કોટડા (ચ.), તા. 14 : કચ્છના સૌથી
મહત્ત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટોમાંના એક એવા ભુજોડી રેલવે ઓવરબ્રિજની હાલત અંગે અનેક
પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી થઈ છે. રૂા. 75 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ ઓવરબ્રિજમાં ગેબિયન વોલના કેટલાક
ભાગોમાં પથ્થરોની ગોઠવણી ખોરવાઈ હોવાનું, સુરક્ષા માટે લગાવવામાં આવેલ રાલિંગ ક્ષતિગ્રસ્ત હાલતમાં હોવાનું તેમજ બ્રિજ
પર અનેક સ્થળોએ રોડ બેસી જવાના નિશાન જોવા મળતાં કામની ગુણવત્તા સામે અણિયાળા સવાલો
ઊઠયા હતા. આ ઓવરબ્રિજ વાહનોની અવરજવર માટે સુરક્ષિત ન હોવાનુંય સામે આવી રહ્યું છે.
ભુજોડી રેલવે ઓવરબ્રિજનું નિર્માણકાર્ય વર્ષ 2012માં શરૂ કરવામાં આવ્યું હતું.
જમીન સંપાદન, વહીવટી મંજૂરીઓ અને વિવિધ
તકનીકી અવરોધોનાં કારણે પ્રોજેક્ટ પૂર્ણ થવામાં લગભગ 10 વર્ષનો સમય લાગ્યો હતો. લાંબી
રાહ બાદ જૂન-2022માં ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં
આવ્યું હતું. આશરે 1.5 કિલોમીટર
લાંબો અને ચાર લેન ધરાવતો આ ઓવરબ્રિજ ભુજ, ભુજોડી, કુકમા, ભચાઉ અને ગાંધીધામ
તરફના વાહનવ્યવહાર માટે જીવાદોરી સમાન છે. આ બ્રિજની ગેબિયન વોલના કેટલાક ભાગોમાં પથ્થરોની
ગોઠવણી અસમાન બનતી હોવાનું અને અમુક જગ્યાએ પથ્થરો વચ્ચે ખાલી જગ્યાઓ સર્જાઈ હોવાનું
જોવા મળ્યું છે. સ્થાનિક જાણકારોના જણાવ્યા મુજબ વરસાદી પાણી અને સતત ભારે વાહનવ્યવહારનાં
કારણે આવી સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ ઓવરબ્રિજ પર
અનેક સ્થળોએ રેતીના ગંજ જમા થઈ ગયા છે. પવનની ગતિ વધતાં આ રેતી રસ્તા પર અને હવામાં
ઊડતી હોવાથી નાના વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સૌથી વધુ ચિંતાજનક બાબત
એ છે કે, બ્રિજ પર અનેક સ્થળોએ રોડ બેસી જવાના નિશાન સ્પષ્ટપણે
જોવા મળે છે. વાહનચાલકોના જણાવ્યા મુજબ કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી અસમાન બની ગઈ
છે. ઉલ્લેખનીય છે કે, લોકાર્પણ બાદના થોડા જ સમયમાં વિવાદોમાં
રહ્યો હતો, ત્યારે હમણા ઓવરબ્રિજની સપાટી પર તિરાડો અને ગાબડાં
અંગે પણ ચર્ચા થઈ હતી. સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને આગેવાનોની
માંગ છે કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ
કરીને સમગ્ર ઓવરબ્રિજનો તકનીકી સર્વે હાથ ધરવામાં આવે એવી વાહનચાલકોની માંગ છે.