ગાંધીધામ, તા. 2 : તસ્કરોએ ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષાના પોકળ દાવાઓને પડકાર ફેંક્યો છે. ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઈમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી નિશાચરોએ સોના-ચાંદીના દાગીના તથા લગ્ન માટે રખાયેલા રોકડ રૂપિયા મળીને કુલ રૂા. 13,22,000ની મતાનો હાથ માર્યો હતો. લાખોની ચોરીના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. નવી મોટી ચીરઈમાં આરાધના ધામની પાછળ રહી ખાનગી કંપનીમાં નોકરી કરનાર તેજપાલસિંહ નાનુભા જાડેજાએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અહીં ફરિયાદીના પરિવારના બે મકાન આવેલા છે. એ-28 જેમાં ફરિયાદીના માતા રહે છે તથા એ-18 નવું મકાન છે. ગત તા. 29/9ના ફરિયાદી યુવાનના ભાભી પિયર ગયા હતા. બાદમાં તેના ભાઈ નરવિનસિંહ તથા માતા ઘરે હાજર હતા. 30/9ના યુવાનના માતાએ એ-28ના મુખ્ય દરવાજા, કમ્પાઉન્ડના દરવાજાને તાળાં માર્યાં હતાં અને બે ભાઈ તથા માતા નવા મકાને સૂવા ગયા હતા. તા. 1/10ના વહેલી સવારે યુવાનના માતા જૂના મકાનમાં સફાઈ કરવા તથા દિવાબત્તી કરવા જતાં મુખ્ય દરવાજાના નકુચા તૂટેલા જણાયા હતા, જેથી તેમણે પોતાના બંને દીકરાને વાત કરતાં તે અહીં દોડી આવ્યા હતા. અંદર જતાં તમામ સરસામાન વેરવિખેર જણાયો હતો તેમજ ઘરમાં રાખેલી લોખંડની બે પેટી (ટ્રંક)ના નકુચા પણ તૂટેલા જણાયા હતા. આ પેટીઓમાં રાખેલા દાગીના તથા ફરિયાદીના લગ્ન માટે રાખેલા રોકડ રૂપિયા પણ નિશાચરો તફડાવી ગયા હતા. રાત્રિ દરમ્યાન ઘૂસેલા તસ્કરોએ અહીંથી પાંચ તોલાની સોનાની ચેન, એક તોલાનું સોનાનું સરુ, ત્રણ તોલાની ગળામાં પહેરવાની સોનાની હાંસળી, ત્રણ તોલાના હાથમાં પહેરવાના સોનાના પાટલા, કેડે પહેરવાનો ચાંદીનો જુડો, ચાંદીના ત્રણ સિક્કા, ચાંદીની વીંટી નંગ-ત્રણ તથા રોકડ રૂા. પાંચ લાખ એમ કુલ રૂા. 13,22,000નો હાથ મારી નાસી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ત્યાં દોડી આવી હતી અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. લાખોની ચોરીના આ બનાવને પગલે લોકોમાં ભારે ચિંતા સાથે રોષની લાગણી પ્રસરી છે.