રેરણા મળી હતી, હવે પીજીવીસીએલ
દ્વારા આપવામાં આવેલી લેખિત ખાતરી બાદ વેપારીઓની નજર આગામી 30 જૂન સુધી થનારી કામગીરી પર
મંડાઈ છે.