• શુક્રવાર, 17 મે, 2024

ભુજ નજીક સનદાદા વિસ્તારમાં વૃક્ષ વાવેતર થકી હરિયાળી

ભુજ, તા. 2 : ઉનાળાની ઋતુમાં અને વરસાદના આગમન પહેલાં જંગલ ખાતા ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા પર્યાવરણના જતન અર્થે વૃક્ષારોપણનાં કાર્યો હાથ ધરાતાં જોવા મળે છે, પરંતુ ઘણી વખત પાણીનું સિંચન અને જતન, સારસંભાળના અભાવે વાવેતર કરાયેલા રોપાનાં બાળમરણના કિસ્સા પણ બનતા હોય છે. ભુજ પશ્ચિમ વન વિભાગ દ્વારા ખાવડા માર્ગે પાલારા-સનદાદા પાસેની જંગલખાતાની જમીન ઉપર કેમ્પા પ્રોજેક્ટ સન 2022-2023 અંતર્ગત લગભગ 245 હેક્ટર ડુંગરાળ-પથરાળ ભૂપટ ઉપર ત્રણેક લાખની આસપાસ વિવિધ પ્રજાતિ વૃક્ષોનું વાવેતર કરાયા પછી અત્યારે મોટાભાગના રોપા લીલા જોવા મળતા હોવાથી આગામી દિવસોમાં આખોય વિસ્તાર લીલાં વૃક્ષોથી શોભતો દેખાશે. જંગલખાતા દ્વારા અહીં ગૂગળ, મીઠાં બાવળ, લીંબડા અને પીપળા સહિતના અનેક જાતના રોપા વવાયા છે. તંત્ર દ્વારા સનદાદા સ્થાનક પાસે ચેકડેમ ઉપરાંત ડુંગરોની વચ્ચે નાની તળાવડી બનાવવામાં આવી હોવાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ થતાં અત્યારે પણ તળાવડીઓમાં પાણીનો સંગ્રહ થયેલો હોવાથી વૃક્ષોને સિંચન થાય છે જેથી વાવેતર પામેલા રોપા પણ લીલાછમ જોવા મળે છે. આવનારા દિવસોમાં એકબાજુ ડુંગરો અને બીજી બાજુ ઘટાદાર વન ઊભું થવાથી પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનો વિસ્તાર સાબિત થઇ શકશે તેવી વિગતો મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang