ભુજ, તા. 16 : કચ્છમાં ભારે વાહનોનાં કારણે
અકસ્માતો રોજિંદા બન્યા છે, ત્યારે આજે
બપોરે મુંદરાના વીરમાણસી સર્કલ પાસે ભારેખમ કન્ટેનરનાં પૈડાં નીચે કચડાઈ જવાથી ગામના
આશાસ્પદ 25 વર્ષીય નવયુવાન
રાહુલ મગનભાઈ બગડા (મહેશ્વરી)નાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોતથી અરેરાટી વ્યાપી હતી.
આ ઉપરાંત ભુજોડી પુલ ઉપર માધાપરના બાઈકસવાર નાના પરિવારને અજાણ્યાં વાહને ટક્કર મારતાં
25 વર્ષીય યુવાન પત્ની રેશ્માબેન
રામાશંકર કશ્યપનું ગંભીર ઈજાનાં પગલે મૃત્યુ થયું હતું, જ્યારે પતિ રામાશંકર અને સંતાન પાંચ વર્ષનો
રોનક અને દોઢ વર્ષનો આદિત્ય ઘાયલ થયા છે. અકસ્માત
ઝોન તરીકે પંકાયેલા મુંદરાના આ વીરમાણસી સર્કલ નજીક આજે બપોરે સાડા ત્રણ વાગ્યે મુંદરાના
મહેશનગર શેરી નં. બેમાં રહેતો નવયુવાન રાહુલ બગડા પગે જઈ રહ્યો હતો, ત્યારે ભારેખમ કન્ટેનર નં. જી.જે.-12-સીવી-0467ના ચાલકે
અડફેટે લઈ લેતાં પાછળનાં પૈડાં નીચે કચડાઈ જતાં ટ્રેઈલરે થોડે સુધી ઘસડયો હતો. ગંભીર
રીતે ઘાયલ રાહુલનું કમકમાટીભર્યું મોત ઘટનાસ્થળે જ નીપજ્યું હતું. આ કરુણ બનાવનાં પગલે
ઘટના સ્થળે લોકો એકત્ર થયા હતા. પરિવાર અને સમાજમાં અરેરાટી વ્યાપી હતી. હોસ્પિટલમાં
સમાજના અગ્રણી ધસી ગયા હતા. નોંધનીય બાબતે એ છે કે,
સપ્તાહ પૂર્વે જ મહેશ્વરી સમાજના વાલજી સોધમનું શક્તિનગર પાસે માર્ગ
અકસ્માતમાં મોત નીપજ્યું હતું. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાફિક પોલીસની અહીં
કાયમી વ્યવસ્થા થાય અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવાય તો આવા જીવલેણ અકસ્માતો
અટકી શકે. ઉપરાંત મુંદરા - ગાંધીધામ હાઈ-વે પર ધમધમતા દારૂના હાટડાઓ પણ અકસ્માતો માટે
જવાબદાર છે. મોટા ભાગના ટ્રેઈલરના ડ્રાઈવરો દારૂ પીધેલી હાલતમાં હોય છે, જેથી આવા અકસ્માતોમાં નિદોર્ષ માનવની જિંદગી ભરખાઈ જાય છે. બીજી તરફ માધાપર રહેતા રામાશંકર કશ્યપ તેની
મોટરસાઈકલ લઈને પરિવાર સાથે આજે બપોરે ભુજોડી પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યાં અજાણ્યા ફોરવ્હીલ ગાડીએ ટક્કર મારતાં
પરિવાર ઘાયલ થયો હતો. તેઓને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં
ગંભીર ઈજાનાં પગલે રેશ્માબેનને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે પતિ રામાશંકર
અને સંતાનો રોનક અને આદિત્યની સારવાર ચાલુ હોવાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર
થઈ છે.