• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

બન્નીનું ઘાસિયા મેદાન ચિત્તા માટે સજ્જ થાય છે

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 5 : ભારતમાં 1952 પછી ચિત્તા નામનું વન્ય પ્રાણી લુપ્ત થતાં થોડા સમય પહેલાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવી દેશમાં પ્રથમ વખત પ્રયોગ સફળ થયા પછી હવે દેશનો આવો પ્રોજેક્ટ કચ્છની ધરતી પર બન્ની વિસ્તારમાં પાર પાડવાની તૈયારીઓ ચાલતી હોવાથી આવનારા 2025ના વર્ષના પ્રારંભે બન્નીમાં પ્રથમ તબક્કે 10 ચિત્તાને વસાવવાની યોજના હોવાથી બન્નીનું ઘાસિયા મેદાન વિદેશી પ્રાણીઓ માટે જાણે સજ્જ થઇ રહ્યું છે. નામિબિયા અને દક્ષિણ આફ્રિકામાં ચિત્તાની એશિયાઇ?અને આફ્રિકન પ્રજાતિ મોટી હોવાથી મોટી વસ્તીવાળા આ દેશોમાંથી ચિત્તાને ભારતમાં લાવી લુપ્ત થયેલી વન્ય પ્રાણીની સંખ્યા વધારવા ભારત સરકારના નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (એન.ટી.સી.એ.) દ્વારા દેશના 10 જંગલ સહિતની સાઇટ નક્કી કરવામાં આવી હોવાથી તેમાંથી કચ્છનો બન્ની વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હોવાને વનતંત્ર દ્વારા સત્તાવાર સમર્થન મળ્યું હતું. બન્ની ગ્રાસલેન્ડ વિભાગના નાયબ વન અધીક્ષક બી.એમ. પટેલે `કચ્છમિત્ર'ને માહિતી આપતાં જણાવ્યું હતું કે, બન્નીનો અઢી લાખ હેક્ટર વિસ્તાર છે જેમાંથી 500 હેક્ટર ચિત્તા માટે `બ્રીડિંગ સેન્ટર' તારવવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝૂ તરફથી પણ પરવાનગી મળી ગઇ હોવાથી આ પ્રોજેક્ટ માટે પ્રાથમિક તબક્કે રૂા. 20 કરોડ ફાળવાયા હોવાથી અમારા તરફથી તૈયારીઓ શરૂ?કરવામાં આવી છે. ગુજરાતમાં એકમાત્ર બન્ની વિસ્તારમાં ચિત્તા વસાવવાનો 2010માં સર્વે કરવામાં આવ્યો હતો. બન્ની સહિત દેશના કુલ 10 સ્થળ પસંદ કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના કુનોમાં શરૂઆત કરાઇ અને આઠ ચિત્તા નામિબિયાથી અને બે દ. આફ્રિકાથી આ વન્ય પ્રાણીને વસાવવામાં આવ્યા હતા. કુનોમાં અત્યાર સુધી 13 બચ્ચાં જન્મ્યાં છે અને આઠનાં મોત પણ થયા હતા એ હકીકત છે. હવે ત્યાંથી બન્નીમાં ખસેડવાની યોજના હોવાથી બન્નીમાં બ્રીડિંગ સેન્ટર વિકસાવવામાં આવે છે. કેવી રીતે વિસ્તાર વિકસાવાય છે આ સવાલ સામે શ્રી પટેલે જણાવ્યું કે, 50-50 હેક્ટરના આઠ ફેન્સિંગવાળા પાંજરા બનાવશે. દરેકમાં એક જ હશે કેમ કે, ચિત્તો એક એવું પ્રાણી છે જે ટોળામાં ન ફરે, એકલો જ હોય છે અને માદા જ્યારે ગર્ભ ધારણ કરે ત્યારબાદ 90 દિવસે એકસાથે આઠ જેટલા બચ્ચાં આપી શકે છે. સાઇટના વિકાસમાં ગાંડા બાવળોનો નિકાલ કરવામાં આવ્યો છે. હયાત ઝાડની સુધારણા થાય છે. તળાવ પણ બનાવવામાં આવ્યા છે. રસ્તા, પ્રાણીને બેસવા છાંયડો મળી રહે એ માટે નાના-નાના ઘાસવાળા શેડ, શિકારની શોધ કરવા સલામત જગ્યાએ બેસી શકે તેવા ટેકરા વગેરે બની ચૂક્યા છે. હવે ફેન્સિંગના ટેન્ડર બહાર પાડવામાં આવશે જે ડિસેમ્બર સુધી તમામ કામ પૂર્ણ થઇ જાય તેવી શક્યતાને ધ્યાને લઇ 2025 જાન્યુઆરીમાં એશિયાઇ ચિત્તાને લાવવા અગ્રતા અપાશે. જો નહીં મળે તો દ. આફ્રિકાથી આવશે તેવી ઉપરથી સૂચના મળી હોવાનું જણાવ્યું હતું. સફારી તરીકે પ્રવાસીઓ માટે વિસ્તાર ખુલ્લો મુકાશે ? આ વિશે તેમણે જણાવ્યું કે, નહીં. આ એક એવું પ્રાણી છે જ્યાં માનવ વસવાટની ચહલ-પહલ હોઇ શકે નહીં કેમ કે માણસથી ડરે છે. એટલે માનવ વસ્તી પહોંચી ન શકે એ માટે આખા વિસ્તારમાં ફેન્સિંગ કરી દેવાશે. એક વખત વન્ય પ્રાણી આવ્યા પછી ત્યાં સંવર્ધન કેન્દ્રમાં વેટરનરી ડોક્ટર, હોસ્પિટલ, સ્ટાફ તથા સ્ટાફના રહેણાક વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે. કુનો પછી ચિત્તા વસવાટ માટે કચ્છ દેશની બીજી સાઇટ બનશે એમ ઉમેર્યું હતું. - રહેણાક વિસ્તાર અથવા ઢોરોને કોઇ નુકસાન નહીં કરે : ભુજ, તા. 5 : બન્ની વિસ્તારના સ્થાનિક માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ને ઢોરોનું મારણ કરશે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે આ સવાલ સામે શ્રી પટેલે સ્પષ્ટતા કરી હતી કે ભગાડિયા વિસ્તારના 500 હેક્ટરમાં બ્રીડિંગ વિસ્તાર સંપૂર્ણ રીતે બંધ હશે. વિસ્તારથી સમજ આપતાં કહ્યું કે, સૌથી પહેલાં તો આ પ્રાણી માનવ કે ઢોરો ઉપર હુમલો નથી કરતું. વળી, આખાય વિસ્તારની ફરતે ફેન્સિંગ હોવાથી ચિત્તા બહાર આવી નહીં શકે અને એ વિસ્તારમાં કોઇ પ્રવેશી પણ નહીં શકે. સ્થાનિક લોકોને આ બાબતે સમજાવવામાં આવ્યા છે ને હવે સમજી પણ ગયા છે. 50 હેક્ટરના આઠ પિંજરામાં સી.સી. કેમેરા લગાડવામાં આવશે અને તેના પર નજર રહી શકે. રહેણાકના કોઇ ગામોમાં મુશ્કેલી ઊભી નહીં થાય. ઉલ્ટાનું ભવિષ્યમાં સ્થાનિકોને આ પ્રોજેક્ટથી રોજગારી મળી શકે તેમ છે. શિયાળા દરમ્યાન હિંસક હોય કે અન્ય કોઇ પણ પ્રાણીમાં હુમલો કરવાની શક્તિ વધતી હોય છે એટલે જ તો કુતરા પણ શિયાળામાં હડકાયા વધુ થાય છે તેનો દાખલો આપ્યો હતો. કચ્છના પ્રોજેક્ટ બાદ મધ્યપ્રદેશના ગાંધી સાગરની ત્રીજી સાઇટ?વિકસાવવાની યોજના હોવાનું ઉમેર્યું હતું. - હવે કચ્છમાં સાચેચિતરો જોવા મળશે ! : ભુજ, તા. 5 : કચ્છ જ નહીં ભારતમાં પણ કુનો સિવાય ક્યાંય ચિત્તા નથી, છતાં કચ્છમાં ક્યાંક નીકળતા દીપડાને જોઇ કચ્છી માડૂ બોલતા હોય છે `િચતરો'?આય... પણ હવે સાચે ચિતરો એટલે કે ચિત્તો આવશે. ઘણી જગ્યાએ કચ્છમાં દીપડા ફરતા હોય છે. દીપડો દૂરથી ચિત્તા જેવો જ દેખાતો હોવાથી કચ્છી માડૂ ચિત્તાને ચિતરો કહે છે. હવે ખરેખર સાચે જ કચ્છમાં ચિતરો આવનારા દિવસોમાં દેખાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang