• શનિવાર, 04 મે, 2024

સુરતમાં મતદાન પહેલાં જ `કમળ' ખીલ્યું

સુરત, તા. 22 (પ્રતિનિધિ દ્વારા) : ગુજરાત લોકસભા ચૂંટણીની સુરત બેઠક ઉપર એક નવો ઈતિહાસ સર્જાયો છે. કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણીની એક ભૂલના કારણે પાર્ટીને સીટ ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ પક્ષનું ફોર્મ રદ્દ થતાં અને અન્ય વિપક્ષી પાર્ટીઓના ઉમેદવારેએ પણ પોતાનાં ફોર્મ પરત ખેંચી લેતાં મતદાન પૂર્વે બેઠક ભાજપનાં ખાતામાં આવી ગઈ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. સુરત લોકસભા બેઠકના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બનવા પામી છે. સુરત બેઠકને ભાજપનો અભેદ કિલ્લો માનવામાં આવે છે. ગત શનિવારથી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ મામલે શરૂ થયેલો હાઇવોલ્ટેજ ડ્રામા ગઈકાલે બપોરે એક કલાકે તેમનું ફોર્મ અમાન્ય થતાંની સાથે પૂરો થયો હતો. ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવાર બન્નેનું ફોર્મ રદ થયા બાદ બાકી અન્ય સાત ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લે તેવી સંભાવના આજે યથાર્થ ઠરી છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. જાહેરાત થતાંની સાથે ઉમેદવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલને મળી મુલાકાત કરી હતી. ગઈકાલે નિલેશ કુંભાણીની વિકેટ પડયા બાદ આજે સવારથી એકથી પછી એક ઉમેદવારોએ પોતાનાં ફોર્મ પરત ખેંચી લીધાં હતાં. અંતે એક ઉમેદવાર બીએસપીના પ્યારેલાલ ભારતીને લઈને થોડી ગૂંચ થઈ હતી. 58 વર્ષીય પ્યારેલાલે પોલીસ રક્ષણ પણ માગ્યું હતું. જો કે, બાદમાં તેઓએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. ચૂંટણી અધિકારી પારઘીએ મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરી વિજેતા સર્ટીફિકેટ આપ્યું હતું. પોલિટિકલ હાઈવોલ્ટેજ ડ્રામાની શરૂઆત શનિવારે બપોરથી થઈ હતી, જ્યારે સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતે કુંભાણીના પત્ર પર સહી નહીં કરી હોવાની એફિડેવિટ કરી હતી. 24 કલાકના ડ્રામા બાદ કુંભાણીની ઉમેદવારી ચૂંટણી તંત્રે રદ કરાઈ હતી. કુંભાણીની ઉમેદવારીની રદ થાય બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચી લેશે તેવી ચર્ચા ઊઠી હતી. સુરતની બેઠક પરથી કુલ 15 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં ફોર્મ ચકાસણી વખતે ઉમેદવારના ફોર્મ રદ થયાં હતાં. ગઈકાલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય બાદ આઠ ઉમેદવાર મેદાને રહ્યા હતા. જેમાંથી સાત ઉમેદવારે તેમનાં નામ પાછા ખેંચી લીધાં હતાં. અપક્ષના બારૈયા રમેશભાઈ, બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી, અપક્ષના ઉમટ અજિતાસિંહ, અપક્ષના ભરતભાઈ પ્રજાપતિ, ગ્લોબલ રીપબ્લિકન પાર્ટીના જયેશ મેવાડ, લોગ પાર્ટીના સોહલ સલીમ શેખ, અપક્ષના કિશોરભાઈ ડાયાણીનો સમાવેશ થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang