• શુક્રવાર, 17 મે, 2024

કોંગ્રેસ આવશે તો પાંચ ગેરંટી પૂરી કરવા ખાતરી

ભુજ, તા. 2 : કચ્છ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નીતેશભાઈ લાલણના પ્રચાર અભિયાનનો ગાંધીધામ તાલુકાના વિવિધ ગામડાઓમાં આરંભ થયો હતો. ભારાપર, કિડાણા, શિણાય, એકતાનગર, પિથોરાપીર, ભૂકંપનગર, અંતરજાળ, ખારીરોહર, મચ્છુનગર, મીઠીરોહર, પડાણા, ગળપાદર, વાસ્મો મેદાન- ગળપાદર વિગેરે વિસ્તારમાં તેમણે  પ્રચાર કર્યો હતો. ગાંધીધામ શહેરને જોડતા ગાંધીધામ તાલુકાના ગામડાઓમાં ઓરમાયું વર્તન કરાયું છે અને ભેદભાવભર્યું વલણ દાખવી અને પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં વિસ્તારોને બાકાત રાખવાના આક્ષેપ કરાયા હતા. ઉદ્યોગોમાં પણ સરકાર દ્વારા સ્થાનિક બેરોજગારને રોજગારી અપાતી નથી. પૂર્વ કચ્છમાં કાયદો-વ્યવસ્થાની હાલત અતિ બદતર છે, પરંતુ લોકોની સુરક્ષા માટે ભાજપે કયારેય પણ ચિંતા સેવી નથી તેવી અસંખ્ય ફરિયાદો કોંગ્રેસના પ્રવાસ દરમ્યાન આગેવાનો પાસે સ્થાનિકોએ કરી હતી, ઉપરાંત ઉમેદવારે કોંગ્રેસ પક્ષની પાંચ ન્યાય ગેરંટી દ્વારા સરકાર લાવવામાં આવશે તો તમામ સમસ્યા હલ થશે તેવી ખાતરી આપી હતી. યુવાનોને રોજગાર, મહિલા સુરક્ષા, આર્થિક સહાય, ખેડૂતોને એમએસપી, શ્રમિકોને લઘુતમ વેતનધારો તથા સમાજના તમામ વર્ગોની સરખી હિસ્સેદારી કોંગ્રેસ પક્ષના એજન્ડામાં છે, તો એજન્ડા માટે તમામ સમુદાયના લોકોએ કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કરવા અને કોંગ્રેસ પક્ષને જંગી બહુમતથી જીતાડવા આહવાન કરાયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રજાનો સર્વાંગી વિકાસ થાય તે માટે કોંગ્રેસ પક્ષે સતત રજૂઆતોનું ફળ મળ્યું છે. જવાહરલાલ નેહરુજીનાં સ્વપ્નનું ગાંધીધામ નગર બને અને તાલુકાની સોસાયટીઓમાં પંચાયતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે હાલમાં પરિવર્તનની લહેરમાં ગાંધીધામ તાલુકો જોડાય અને કોંગ્રેસ પક્ષને જંગી બહુમતી મળે તેથી સમર્થન આપવા અપીલ કરી હતી.  પ્રવાસ દરમ્યાન પક્ષના આગેવાનો દેવેન્દ્રસિંહ ઝાલા, અલ્પેશ ઝર, ચેતન જોશી, ગનીભાઈ માંજોઠી, ભરત ગુપ્તા,  શેરબાનુ ખલીફા, રાધાસિંઘ ચૌધરી, નાગશીભાઈ નોરિયા, શામજીભાઈ આગરિયા, કાસમ ફફલ, હાજી અબ્દુલભાઈ, લતીફ ખલીફા,  જ્યોત્સનાબેન બરસા, બિંદુબેન યાદવ, દશરથસિંહ ખગારોત, ભરતભાઈ સોલંકી, દશરથભાઈ જોશી, અનવરભાઈ પઠાણ, બળુભા જાડેજા વગેરે જોડાયા હતા. આગેવાનોએ પરિવર્તન લાવવા અનુરોધ કર્યો હતો એવું જિલ્લા મીડિયા કો.ઓર્ડિનેટર ગનીભાઈ કુંભાર તથા સહપ્રવકતા અંજલિ ગોરે એક યાદીમાં જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang