મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 27 : ચોમાસું જાણે
કચ્છનો કેડો જ મૂકતો ન હોય તેમ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસરે હવામાન વિભાગ
દ્વારા કચ્છમાં ચાર દિવસ કરેલી માવઠાંની આગાહીને પગલે ખેડૂતોમાં ઉચાટ ફેલાયો છે અને
ખેતરોમાં ઊભેલા પાકને બચાવવા દોડધામમાં પડી ગયા છે. ચાલુ વર્ષે કચ્છમાં ગત વૈશાખ મહિનાની
શરૂ થયેલા વરસાદે ભાદરવામાં પોરો ખાધા બાદ આસો મહિનાની નવરાત્રિથી અરબી સમુદ્રમાં શરૂ
થયેલી જુદી-જુદી સિસ્ટમથી વરસતા રહેલા વરસાદે ખેડૂતોની દશા બગાડી નાખી છે. દિવાળી પૂરી
થઈ અને કારતક મહિનો શરૂ થયો તેમ છતાં હજુ વરસાદ કચ્છનો કેડો મૂકતો નથી. હવામાન વિભાગે
ચાર દિવસ સુધી કચ્છમાં હળવાથી ભારે વરસાદની કરેલી આગાહીને પગલે કચ્છના ખેડૂતો ચિંતિત
બન્યા છે અને ખેતરોમાં બચેલા રહ્યાસહ્યા કપાસના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા છે.
આ અંગે બાંડિયારાના ખેડૂત મામદભાઈ સંગારે કચ્છમિત્રને જણાવ્યું હતું કે, આ વખતે ખેડૂતો માટે ખેતીમાં `મોકાણ'
જ રહી છે અને માથે વળી માવઠાંરૂપી આફતથી બચેલા કપાસના પાકને વીણવા ખેતરોમાં
ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેમણે કહ્યું કે, માવઠાંની અસરે પવનનો
જોર વધે તો છોડ પડી જાય અને સાથે વરસાદ આવે તો પાક પલળી જાય અને તેમાં દાણો પણ ઊગી
નીકળે તેથી પાક હાથમાંથી નીકળી જાય તેવી ચિંતા સાથે ખેડૂતો કપાસ વીણવા લાગી ગયા છે.