• રવિવાર, 05 મે, 2024

બળદગાડાંને બગ્ગીનું રૂપ આપી નંદીને સાચવવાનો અનોખો પ્રયોગ

રમેશ આહીર દ્વારા : રાયધણપર (તા.ભુજ), તા.23: આજે જ્યારે રખડતા નંદી અને ગાયોનો મુદ્દો ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે તાલુકાની આહીરપટ્ટીના લાખોંદ ગામના સેવાભાવી યુવાને એક નવી પહેલ સાથે નંદીને સમય પ્રમાણે આજીવિકાનો ત્રોત બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખોંદ ગામના રાજેશ દુદા ચાવડા નામના યુવાને પોતાની વાડીમાં ખેડ માટે વર્ષોથી રાખેલા બે બળદને સામેલ રાખીને બળદગાડાને નવા શણગાર સાથે `બગ્ગી'નું સ્વરૂપ આપ્યું છે અને લગ્નપ્રસંગના વરઘોડા-મહેમાનોના સામૈયા કે કોઈ ધાર્મિક ઉત્સવમાં શોભાવૃદ્ધિમાં બળદગાડાને ભાડે મોકલી બળદને આજીવિકાનો ત્રોત બનાવવા પ્રયત્ન કર્યો છે. માટે શ્રી ચાવડાએ મહેનત કરી હોય તેવું  દેખાય છે. બળદગાડાને બગ્ગીનું સ્વરૂપ આપી બેટરીની મદદથી લાઈટીંગ પણ ડેકોરેટ કર્યું છે. તેનાથી પણ વિશેષ બન્ને બળદને તેના શિંગડા સહિત આખા શરીરને આહિર ભરતકામથી મઢેલાં કપડાનો શણગાર કરવામાં આવ્યો છે. બળદ માટે ભરતકામનો શણગાર પણ ખૂબ મોંઘો છે અને તેને ખાસ ઓર્ડરથી બળદના માપ પ્રમાણે ભરતકામ કરાવવામાં અંદાજે પાંચ - મહિના લાગ્યા હતા તેમ રાજેશભાઈએ જણાવ્યું હતું.  બળદગાડાને સામૈયાની બગ્ગી બનાવવાનો વિચાર કયાંથી આવ્યો? તેવા પ્રશ્નના જવાબમાં રાજેશભાઈ ચાવડા જણાવે છે કે અમારી વાડીમાં વર્ષો જુના બળદ છે. ટ્રેકટરના યુગમાં હવે બળદ ખેતીકામમાં વપરાતા નથી. હવે વર્ષો જુના બળદને તેની મોટી ઉંમરે ક્યાં રઝળતા મુકવા? વર્ષો જેમણે આપણા ખેતર ખેડયા તેવા બળદને ક્યાંય મુકવાનું મન થતાં બન્ને બળદનો ઉપયોગ બગ્ગી માટે કરવાનો શોખ જગાવ્યો છે. જોકે તેનો વ્યવસાય નથી. માત્ર શોખ સચવાય અને બળદમાંથી આજના સમય પ્રમાણે આવી રીતે કોઈ કમાણી ઉભી કરી શકે છે તેવો સંદેશો આપવાનો ઉદ્દેશ છે. બાકી તેઓ ખેતીવાડીમાં-અન્ય ધંધામાં ખાતાપીતા પરીવારના છે.  વધુમાં જણાવે છે કે, હાલમાં તેમને સારો પ્રતિભાવ મળવા લાગ્યો છે. ઘણી વખત શહેરોમાંથી પણ તેઓને ઓર્ડર મળવા લાગ્યા છે. મોંઘાદાટ ડી.જે. સાથે નીકળતા વરઘોડાની જગ્યાએ બળદગાડાની શણગારેલી બગ્ગીને પસંદ કરવામાં આવશે તો ઘણા ગામોમાં પ્રકારે બળદ આજીવીકાનું સાધન બનવા લાગશે. બસ આજની પેઢીએ દિશામાં યુવાનોને સહકાર આપવાની જરૂર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang