• શનિવાર, 04 મે, 2024

યુવાનોની પહેલી પસંદગી કારકિર્દીલક્ષી પુસ્તકો

જયેશ મહેતા દ્વારા : ભુજ, તા. 22 : `પુસ્તક એક એવો સાચો મિત્ર છે, જે ક્યારેય દગો દેતો નથી.' ઉત્તમ સુક્તિ પુસ્તકો માટે આલેખાઇ છે અને   તદ્દન યથાર્થ છે. માત્ર એક સારું પુસ્તક વાચકનાં જીવનમાં આમૂલ પરિવર્તન આણી શકે છે અને બિલકુલ 360 ડિગ્રીએ વાચનારને વાલિયા લૂંટારામાંથી મહર્ષિ વાલ્મીકિ બનાવી શકે છે, આવો અનેરો અખંડ અને ઐતિહાસિક મહિમા છે અને એટલે મોબાઇલ અને લેપટોપ ક્રાંતિના ધમધતા ડિજિટલ પૂરમાં હજુ સુધી સાહિત્ય, ધાર્મિક, આધ્યાત્મિક, ઐતિહાસિક અને વિવિધ પ્રકારનાં પુસ્તકો વાંચવાનો ટ્રેન્ડ હજુ સુધી જળવાઇ રહ્યો છે, એવું આજના પુસ્તક દિન નિમિત્તે વિવિધ લાયબ્રેરી સંભાળતા ગ્રંથપાલોએ સૂર વ્યક્ત કર્યો હતો. બધા અભિપ્રાયો વચ્ચે એક કોમન ટ્રેન્ડ એવો પણ જણાયો હતો કે, જૂના વાચકવર્ગની સામે યુવાનોનો એક નવો વાચકવર્ગ એવો ઊભો થયો છે જે પોતાની કારકિર્દીને સંપૂર્ણ પ્રાયોરિટી આપે છે અને તેથી વ્યવસાયલક્ષી વાંચન ઉત્તરોત્તર વધ્યું છે. આવી કારકિર્દી બનાવવા માટેની સફળતા માટે સહાયક થતાં પુસ્તકો વધુ ને વધુ વંચાય પણ છે અને વેચાય પણ છે....! જિલ્લા મધ્યસ્થ પુસ્તકાલય ભુજ જિલ્લા મધ્યસ્થ પુસ્તકાલયના ગ્રંથપાલ ચિરાગભાઇ પરમાર વાતને સમર્થન આપતાં કહે છે કે, યુવાવર્ગ વિશેષ કરીને વ્યાવસાયિક અને કારકિર્દી ઘડતરનાં પુસ્તકો બાજુ વધારે વધ્યો છે અને પ્રકારનાં પુસ્તકોની ડિમાન્ડ વધી રહી છે. આજના સમયમાંથી 10માંથી આવા પુસ્તકની ડિમાન્ડ હોય છે, સત્ય પણ સાથોસાથ પરંપરાગત વાચકોમાં તો વર્ષોથી વંચાતા પુસ્તકોનો ટ્રેન્ડ અકબંધ રહ્યો છે. બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન પોત પોતાની રુચિ અનુસાર આજે પણ લાયબ્રેરીમાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરે છે. ગ્રંથપાલ તરીકે વાચકોને હયાત પુસ્તક એટલે કે ઓરિજિનલ પુસ્તક વાંચવાનો આગ્રહ સેવ્યો હતો. કારણ કે, મોબાઇલમાં ભલે -બુક્સ આવે છે, પણ મોબાઇલ આપણે બીજી વ્યક્તિને આપી શકતા નથી, જ્યારે માત્ર 100 રૂા.ની કિંમતે ખરીદેલું પુસ્તક આપણે બીજા દસ જણને આપી શકીએ છીએ. પુસ્તક વેચાણનો રેકોર્ડ વર્ષોથી ગુજરાતના વિવિધ ગામો કે શહેરોમાં વ્યક્તિગત રીતે શાળા-કોલેજની લાયબ્રેરીઓમાં સારા એવા વળતર ભાવે પુસ્તકો આપતી સંસ્થા સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટનાં પુસ્તકો અંગેની કાર્યવાહીનો દોર સંભાળતા મહેન્દ્રસિંહ જાડેજાએ માત્ર 2023ના વર્ષનો પુસ્તક વેચાણનો જે આંકડો આપ્યો તેનાથી પુસ્તકને પ્રેમ કરતા પુસ્તકપ્રેમીઓને હૈયે ટાઢક અને શાતા વળે છે. પુસ્તકોનું આવનારું ભવિષ્ય ઉજ્જવળ છે, એવો વિશ્વાસ ચોક્કસ થાય છે. તેમણે આપેલા આંકડા પ્રમાણે 2023ના વર્ષમાં રૂા. 2,84,152ની મૂળ કિંમતના અને વળતર બાદ રૂા. 1,30,17,384 વેચાણ કિંમતે તેમની સંસ્થા દ્વારા વાચકોને ઉપલબ્ધ કરાવાયા છે. જે સૂચવે છે કે, મોબાઇલના જમાનામાં પણ વાચકોનો પુસ્તકપ્રેમ ઘટયો નથી. યુવાનોમાં વધતા જતા કારકિર્દીલક્ષી પુસ્તકોની સાથે સ્વામી સચ્ચિદાનંદ-.મા. મુનશી, ધ્રુવ ભટ્ટ, કાજલ ઓઝા વૈદ્ય, અશ્વિની ભટ્ટ, જગદીશ ત્રિવેદી, ભાણદેવજી, રોબિન શર્મા, જિતેન્દ્ર અઢિયા, પન્નાલાલ પટેલ, સાંઇરામ દવે, ઝવેરચંદ મેઘાણી જેવા તમામ જૂની પેઢીના અને નવી પેઠીના લેખકોનાં પુસ્તકો વર્તમાન સમયમાં પણ વંચાય છે. ગીતાપ્રેસ-ગોરખપુરના ધાર્મિક ગ્રંથો પણ લોકભોગ્ય બન્યા છે. રોટરી લાયબ્રેરી હોસ્પિટલ રોડ, રોટરી ઇન્ટર નેશનલ સંસ્થા સંચાલિત રોટરી લાયબ્રેરીના લાયબ્રેરિયન દિલીપ રબારી પણ યુવાવર્ગની બદલાયેલી વાંચન પેટર્નને દોહરાવીને વિશેષ કરીને નિવૃત્ત થયેલો વાચકવર્ગ વધારે પ્રમાણમાં પુસ્તકોનો લાભ મેળવે છે, એવો અભિપ્રાય આપ્યો હતો. જો કે, યુવાવર્ગમાં ઝડપી પૂરી થતી એની શોર્ટ સ્ટોરીઝ, નવલિકાઓ કે ટૂંકી વાર્તાઓ વાંચવાનો શોખ વધ્યો છે, એવું જણાવી ભાગ 1, 2, 3 એમ લંબાણપૂર્વકના લખાણોવાળા પુસ્તકો યુવાવર્ગની ઓછી પસંદગી છે, એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. વળી યુવાનો એમેઝોન અને ફ્લિપકાર્ટની દુનિયાથી પ્રેરાઇને પશ્ચિમ જગતના અંગ્રેજી લેખકોને પણ વધુ વાંચવા મંડયા છે. રીચ ડેડ પુઅર ડેડ, ઝીરો ટુ હીરો, ડેલ કાર્નેગી, રોન્દાબર્ન, સીડની સેલ્ડન, અગાર્થા ક્રિસ્ટી જેવા બેસ્ટ સેલર પુસ્તકો કે લેખકો યુવાવર્ગના પ્રિયપાત્રો હાલના સમયમાં બન્યા છે. 8, 9, 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો ડો. અબ્દુલ કલામનાં પુસ્તકો ખાસ વાંચે છે, તો કચ્છી લેખકોમાં નવલકથાકાર વ્રજલાલ હીરજી જોશી, માવજી મહેશ્વરી, વીનેશ અંતાણી, હરેશ ધોળકિયા વગેરેનો ક્રેઝ છે. રાજભાસ્કરની શોર્ટ સિરીઝ નફરત, આફત, પ્રગતિ, પ્રેરણા, સ્મિત પણ યુવાનોમાં વધુ વંચાતી સિરીઝ છે, એવો શ્રી રબારીએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. પસંદગીનું વાંચન વધ્યું શરૂઆતમાં અક્ષર ભારતી સાથે સંકળાયેલા અને વર્તમાનમાં પ્રેમ પુસ્તક ભંડારના સંચાલક ધર્મેન્દ્ર શાહ કહે છે કે, હવેના સમયમાં દરેક વર્ગનું પોતાનું સિલેક્ટેડ વાંચન વધ્યું છે. બધા બધુ વાંચે તેવું નહીં, પણ જેમાં રસ પડતો હોય તેવું અથવા ભવિષ્યમાં નક્કર રીતે કંઇ ઉપયોગી થયે એવી ગણતરી કરીને વાચકો પુસ્તકોનું સિલેક્શન કરે છે, વાંચે છે, વંચાવે છે...! આબાલવૃદ્ધ-યુવાવર્ગ મોબાઇલની ઓછી-વતી અસર તળે ચોક્કસ આવ્યો છે, પણ તેમ છતાંયે વાંચનપ્રેમ અને વાંચન ભૂખ તો રહી છે. શ્રી રામકૃષ્ણ મઠ સંસ્કારનગર સ્થિત વિશ્વ વ્યાપી સેવાભાવી આધ્યાત્મિક સંસ્થા શ્રી રામકૃષ્ણ મઠ દ્વારા વિવેકાનંદ સાર્વજનિક પુસ્તકાલયના ગ્રંથપાલ મનોજ અધિકારી વાંચનપ્રેમ અંગે જણાવતા કહે છે કે, ગમે તે કારણોસર કોરોના બાદ વાચકોમાં આંશિક ઘટાડો થયો હોય, તેવો તેમનો અનુભવ છે, પણ છતાંય તેમની લાયબ્રેરીમાં 9000 જેટલા પુસ્તક, 43 મેગેઝિન અને અખબારો આવે છે, જે બાળકો, મહિલાઓ, યુવાનો અને સિનિયર સિટીઝનો વાંચે છે. તેમની પાસે નિયમિત રીતે 150-200 જેટલા વાચક આવે છે અને ગ્રંથાલયનો લાભ ઉઠાવે છે. મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ભુજના હૃદયસમાન હમીરસર તળાવની બાજુમાં આવેલા અને 40 હજાર પુસ્તકો, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના અંદાજિત 50 જેટલા વર્તમાનપત્ર, 45 જેટલા સામયિકનું સાહિત્યિક ભાથું પીરસતા કચ્છના 155 વર્ષ જૂના મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના મંત્રી નરેશ અંતાણીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં યુવાનો પુસ્તક વાંચનમાં રસ નથી લેતા એવી ધારણા અમુક અંશે સાચી હતી, પણ હાલના સમયમાં યુવાનો પ્રેરણાત્મક પુસ્તકોની સાથે સાથે સાંપ્રત લેખકો દ્વારા લખાતા પુસ્તકો પણ પુષ્કળ પ્રમાણમાં વાંચે છે. તે ઉપરાંત જૂની પેઢીના મોટા ગજાના સર્જકોના સાહિત્યનું વાંચન પણ વધ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું વાંચન કરવા ઈચ્છતા યુવાનો પણ અહીં આવે છે, તેમજ ઓનલાઈન મળતા પુસ્તકો વાંચવા માગતા યુવાવર્ગ માટે ચાર કોમ્પ્યુટર વસાવ્યા છે. તે સિવાય એકાદ સપ્તાહમાં ભુજની આર.આર. લાલન કોલેજની લાયબ્રેરી સાથે એમઓયુ કરીને સભ્યો માટે વાંચનવિસ્તાર વધારવાનું આયોજન ઘડાયું છે સાથે કચ્છના અપ્રાપ્ય પુસ્તકોની નકલ રાજકોટની બુક વર્લ્ડ સંસ્થા મારફતે મગાવીને પણ ઉપલબ્ધ કરાવાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang