• સોમવાર, 13 મે, 2024

માટીના અભાવે તુણાના માટલાં ઉદ્યોગ ઉપર પાણી રેડાવાની ભીતિ

મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 27 : અસહ્ય તાપ અને ગરમીમાં બહારથી ભટકીને ઘરે આવનારા માણસને માટલાંનું ઠંડું પાણી મળી જાય ત્યારે સંતોષ અને આનંદ મળે છે. તેની પાછળ અનેક પરિવારોની મહેનત છૂપાયેલી છે. અંજાર તાલુકાના તુણા ગામે 7-8 પેઢીથી દેશી માટલાં બનાવાય છે, જે સમગ્ર દેશમાં વિખ્યાત છે. વિસ્તારની માટીમાંથી બનતાં માટલાં સૌથી વધુ ઠંડું પાણી આપે છે, પરંતુ હાલમાં ઉદ્યોગ ઉપર ઠંડું પાણી રેડાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. માટી સાથે જોડાયેલા પરિવારોને આજે માટી (રો-મટિરીયલ) મેળવવાના વાંધા ઊભા થયા છે, જેનાં કારણે પારંપરિક વ્યવસાય પડી ભાંગવાની કગાર ઉપર આવીને ઊભો છે. દર વર્ષે હજારોની સંખ્યામાં માટલાંનું ઉત્પાદન એકલા તુણા ગામમાં થાય છે. છેલ્લાં 300થી 400 વર્ષથી વ્યવસાય 7થી 8 પેઢી કરી રહી છે. જે-તે વખતે કચ્છના મહારાવએ પરિવારોને અહીં મોકલ્યા હતા, જે અંગે લેખિત પત્ર પણ હોવાનું વૃદ્ધ એવા હનિફભાઈ કુંભારે જણાવ્યું હતું. અગાઉના સમયમાં અન્ય ધાતુનાં વાસણો ઓછાં હોવાથી લોકો માટીનાં વાસણોનો ઉપયોગ કરતા હતા, જેથી આવાં વાસણોની માંગ વધુ રહેતી હતી. અગાઉ બારસ, વાસણો, તાવડી, ડોડિયા, દીવા, ઘડી કોસાડી, ગરબા, લગ્નની ચોરી વગેરે 36 ઠામ બનાવાતાં હતાં, પરંતુ આવાં વાસણોની માંગ ઘટતાં હવે માત્ર માટલાં, ગરબા, દીવા વગેરે બનાવાય છે. તેમણે કચ્છમિત્રને જણાવ્યું હતું કે, પહેલાં માટલાં વગેરે બનાવીને ઘોડાગાડી કે બળદગાડીથી અંજાર, ગાંધીધામ, ભુજ, આદિપુર, કંડલા વગેરે ગામોમાં વેચવા જતા હતા, પરંતુ હવે અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, રાજસ્થાન, ભાવનગર, વિસનગર, સુરત વગેરે જગ્યાએથી વેપારી આવીને ઓર્ડર આપી જતા હોય છે. તે પ્રમાણે માલ બનાવી આપવામાં આવે છે. પેઢીઓથી દરિયાના નાવડાના કિનારેથી માટલાં બનાવવા માટે માટી (રો મટિરીયલ) લેવામાં આવે છે. 1982 પછીથી અમારી પાસેથી કંડલા પોર્ટ ટ્રસ્ટ માટી ઉપાડવા માટે એક દિવસના 50 પૈસા લેતું હતું, પરંતુ બાદમાં સરકારે વ્યવસાયનો હસ્તકલામાં સમાવેશ કરતાં કેપીટીએ પૈસા (વેરા) લેવાનું બંધ કર્યું હતું. પાણી સુકાઈ જાય ત્યારે મહિનામાં ચાર દિવસ માટે અમે માટી લેવા જઈ શકીએ છીએ તેવું ઈકબાલભાઈ કુંભારે જણાવ્યું હતું. યુવાન કારીગરે જણાવ્યું હતું કે, અમારા વડીલો અગાઉ ચાકડાથી માટલાં બનાવતા હતા, પરંતુ હસ્તકળામાં સમાવેશ થતાં સરકારે સહકાર આપતાં પગમિલ (મશીન) અને મોટર મશીન બન્યાં છે. અમુક જગ્યાએ સરકારે ભઠ્ઠી પણ બનાવી આપી છે. માટી (રો મટિરીયલ) લઈ આવવાથી લઈ માટલાં તૈયાર થાય ત્યાર સુધીની પ્રક્રિયામાં ઘણાખરાં માટલાં તૂટી જતાં હોવાથી દિવસોની મહેનત બેકાર જાય છે. તેમાંય જોઈએ તેવા ભાવ મળતા નથી.પરંતુ આશ્ચર્ય વાતનું છે કે, સરકારે ક્યારેય માટલાં ઉદ્યોગકારોને લીઝ ઉપર જમીન આપવા કે તેમના માટે જમીન અનામત રાખવા અંગે વિચાર્યું નથી. નાના લોકો જ્યાંથી માટી ઉપાડે છે, તે જમીનો ઉપર 2005માં પણ મીઠાંના અગર બતાવી દેવામાં આવ્યાં હતાં. અગરોવાળા પાળા બનાવવા રસ્તાની જમીનો ખોદી નાખે છે, જેથી અંદર જવાનો રસ્તો બંધ થઈ જતાં આવા સંજોગોમાં દૂર-દૂર સુધી માટી લેવા જઈ શકાતું નથી. પ્રશ્ન છેલ્લા બે-ત્રણ દાયકાથી નાના કારીગરોને નડી રહ્યો છે. અંગે ડીપીએમાં લેખિત અરજી કરવામાં આવી હતી અને ડીપીએના અમુક અધિકારીઓ આવ્યા હતા, પરંતુ કાંઈ કર્યા વગર અહીંથી પરત જતા રહ્યા હોવાના આક્ષેપ એકઠા થયેલા લોકોએ કર્યા હતા. અંગે જિલ્લા કલેકટરને પણ લેખિતમાં રજૂઆત કરાઈ છે. તેમણે અમારા માટે જમીન આરક્ષિત કરવા અંજાર પ્રાંત અધિકારીને પત્ર લખ્યો છે અને સુનાવણી માટે અમને પણ બોલાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જગ્યા ઉપર અમુક ગામ બહારના ભૂમાફિયાઓ દબાણ કરી રહ્યા હોવાના આક્ષેપ કરાયા હતા. યક્ષપ્રશ્ન અંગે વારંવાર રજૂઆત કરવા છતાં મૌખિક હા કરવામાં આવે છે, પરંતુ નક્કર કોઈ પગલાં લેવાતાં નથી. જો અંગે ડીપીએ તથા તંત્ર નક્કર પગલાં નહીં લે તો ધરણાં -પ્રદર્શન, આંદોલન સાથે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ આપવામાં આવી હતી. માટી સાથે જોડાયેલા માનવીઓને પોતાનું પેટ પાળવા માટી ઉપલબ્ધ થતી હોવાથી સદીઓ જૂના માટલાં ઉદ્યોગ ઉપર ગંભીર જોખમ ખડું થયું છે. ડીપીએ અને જિલ્લા કલેકટર અંગે દરમ્યાનગીરી નહીં કરે તો પેઢીઓ જૂનો વ્યવસાય મૃતપ્રાય બનશે તેવી ભીતિ વ્યકત કરવામાં આવી હતી. આવી બધી સમસ્યાઓનાં કારણે અમુક પરિવારો પારંપરિક વ્યવસાયથી અળગા બન્યા છે. જો આવું થશે તો પારંપરિક કારીગરી લુપ્ત થઈ જશે, જેથી તંત્રએ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang