• શુક્રવાર, 17 મે, 2024

મતદારોને આકર્ષવા પ્રચાર સામગ્રી સાથે કાર્યકરોની ફોજ મેદાને

હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 2 : દેશમાં ચાલી રહેલી 18મી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કચ્છ સહિત ગુજરાતમાં મતદારોને આકર્ષવા દરેક કાર્યકરોની ફોજ પોતાના પક્ષના ચૂંટણી ચિહ્ન સાથેની પ્રચાર સામગ્રીના વિતરણ સાથે પ્રચારને વેગીલો બનાવવા તનતોડ મહેનત કરવામાં લાગી ગઇ છે. આજથી અંદાજે ત્રણેક દાયકા અગાઉ ચૂંટલી વખતે પક્ષના કાર્યાલય પર ધજા-પતાકા તેમજ- ચોકમાં તોરણ બંધાતાં, તો ગામ-શહેરની દીવાલો પર બ્લૂ કલરની ગળી દ્વારા પક્ષના નિશાન સાથે સૂત્રો લખવામાં આવતા હતા, પરંતુ બદલાતા સમય સાથે છેલ્લા કેટલાક સમયથી જે-તે પક્ષના ખેસ, સ્ટીકર, ટોપી, ટી-શર્ટ, માસ્ક સહિતની વસ્તુઓએ તેનું સ્થાન લીધું છે, તો ટેક્નોલોજીના આવિષ્કાર સાથે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઈટ પર પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેના માટે ટેક્નોલોજીના ખાસ જાણકારોની અલાયદી ટીમ તૈયાર કરવામાં આવે છે. પ્રચાર સામગ્રીમાં વપરાતા કાગળ અને કાપડની ટોપી, ખેસ, નાનાથી માંડી મોટા બેનર, ચોપાનિયાં, બિલ્લા, પોકેટ કાર્ડ, તોરણ, સ્ટાર પ્રચારકોના માસ્ક, બ્યૂગલ, પ્લેકાર્ડ, સ્ટીકર, પક્ષના ઝંડા, હાથમાં પહેરવાના બેલ્ટ જેવી પ્રચાર સામગ્રીની કિંમત ભલે રૂા. ત્રણથી 10 જેટલી ઓછી હોય, પરંતુ લાખો લોકો સુધી પહોંચતી આવી સામગ્રીનો ખર્ચ કરોડોને આંબી જતો હોવાનું જાણકારો પાસેથી પ્રાપ્ત વિગતો પરથી જાણવા મળી રહ્યું છે. જો કે, બધી પ્રચાર સામગ્રી મોટાભાગે દિલ્હીથી તૈયાર થઈને આવતી હોવાનું બંને પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. અંગે કચ્છમિત્રએ જિલ્લાના બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારોનો સંપર્ક કરી મેળવેલી વિગતો મુજબ ભાજપ દ્વારા પક્ષના ચિહ્નવાળા નાના-મોટા ધ્વજ, કાગળ-પ્લાસ્ટિકના તોરણ, પક્ષના મોવડીઓના કટઆઉટ, ફ્લેક્સ બેનર, વાહનોમાં લગાવવાના ધ્વજ, મહિલાઓ માટેની હેરપીન, બકલ, કિચેન, બેલ્ટ, ખેસ, મ્હોરા, હેલ્મેટ સહિતની વસ્તુઓ પક્ષ દ્વારા નિ:શુલ્ક ચૂંટણી જાહેર થયા બાદ ત્રણ તબક્કે દરેક વિધાનસભા દીઠ 10-10 હજાર જેટલી ફાળવાતી હોય છે, તો બૂથ પર બેસનારા કાર્યકરો માટે છત્રી પણ બૂથવાર અપાય છે, જેનો ખર્ચ ચૂંટણીપંચના નિયમ મુજબ પક્ષ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઈટ મારફતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં સોશિયલ મીડિયા સાઈટ મારફત વીડિયો ક્લીપ થકી મતદાન માટેની અપીલ સાથે જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. જ્યારે જિલ્લા કોંગ્રેસ વતી પ્રચાર-પ્રસારનું સંકલન કરતા ધીરજ ગરવા અને શહેર પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પક્ષ દ્વારા લગભગ ત્રણેક માસ અગાઉથી પ્રચાર-પ્રસાર કરવાની શરૂઆત કરવામાં આવે  છે, વખતે પક્ષના ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા પાંચ જાતના ન્યાયનું સાહિત્ય તાલુકાદીઠ પાંચથી 10 હજાર ફાળવાયું છે, જેમાં શિક્ષિત યુવાનોને નોકરી, મહિલાઓને વાર્ષિક એક લાખની સહાય, શ્રમિકો લઘુતમ વેતન સહિતની વિગતો સાથે સાહિત્યમાં ફોર્મ ભરાવાશે. ઉપરાંત પ્રચાર સામગ્રીમાં 50 હજાર ખેસ, 30 હજાર જેટલા ફ્લેગ, પંજા સહિતની વસ્તુઓનું મતદારોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો સોશિયલ મીડિયા માટે ગાંધીધામમાં વોરરૂમ શરૂ કરાયો છે, જેમાં જિલ્લા સંકલન સમિતિના ચેતન જોશી, ગાંધીધામ શહેર પ્રમુખ ભરત ગુપ્તા પ્રચાર-પ્રસારની કામગીરી સંભાળી રહ્યા છે, જ્યારે મીડિયાનું સંકલન ગની કુંભાર, ઘનશ્યામસિંહ ભાટી, અંજલિ ગોર સહિતના સંભાળી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang