• શનિવાર, 04 મે, 2024

`યુવા ઉદ્યોગ સાહસિકો મૂલ્યો સાથે બાંધછોડ ન કરે'

જયદીપ જોશી દ્વારા : ભુજ, તા. 24 : શરૂઆત હંમેશાં ધીમી અને નાની હોય છે, પણ જો લક્ષ્ય મોટું હોય તો પડકારો-સંઘર્ષોનો સામનો કરવામાં ખચકાટ થતો નથી, બલકે સાહસિકતા વધી જતી હોય છે. બોટલ-ડ્રમ પેકેજિંગ, હોસ્પિટલ ફર્નિચર પાર્ટસ, ઓટો પ્રોડક્ટસ અને માળખાંગત ફર્નિચરના નિર્માણમાં દેશમાં અગત્યનું નામ બની ગયેલી મિત્સુ કેમ પ્લાસ્ટ કંપનીના જોઈન્ટ ડાયરેક્ટર તથા સીએફઓ અને ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિકસ મેન્યુફ્રેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખ મૂળ કચ્છના વતની મનીષ દેઢિયા સાથેની વાતચીતના અંશ અહીં રજૂ કર્યા છે. - કંપનીનો પરિચય, ઉત્પાદન સ્થાન વિશે કહેશો ? : નાના પાયે શરૂઆત કર્યા બાદ અનેક પડકારો તથા ઉતાર-ચડાવોનો સામનો કરીને 1990માં મહારાષ્ટ્રના તારાપુરમાં પહેલા એકમની સ્થાપના કરી. તેમાંથી અનુભવો મેળવીને આગળ વધવાના લક્ષ્યને કેન્દ્રમાં રાખી 2007માં બીજો એકમ સ્થાપ્યો. તે દરમિયાન કંપનીના વિકાસના ધ્યેય સાથે આગળ વધતા રહ્યા અને વર્ષ 2016માં બીએસઈમાં કંપની લિસ્ટ થઈ. ત્યારબાદ ઉત્પાદન વધતું ગયું અને ત્રીજા એકમની જરૂરિયાત ઊભી થતાં 2017માં ક્ષેત્રની અન્ય કંપની ટેકઓવર કરી. 2019ના જાન્યુઆરી માસમાં ખાલાપુરમાં અત્યાધુનિક વ્યવસ્થા સાથેનું વધુ એક સાહસ વિકસાવ્યું. એમ કુલ ત્રણેય એકમ 1,19,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા છે, જે 24,000 એમટીપીએમની ક્ષમતા ધરાવે છે. - ઉત્પાદનનો વિચાર કઈ રીતે આવ્યો ? : મહારાષ્ટ્રનો તારાપુર વિસ્તાર 90ના દશકમાં કેમિકલના હબ તરીકે જાણીતો હતો, જુદા-જુદા કેમિકલથી માંડી લિક્વિડ કાર્ગોની હેરફેર થતી, પણ તેને રાખવા માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ દેખાયો, કેમિકલ ભરવા માટે પ્લાસ્ટિક સંસાધનોની ઊણપ વર્તાઈ અને ત્યાંથી અમને વિચાર આવ્યો કે ક્ષેત્રમાં ઝંપલાવું છે. - કયા-કયા ઉત્પાદનો છે ? : હાલમાં અમે મુખ્યત્વે બોટલ ડ્રમ પેકેજિંગનું ઉત્પાદન કરી રહ્યા છીએ. તે ઉપરાંત દેશભરની હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતા હોસ્પિટલ ફર્નિચરના પાર્ટ પણ અમે તૈયાર કરીએ છીએ. કોરોનાકાળમાં જ્યારે સમગ્ર વિશ્વ સદંતર બંધ હતું ત્યારે પણ અમે ઉત્પાદન ચાલુ રાખ્યું હતું અને હોસ્પિટલો માટે ફર્નિચર જેવા કે, એબીએસ પેનલ, ઓવર બેડ ટેબલ, બેડ લાઈનર, હેડ ઈમ્મોબિલાઈઝર સહિતનું ઉત્પાદન જારી રખાયું હતું. - બીજી કઈ ખાસ પ્રોડક્ટ છે? : એક સમય હતો કે, પ્રકારના ફર્નિચરના પૂરજા ચીનથી મગાવવામાં આવતા હતા, પણ હવે બધા પાર્ટસ દેશમાં નિર્માણ થાય છે અને હવે અમે વિદેશમાં સપ્લાય કરીએ છીએ. તે સિવાય અમે માળખાંગત ફર્નિચરના ઉપયોગમાં લેવાતી જુદા-જુદા પ્રકારની પ્લાસ્ટિક ખુરશી, ટેબલ અને સ્ટોરેજ સોલ્યુશન પ્રોડક્ટ પણ બનાવીએ છીએ તથા ઓટોમોટિવ પાર્ટસ જે પ્લાસ્ટિકથી બનેલા હોય છે તેનું પણ ઉત્પાદન કરીએ છીએ. તદ્ઉપરાંત તમામ ઉત્પાદનને જુદા-જુદા પરીક્ષણોમાંથી પસાર કરીને તેની ગુણવત્તા તપાસ્યા બાદ ગ્રાહકો સુધી પહોંચાડીએ છીએ. - બિઝનેસ વર્લ્ડમાં એપ્રીસિએશન મહત્ત્વનું છે. આપનાં ઉત્પાદનોને કયાં-કયાં સન્માન મળ્યાં છે ? : 2015માં ભારતની નાની અને મધ્યમ કક્ષાની કંપનીઓ માટે એક્સિસ બેંક દ્વારા ભારત એસએમઈ 100 2015નો એવોર્ડ, એસએમઈ ચેમ્બર ઓફ ઈન્ડિયા દ્વારા નવીનતા અને શોધ માટે વર્ષ 2016નો શ્રેષ્ઠ પુરસ્કાર, મેડિકલ ડિવાઈસીસ અને હેલ્થકેર ઈક્વિપમેન્ટ (એસએમઈ) ઈટી પોલીમર 2022નો શ્રેષ્ઠ એવોર્ડ,  2019માં ફરી એક્સિસ બેંક દ્વારા ઈન્ડિયા ફોરમ સાથે સંયુક્ત રીતે ઈન્ડિયા 100 એસએમઈ પુરસ્કાર, પ્લાસ્ટિક ઉદ્યોગમાં શ્રેષ્ઠતા માટે 2022નો એવોર્ડ તથા લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા બદલ ગોદરેજ ઈન્ટરિયો -2023નો પુરસ્કાર અપાયો છે. - મેનેજમેન્ટ ટીમ, બજાર અને કંપનીના વ્યાપ વિશે કહેશો ? : કંપનીની સ્થાપના થઈ ત્યારથી અધ્યક્ષ અને સંપૂર્ણ સમય માટે નિયામક તરીકે મોટાભાઈ જગદીશભાઈ દેઢિયાએ કંપનીને આગળ વધારી છે. તેમણે પોતાના ત્રણ દાયકાના અનુભવના બળે આજે કંપનીને શિખર પર પહોંચાડી છે. ત્યારબાદ મોટાભાઈ સંજયભાઈ દેઢિયા જોડાયા. તેઓ જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર છે અને વેચાણ તથા કંપનીના વિકાસની બાગડોર સંભાળી રહ્યા છે. જોઈન્ટ ડાયરેક્ટરની સાથે હું કંપનીના સીએફઓ તરીકેની જવાબદારી નિભાવું છું અને કંપનીના નાણાકીય વ્યવહારો સહિત ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. તે સિવાય ગોદરેજ, ટાટા, સિપ્લા, કેસ્ટ્રોલ, બિરલા, પારલે, વેન્કી, ગેલેક્સી સહિતના 1000થી વધુ ગ્રાહકો અમારી કંપની સાથે જોડાયેલા છે. - ભવિષ્યની યોજના અને ઉત્પાદન વિસ્તારનું આયોજન જણાવશો ? ; હાલમાં ભારત તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત છે. પ્લાસ્ટિક ઉત્પાદનોની ખપત છે અને આવનારા સમયમાં તે અનેકગણી વધશે એટલે કંપનીના વિસ્તરણની પ્રક્રિયા પહેલાં પણ ચાલુ હતી અને આવનારા સમયમાં તેમાં ઝડપ લાવવી આવશ્યક છે. ગુણવત્તા સાથે બાંધછોડ કરવી અમારી પ્રાથમિકતા છે. કવોલિટી પ્રોડક્ટ નહીં આપીએ તો ગ્રાહક નહીં આવે તે સમજવું દરેક ઉદ્યોગ માટે અનિવાર્ય છે. તેથી આગામી 10 વર્ષ ભારત માટે ગોલ્ડન પીરિયડ છે તે નક્કી છે અને અમે તેના માટે તૈયાર છીએ. - સામાજિક જવાબદારી તરફના યોગદાન વિશે જણાવશો ? : કોઈપણ ઉદ્યોગની સમાજ પ્રત્યેની જવાબદારી પણ મહત્ત્વની બની રહે છે. મિત્સુ ફાઉન્ડેશન દ્વારા જુદી-જુદી સંસ્થાઓના સહયોગ થકી મહિલાઓ માટે આરોગ્ય કેમ્પ, સર્જિકલ કેમ્પ, કેન્સર ચેકઅપ કેમ્પ, જરૂરિયાતમંદોનું જીવન સુધારવા વિવિધ ગામોમાં એક માસ સુધી કરિયાણાનું વિતરણ ઉપરાંત રમત-ગમતને પ્રોત્સાહન આપતી ટબેલ ટેનિસ સહિતની પ્રવૃત્તિ, વૃક્ષારોપણ, જળ સંચય અને વ્યવસ્થાપન, કચરો ઘટાડવા માટે રિસાયકલિંગ પ્રક્રિયાઓ  સહિતની સામાજિક જવાબદારીઓ સમયાંતરે નિભાવાતી રહે છે. - કચ્છ સાથેની આત્મીયતા અંગે વાત કરશો ? : વતન સાથે જોડાઈ રહેવું ગૌરવની વાત છે. કચ્છના દુષ્કાળના મુદ્દાને ઉકેલવા માટે કૃષિ રિસર્ચ ઈનોવેશન એન્ડ ડેવલપમેન્ટ એસોસિયેશન (ક્રેડાઈ) અને વૈશ્વિક વિકાસ ટ્રસ્ટ (જીવીટી) દ્વારા કચ્છના લાંબા ગાળાના અને ટકાઉ ઉકેલો શોધવાના ઉદ્દશ્ય સાથે `ગ્લોબલ કચ્છ' નામની લોક ચળવળ શરૂ કરવામાં આવી, જેમાં મિત્સુ કેમ પ્લાસ્ટ પણ એક ભાગ બની તેનું ગૌરવ છે.  તે સિવાય ભોજાય સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી ત્રીરોગ વિજ્ઞાન સર્જિકલ કેમ્પ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. - આગામી સમયમાં કચ્છના વિકાસ માટે શું કરવાના છો ? : હાલમાં અમે દેઢિયા ગામને દત્તક લઈને ત્યાં ગ્લોબલ કચ્છના સહયોગથી તળાવો ઊંડા કરવા તેમજ ગામના વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરી છે. અમે લાંબા ગાળાના આયોજનથી કાર્ય કરી રહ્યા છીએ અને  આગામી પાંચ-દશ વર્ષમાં દેઢિયા ગામની કાયાપલટની સાથે કચ્છની આવનારી પેઢીના ભવિષ્યને નિખારવાનું આયોજન લઈને ચાલીએ છીએ.  - નવી પેઢીના ઉદ્યોગ સાહસિકોને આગળ વધવા શો સંદેશ આપશો ? : આજે અનેક ક્ષેત્રમાં યુવા પેઢી ઝંપલાવે છે અને કોરોનાકાળ બાદ તો પુષ્કળ તકોનું નિર્માણ થયું છે. યુવાનો નાના પાયે શરૂઆત કરીને ટૂંકાગાળામાં મોટું નામ કરી રહ્યા છે ત્યારે યુવાપેઢીને સંદેશ આપીશ કે, કયારેય પણ મૂલ્યો સાથે બાંધછોડ કરવી. પારિવારિક ભાવનાને મજબૂત રાખી આગળ વધવું. તે સિવાય વિચાર હંમેશાં ઉચ્ચ રાખવા. આજનો યુવા જો ટૂંકું વિચારશે તો મોટી સિદ્ધિ મેળવવી અશક્ય છે. લક્ષ્ય મોટું હશે તો મહેનત કરવાની ઈચ્છા અને પ્રેરણામાં આપોઆપ વધારો થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang