• શનિવાર, 04 મે, 2024

પિત્રોડાનાં `વારસા પર વેરા' તરફી નિવેદનથી ઘમસાણ

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 24 : લોકસભા ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોમાં સંગ્રામ ચરમસીમાએ છે. `વારસા પર વેરા' મુદે્ કોંગ્રેસ અને ભાજપમાં વાક્યુદ્ધ વચ્ચે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ પણ બુધવારે કહ્યું હતું કે, અમેરિકામાં વારસા પર વેરા લાગે છે. ભારતમાં પણ આવા વેરા પર ચર્ચા થવી જોઇએ. પિત્રોડાનાં નિવેદન પર રાજકીય ઘમસાણ સર્જાર્યું છે. કોંગ્રેસ નેતા અને ટેક્નોક્રેટ સામ પિત્રોડાએ કહ્યું હતું કે, અમેરિકામાં કોઇ પાસે 10 કરોડ ડોલરની સંપત્તિ હોય, તો તેનાં મૃત્યુ બાદ 45 ટકા સંપત્તિ વારસદાર સંતાનોને મળે છે, બાકી 55 ટકા પર સરકારનો માલિકી હક્ક હોય છે. ખુબ રસપ્રદ કાયદો છે. જોકે, વિવાદ વકરતાં પિત્રોડાએ પોતાનાં નિવેદનનાં બચાવમાં કહ્યું હતું કે, મીડિયાએ ખોટું અર્થઘટન કર્યું છે. મેં તો એક ટીવી ચર્ચામાં અમેરિકી કાયદાનું ઉદાહરણ આપ્યું હતું, તેનો કોંગ્રેસ પક્ષની નીતિ સાથે કોઇ સંબંધ નથી. પિત્રોડાની આવી ટિપ્પણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના નેતાઓએ આજે ચૂંટણી સભાઓમાં મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જો કે, કોંગ્રેસે નિવેદનથી અંતર રાખ્યું હતું. પક્ષના મહામંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું કે, પિત્રોડાનો અંગત વિચાર છે. કોંગ્રેસ પક્ષનો તેની સાથે કોઇ સંબંધ નથી. વડાપ્રધાન મોદીએ છત્તીસગઢમાં કહ્યું હતું કે, આપ લોકોની સંપત્તિ આપનાં બાળકોને નહીં મળે, કોંગ્રેસનો પંજો છીનવી લેશે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, અમારો કોઇ આવો ઇરાદો નથી મતો માટે મોદી આવી રમત રમી રહ્યા છે. ભાજપ પક્ષ વતી આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે ભારત દેશને બરબાદ કરવાનું નક્કી કરી લીધું છે. હવે પિત્રોડા સંપત્તિ વિતરણ માટે વારસા પર 50 ટકા વેરાની વકીલાત કરી રહ્યા છે.  તેનો મતલબ છે કે, ભારતના નાગરિકોએ જાત મહેનતથી ઊભી કરેલી સંપત્તિમાંથી 50 ટકા છીનવી લેવાનો કોંગ્રેસનો ઇરાદો છે, તેવું તેમણે કહ્યું હતું. દરમ્યાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે મુદ્દે કોઇ પગલાં લઇશું, તેવું મેં નથી કહ્યું. આપણે જોવું જોઇએ કે કેટલો અન્યાય થયો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, સામ પિત્રોડાનાં નિવેદન બાદ કોંગ્રેસની અસલી ઇચ્છા સામે આવી ગઇ છે. કોંગ્રેસ લોકોની અંગત સંપત્તિનો સર્વે કરાવવા માગે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang