ભુજ, તા. 21 : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગના
જાહેર પ્રચારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,
ત્યારે ભાજપના પ્રચાર જંગને વેગ આપવા માટે નાયબ મુખ્યમંત્રી બુધવારે
ભુજ આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભુજમાં રોડ-શો યોજી લોકોનું અભિવાદન
ઝીલવા સાથે ભાજપના ઉમેદવારોને જીતાડવાની અપીલ કરશે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે
જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માટે લોકસભા, વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, પણ એક એક મતદારોના હૃદય સુધી પહોંચવાની ક્ષમતા અને નીતિ-રીતિના એક ભાગરૂપે
આ રેલીનું આયોજન કરાયું છે. ચૂંટણીના એક શંખનાદ સ્વરૂપે ઢોલીઓના ઢોલના નાદે વાજતે-ગાજતે
આ રેલી ભુજ શહેરના જાહેર માર્ગો પર આગળ વધશે.
રેલીના સફળતાપૂર્વક આયોજનમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય,
હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી સહિત કચ્છ ભાજપના
હોદ્દેદારો, કાર્યકરો સહિત સમગ્ર ટીમ તૈયારીઓમાં જોતરાઈ ગયાનું
કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ સુનીલ માંકડની
સંયુક્ત યાદીમાં જણાવાયું છે. હર્ષ સંઘવીનો રોડ-શો સાંજે પાંચ કલાકે જ્યુબિલી સર્કલથી
શરૂ થશે. પીજીવીસીએલ કચેરી રોડ, હોસ્પિટલ રોડ, વી.એચ. પટેલ સર્કલ, લાલ ટેકરી, અનમ રિંગરોડ, ધાટિયા ફળિયા, વ્હાઇટ
બિલ્ડિંગ, નાગર ચકલા થઇ છઠ્ઠીબારી પાસે આ રોડ-શો સંપન્ન થશે.
નાયબ મુખ્યમંત્રીના રોડ-શોના પગલે કેસરિયા
બ્રિગેડમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી સંઘવીના આગમનના પગલે તૈયારીઓને આખરી
ઓપ આપવામાં આવી રહ્યો છે. જિ. ભાજપના સ્થાનિક આગેવાનો રોડ-શોમાં સાથે જોડાશે. દરમિયાન
સૂત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર હર્ષ સંઘવી કેટલીક ખાનગી રાહે બેઠકો પણ યોજી શકે
છે.