ભુજ, તા. 21 : દેશભરના વિવિધ રાજ્યોમાં થયેલી
ઓનલાઇન છેતરપિંડીનાં નાણાં ભુજની બેન્ક્સમાં બે ખાતામાં જમા થયાનું ભોપાળું સામે આવતાં
આ અંગેની ચાર સામેની ફરિયાદ બાદ બે આરોપીની મુદ્દામાલ સહિત વિધિવત અટક કરાઇ હતી. આ
કમિશનવાળા ખાતામાં રૂા. 70 કરોડની લેતી-દેતી
થયાનું સામે આવ્યું છે. એલસીબીના સાયબર ક્રાઇમ સેલે કરેલી આ કાર્યવાહી અંગે જાહેર કરેલી
વિગતો મુજબ સાયબર ફ્રોડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના પગલે એલસીબીના પી.એસ.આઇ. એમ.એચ.
શીણોલ, સાયબર સેલના પી.એસ.આઇ. ડી.પી. ચુડાસમા અને સેલના
હે.કો. કિરપાલસિંહ સિંધલ, કોન્સ. કલ્પેશભાઇ ચૌધરી, ભૂમિકાબેન મારવાડા, લક્ષ્મીબેન ગઢવી, દિવ્યાબેન વેકરિયા, દિનેશભાઇ ચૌધરી તેમજ એલસીબીના એઁએસઆઇ
પ્રદ્યુમનસિંહ ગોહિલ, કોન્સ. રામજીભાઇ રબારી, મહેશકુમાર ચૌહાણની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી. સમન્વય પોર્ટલ ઉપરથી મ્યુલ
એકાઉન્ટની તપાસમાં નિખિલભાઇ મહેશ્વરી (ભુજ)નાં બે એકાઉન્ટ સામે આવ્યા બાદ તેની પૂછતાછમાં
તેના મિત્ર રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજા શામજી ગરવા (બિબ્બર)નું નામ સામે આવતાં તેના
પણ નિવેદન લેવાતાં તેમાં દીપક ભાનુશાલી (ભુજ) અને વિરાંગ ઉર્ફે વીરુભાઇ અખાણી (રહે.
ગાંધીધામ)નું પણ નામ ખુલ્યું હતું. ખાતા દીઢ 20 હજારનું કમિશન નક્કી થયું હતું.
ખાતાનું સાહિત્ય અને પીન સહિતની વિગતો વિરાંગને અપાઇ હતી. આ અંગે ચાર અને તપાસમાં જે
ખૂલે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં આરોપી નિખિલ અને રાજેન્દ્રકુમારની
અટક કરવામાં આવી છે. બેન્ક ખાતાની તપાસમાં તેમાં રૂા. 70 કરોડ જેટલી માતબર રકમની લેતી-દેતી
સામે આવી છે. પોલીસે બેન્કની 27 પાસબુક, 8 ચેકબુક, 18 એટીએમ કાર્ડ, બે લેપટોપ, 21 સીમકાર્ડ, એક રાઉટર, અલગ-અલગ સાત
સિક્કા, ઉધ્યમ સર્ટિફિકેટ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે.