• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

કિસાનોના પ્રશ્રોનું વેળાસર નિવારણ ન થાય તો આંદોલન કરવાનું એલાન

કુકમા (તા. ભુજ), તા. 12 : આ ગામે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન રથયાત્રા આવી હતી, જેનું કુકમા કિસાન સંઘ દ્વારા પ્રમુખ રમેશભાઇ પરમારની આગેવાનીમાં ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. બસ સ્ટેશનથી ઠાકોર મંદિર ચોક સુધી યાત્રા સરઘસાકારે ફરીને સભામાં ફેરવાઈ હતી. સભામાં ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નો જેવા કે ગત ચોમાસામાં તથા માવઠાંથી ખેડૂતોને નુકસાન બદલ પાક ધિરાણ માફ કરવા, ખેડૂતોની જમીનમાં વગર પરવાનગી તથા વગર વળતરે વીજલાઈન પસાર કરવા, નર્મદાના વધારાના પાણી બાબતે કેનાલના કામમાં ઝડપ લાવવા તથા નવી લિંક કેનાલની મંજૂરી આપવા જેવા મુદ્દાઓ બાબતે કિસાન સંઘના આગેવાનો જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલ, જિલ્લા મંત્રી ભીમજીભાઈ કેરાસિયા, ભુજ તાલુકા કિસાન સંઘ પ્રમુખ કાનજીભાઈ ગાગલે માર્ગદર્શન આપી જો તાત્કાલિક પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે, તો સરકાર સામે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાનું જાહેર કર્યું હતું. યાત્રાનું સ્વાગત કળશ દ્વારા નાની બાલિકા તથા સરપંચ રસિલાબેન રાઠોડ, ઉપસરપંચ ભરતાસિંહ સોઢા, ઉપપ્રમુખ રમેશભાઇ રણધીર ચાવડા, ક. ગુ. ક્ષ. સમાજ કુકમાના પ્રમુખ કેતનભાઈ ચૌહાણ, આહીર સમાજ પ્રમુખ અરજણભાઈ આહીર, કિસાન સંઘ મંત્રી રાજેશ ચાવડા, ખેડૂત આગેવાનો કિસોર દબાસિયા, કિશોર માકાણી, નારણભાઈ વોરા, રમેશ ખેંગાર ચાવડા, શૈલેશભાઈ રાઠોડ, વિરમભાઈ ચાવડા, હરીશ રાઠોડ, શિવુભા રાઠોડ, ગુલાબાસિંહ રાઠોડ, ઉત્તમ રાઠોડ, પ્રદીપ જોષી વિગેરેએ કર્યું હતું. કિસાન સંઘ-કુકમાના પ્રમુખ રમેશ મોતીલાલ પરમારે આભાર માનતાં હોદ્દેદારોને આંદોલનાત્મક કાર્યક્રમમાં કુકમાના ખેડૂતોનો સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી. સંચાલન રવજીભાઈ ચાવડા (લાખોંદ)એ કરેલું હતું. 

Panchang

dd