• ગુરુવાર, 01 મે, 2025

ભુજમાં પૈસાની ઉઘરાણી મામલે ચાર શખ્સનો યુવાન પર જીવલેણ હુમલો

ભુજ, તા. 21 : પૈસાની ઉઘરાણી મામલે જૂની વાતનું મનદુ:ખ રાખી ગુરુવારે શહેરના જ્યુબિલી મેદાન નજીક આવેલી ચાની દુકાન પર બેઠેલા યુવાન પર મોડીરાત્રે અક્ષયરાજસિંહ વાઘેલા, ભાવેશ ગોસ્વામી, જુવાનસિંહ સોઢા અને સત્યરાજસિંહ વાઘેલા નામના ચાર શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવથી થોડા સમય સુધી રાડારાડ મચી હતી અને આસપાસના રહેવાસીઓ-રાહદારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, હરપાલસિંહ બળવંતસિંહ સોઢાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, તે તથા તેમના કાકાના દીકરા યોગેન્દ્રસિંહ સોઢા, યક્ષભાઈ પરદેશી, વિક્રમસિંહ જાડેજા અને કરણ ભુવા જ્યુબિલી મેદાનમાં ચાલતી ક્રિકેટ મેચ જોવા ગયા હતા. દરમિયાન, યોગેન્દ્રસિંહને નાણાંની ઉઘરાણી બાબતે આરોપી અક્ષયરાજસિંહનો ફોન આવ્યો હતો, જે પછી યોગેન્દ્રસિંહે મેદાન બહાર ચાની દુકાન પર બોલાવ્યા હતા. તે દરમિયાન, ફરિયાદી, તેમનો ભાઈ તથા મિત્રો ચાની દુકાને પહોંચ્યા ત્યારે યોગેન્દ્રસિંહે જણાવ્યું કે, છએક મહિના પહેલાં બજાજ ફાઈનાન્સના નાણાં બાબતે અક્ષયરાજસિંહ સાથે બોલાચાલી થઈ હતી તે વાતનું મનદુ:ખ રાખી ફોન કર્યો હતો. આ પછી થોડીવારમાં આરોપીઓ તીક્ષ્ણ હથિયાર સાથે આવ્યા હતા અને અક્ષયરાજસિંહે યોગેન્દ્રસિંહને અપશબ્દો કહી માર માર્યો હતો, જેની ના પાડતાં ભાવેશ ગોસ્વામીએ છરી વડે તથા જુવાનસિંહ અને સત્યરાજસિંહે ધારિયા વડે હુમલો કરતાં હરપાલસિંહ વચ્ચે પડયા હતા, જેમાં તેમને હાથમાં સામાન્ય ઈજા પહોંચી હતી. તે વચ્ચે ભાવેશે યોગેન્દ્રસિંહને ડાબી બાજુની પાસંળીના ભાગે છરીથી બે-ત્રણ ઘા ઝીંકી દીધા હતા અને માર મારતાં આસપાસના લોકોએ છોડાવ્યા હતા, જેથી આરોપીઓ પોતાની જીજે 09 બીજે 9934વાળી ગાડીમાં બેસીને જતી વેળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘાયલ યોગેન્દ્રસિંહને તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ટોક ઓફ ધ ટાઉન બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd