• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

આતંક ઉપર `પ્રહાર' : પ્રથમ એન્ટી ટેરર પોલિસી જાહેર

નવી દિલ્હી, તા.23: આતંક અને આતંકવાદીઓને ભરી પીવા માટે ભારત સરકાર તરફથી પહેલીવાર આતંક વિરોધી નીતિ (એન્ટી ટેરર પોલિસી) `પ્રહાર' જાહેર કરવામાં આવી છે. આ નવી નીતિમાં સીમાપારનાં આતંકવાદ, સાઈબર હુમલા અને ડ્રોન હુમલા સહિત આધુનિક ટેકનોલોજીનાં દુરુપયોગનાં ખતરાને પહોંચી વળવા માટે ઉપાયો અને રણનીતિ સ્પષ્ટ કરવામાં આવેલી છે. આ એન્ટી ટેરર પોલિસીમા સરહદ પારનાં આતંક ઉપરાંત ક્રિમિનલ હેકર્સ અને સાઈબર એટેક સામેની નીતિ પણ સ્પષ્ટ કરવામાં આવી છે. આ પ્રહાર પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતને જમીન, જળ અને આકાશ, એમ તમામ મોરચેથી ખતરાનો સામનો કરવો પડે છે. સરકારી અને નોન સ્ટેટ એક્ટર્સ બન્ને વિરુદ્ધ ઊર્જા, રેલવે, વિમાન, બંદર, રક્ષા, અંતરિક્ષ અને પરમાણુ ઊર્જા જેવા જરૂરી ક્ષેત્રોની સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી આ નીતિમાં કહેવામાં આવ્યું છે કે, ભારત આતંકવાદને કોઈ ધર્મ, પંથ, રાષ્ટ્ર કે સમાજ સાથે નથી જોડતું. આ ઉપરાંત આમાં ડાર્ક વેબ ઉપર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવેલી છે. આતંકી ભંડોળ અને સંચાલકીય માર્ગદર્શન માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઈન્સ્ટંટ મેસેજિંગ સર્વિસ, એક્રીપ્શન ટૂલ, ડાર્કવેબ અને ક્રિપ્ટો વોલેટનાં ઉપયોગ તરફ પણ આમાં ઈશારો કરાયો છે. તેમાં અનામી અને ગુપ્ત ગતિવિધિ ઉપર પણ ચિંતા દર્શાવાઈ છે. આમાં કહેવામાં આવ્યું છે કે, કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યૂક્લિઅર, વિસ્ફોટક અને ડિજીટલ સામગ્રી સુધી પહોંચવા અને તેનો ઉપયોગ કરવા માટેનાં આતંકી પ્રયાસોને રોકવાનું કામ આતંક વિરોધી એજન્સીઓ માટે પડકારજનક બનેલું છે. આવી જ રીતે જીવલેણ અને ઘાતક ઈરાદાઓ માટે ડ્રોન અને રોબોટિક્સનાં ઉપયોગનો ખતરો પણ મોટી ચિંતાનો વિષય છે. આમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આતંકવાદી જૂથો ભારતીય યુવાનોની ભર્તી કરવાની કોશિશ અવિરત ચલાવી રહ્યાં છે. આમાં સામાજિક અને ધાર્મિક અગ્રણીઓની ભૂમિકાની વાત પણ કરાઈ છે. તેમાં કહેવાયું છે કે, ધાર્મિક પ્રચારકો અને સ્વૈચ્છિક સંગઠનો કટ્ટરવાદી-કરણનાં પરિણામો અંગે જાગૃતિ લાવવાનાં કામમાં લાગેલા છે.  આ દસ્તાવેજમાં અલકાયદા, આઈએસઆઈએસ જેવા વૈશ્વિક આતંકી જૂથોનાં નામોલ્લેખ કરાયા છે અને તે સ્લીપર સેલ મારફત ભારતમાં હિંસા ભડકાવવાની કોશિશમાં હોવાનું કહેવાયું છે. બહુરાષ્ટ્રીય આતંકવાદને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય ઉપાયોની સાથે આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય સહયોગને પણ આવશ્યક ગણાવવામાં આવ્યો છે.

પ્રહારમાં શું છે વિશેષ?

આ નીતિમાં એફઆઈ આરની નોંધણીથી લઈને પ્રોસિક્યૂશન સુધી તપાસનાં દરેક તબક્કે કાનૂની નિષ્ણાતોને સામેલ કરવાનું સૂચન કરવામાં આવેલું છે. આનાથી આરોપી સામે કેસ મજબૂત થશે. કટ્ટરવાદીકરણ વિશે કહેવાયું છે કે, કટ્ટરવાદનાં સ્તરનાં આધારે તેની સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. આધુનિક આતંકી ખતરાને નિપટાવવા માટે કાનૂની, ટેકનોલોજીકલ અને સામુદાયિક ઉપાયોને જોડવા માટે આમાં કહેવાયું છે.

આતંક વિરોધી રણનીતિ

આમાં આતંકવાદી કૃત્યો રોકવા માટે ગુપ્તચર બાતમી આધારિત અભિગમ, મલ્ટી એજન્સી સેન્ટર મારફત તત્કાળ બાતમીની વહેચણી, આતંકી ભંડોળ અને તેનાં સંલિપ્ત મળતિયાઓ સામે કાર્યવાહી, સીમા સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગનું સૂચન છે. આતંકી કૃત્યો સામેની પ્રતિક્રિયામાં સ્થાનિક પોલીસની પ્રથમ ભૂમિકા, મોટી ઘટનાઓમાં એનએસજીની તૈનાતી, એનઆઈએ દ્વારા તપાસ અને ગૃહમંત્રાલય તરફથી માગદર્શિકા આધારિત કાર્યવાહીની વાત કરવામાં આવી છે.

Panchang

dd