ભુજ, તા. 1 : એકાદ માસ પૂર્વે જ વાયોરની
કોલોનીમાં એક સામટા અનેક ઘરોને નિશાન બનાવ્યા બાદ કોઠારાની સોસાયટીમાં પણ બે મકાનમાંથી
પણ મોટી માત્રામાં મુદ્દામાલની ચોરીનો ભેદ એલસીબીએ ભારે જહેમત બાદ ઉકેલી લીધો છે. આ
ચોરીને અંજામ આપનારી મધ્યપ્રદેશની કુખ્યાત ચડ્ડીધારી ગેંગના પાંચ શખ્સને દબોચી લેવાયો
છે. એલસીબીએ આ સફળ કામગીરી અંગે આજે મુંદરા વિભાગના એએસપી ગૌતમભાઈ વિવેકાનંદે મીડિયાને
વિગતો આપતા જણાવ્યું કે, સપ્ટેમ્બર
માસમાં જ ઉપરાઉપરી થયેલી ચોરીઓના ભેદ ઉકેલવા એલસીબીએ ટેકનિકલ અને માનવીય સંદર્ભોની
સતત છાનબીનના પરિણામરૂપે તૂતરાફાટક પાસેથી અર્ટિગા કારમાંથી આરોપી મુખ્ય સુત્રધાર માનસિંહ
ઉર્ફે માનીયો બાયસિંહ મોહનિયો તથા દિનેશ ભેરુલાલ, ચૌહાણ (ચમાર),
સ્વરૂપસિંહ ભંગુસિંહ અલાબા, શકુર બનસિંહ આમલિયારા,
મોહબત ઈડુ મંડલોઈ (રહે. તમામ મધ્યપ્રદેશ)ને ઝડપી લીધા હતા.આરોપીઓ પાસેથી
રોકડા રૂા. 6 લાખ, અર્ટિગા કાર નં. જી.જે. 23 સીડી 4097 જેની કિં. રૂા. 1,50,000 તથા કારના ચોરખાનામાંથી બે
લોખંડના ગણેશિયા, એક પાનું,
કટર, ડીસમીસ, છ માસ્ક,
બે જોડી મોજા કબ્જે લેવાયા હતા. આરોપીઓની પુછતાછમાં હાલની જ વાયોર તથા
કોઠારા ચોરી ઉપરાંત પશ્ચિમ કચ્છની નવ તથા રાજ્ય અને રાજ્ય બહારની પણ ચોરી કબૂલી છે.
આ ચડ્ડીધારી ગેંગે 15 ચોરી કબૂલી
હોવાનું સામે આવ્યું છે. આ સફળ કામગીરીમાં એલસીબીના પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ જે.બી. જાદવ, એમ.એચ.
શિણોલ તથા એ.એસ.આઈ. પ્રદ્યુમનસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ જાડેજા,
સુરેન્દ્રસિંહ ઝાલા, વિકેશભાઈ રાઠવા, અશ્વિનભાઈ સોલંકી, સુરજ વેગડા, સુનીલભાઈ પરમાર, હે.કો. રણજિતસિંહ જાડેજા, જયદેવસિંહ ગઢવી, જીવરાજ ગઢવી, લાખાભાઈ
રબારી, દર્શનભાઈ રાવલ, કોન્સ. શ્યામ ગઢવી,
મહેશકુમાર ચૌહાણ, ભરત ગઢવી જોડાયા હતા. - ચડ્ડીધારી
ગેંગ પણ હાઈટેક : મોડસ ઓપરેન્ડી રસપ્રદ : આ કામેના આરોપીઓ સાથે
મળી આંતર રાજયોમાં દરેક વખતે અલગ અલગ વાહનથી મધ્યપ્રદેશથી નીકળી અને શહેર વિસ્તારના
હાઇવે રોડ ઉપર બહારની સાઇડે આવતી જગ્યાઓને ગુગલ મેપ પરથી ટાઉનશીપ અથવા મોટી ફેકટરી
બાજુમાં આવેલી કોલોની અથવા પોશ વિસ્તાર-કોલોની સર્ચ કરીને નિશાન બનાવ્યા હતા. જેમાં
જે લોકેશન સીલેકટ કરતા તેની આજુ- બાજુ બાવળની ઝાડીઓમા ચાર થી પાંચ કલાક સંતાઇ રહેતા
અને નજીકમાં રોડ ઉપર વાહન રાખીને ડ્રાઇવરને એક ચોકકસ ટાઇમ આપી, મોડી રાતે સીલેકટ લોકેશન પર જતા પહેલા દિવસે
રેકી કરીને ગેંગના માણસો શરીરે ફકત ચઢી પહેરી, અને મોઢા ઉપર રૂમાલ
બાંધી સી.સી.ટી.વી. કેમરાથી પોતાની ઓળખ છુપાવી તેમજ શરીરે તેલ લગાવીને બંધ મકાનમાં
ખાતર પાડતા અને જોઇ કોઇ વ્યક્તિ પડકાર કરે કે પકડવાની કોશીશ કરે તો શરીરે ઉપર લગાવેલ
તેલના કારણે છટકી જાય અથવા તો તેમની પાસે રહેલ લોખંડના ગણેશિયા વડે જીવલેણ હુમલો કરતા
અચકાતા નથી. તેઓ સોના -ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી વાહનના ડ્રાઇવરને એક
ચોકકસ ટાઇમ અને જણાવેલ લોકેશન પાસે ભેગા થઈ, ચોરેલ મુદામાલ વાહનના
ગુપ્ત ખાનાઓમાં સંતાડી દઈ પોતાના વતનમાં નાસી જતા અને પોતાના વતનમાં સોનીઓને સોના તથા
ચાંદીના દાગીના વેચી તેમાંથી ભાગ પાડતા - માનિયા ઉપર મધ્યપ્રદેશમાં ઈનામ
જાહેર થયું છે : મધ્યપ્રદેશ
ઉપરાંત અન્ય રાજ્યોમાં અનેક ચોરીને અંજામ આપનારી મધ્યપ્રદેશની આ કુખ્યાત ચડ્ડધારી ગેંગના
મુખ્ય સુત્રધાર માનસિંહ ઉર્ફે માનિયો બારસિંહ મોહલીયા ઉપર મધ્યપ્રદેશ સરકારે તેને પકડવા
ઈનામ પણ જાહેર કર્યાની વિગતો મળી છે. આ ગેંગ ઝડપાતા અનેક ચોરીના ભેદ ઉકેલાયા છે. વિવિધ
પોલીસ મથકોએ સ્થાનિક એલસીબીનો સંપર્ક મેળવી વિગતો જાણી આરોપીઓને સોંપવા તજવીજની પ્રક્રિયા
શરૂ કરી છે.