• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

બાંગલાદેશી ક્રિકેટર પર વિવાદ

ખેલાડીઓની સુરક્ષા અને સુખાકારીનો મુદ્દો આગળ કરી બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ ટી-20 વર્લ્ડ કપ રમવા માટે પોતાની ટીમને ભારત મોકલવાની ના પાડી દેવા સાથે અમારી મેચો તટસ્થ ભૂમિ પર યોજો એવી વિનંતી પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને કરી છે. ભારત-બાંગલાદેશ વચ્ચે બગડેલા રાજકીય-રાજદ્વારી સંબંધોને પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને બાંગલાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી છુટ્ટો કરવાની તાકીદ કર્યા બાદ બીસીબીએ આ પગલું લીધું છે. પાકિસ્તાને આ પહેલાં જ ભારતીય ધરતી પર રમવાનો નન્નો ભણ્યો હોવાથી આ સ્પર્ધામાંની પાકિસ્તાનની મેચો તથા તેને સાંકળતી સંભવિત સેમિફાઈનલ કે ફાઈનલ શ્રીલંકામાં રમાવાની છે. આઇસીસીના વડા અત્યારે ભારતના જય શાહ છે અને આ મામલે ગજગ્રાહ વધારવાને બદલે બાંગલાદેશની મેચો ભારત બહાર રમાડવા માટે જરૂરી ફેરફાર કરવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે, તો બાંગલાદેશમાં આઇપીએલના પ્રસારણ પર રાષ્ટ્રહિતમાં પ્રતિબંધ મૂક્યાના સમાચાર આવ્યા છે.  બાંગલાદેશ આ સ્પર્ધાની ત્રણ મેચો કોલકાતામાં અને એક મુંબઈમાં રમવાનું હતું. બે પાડોશી દેશો વચ્ચે છેલ્લા થોડા સમયથી સંબંધોમાં તણાવની સ્થિતિ છે, છતાં વર્લ્ડ કપ માટે બાંગલાદેશની ટીમ ભારત આવશે, એ લગભગ નક્કી હતું. પણ, ટી-20 સ્પર્ધા આઇપીએલમાંથી એકમાત્ર બાંગલાદેશી ખેલાડી મુસ્તફિઝુરને છુટ્ટો કરવાનો આદેશ બીસીસીઆઇએ ટીમ માલિકને આપ્યા પછી બાંગલાદેશના વચગાળાના શાસક મોહમ્મદ યુનુસની સરકારમાંના યુવા અને રમતગમત બાબતોના પ્રધાન આસિફ નઝરૂલે આ મુદ્દે ટિપ્પણી કરી કે, બાંગલાદેશ ક્રિકેટ, ક્રિકેટર કે રાષ્ટ્રનું કોઈપણ પ્રકારે અપમાન અમે સહન નહીં કરીએ. ગુલામીના દિવસો પૂરા થયા. એ પછી ક્રિકેટ બોર્ડને પણ કડક  રૂખ લેવાની ફરજ પડી છે. એક રીતે, ભારતે જ આ મુદ્દે દાખલો બેસાડયો છે. ગયા વર્ષે પાકિસ્તાનમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં ભાગ લેવા અમારી ટીમ નહીં જાય એ વલણ બીસીસીઆઇએ અખત્યાર કર્યા પછી નક્કી થયું કે, આ પ્રકારની બહુરાષ્ટ્રીય સ્પર્ધા ભારત કે પાકિસ્તાનની ભૂમિ પર રમાવાની હોય તો આ રાષ્ટ્રો વચ્ચેની મેચ કોઈ તટસ્થ દેશમાં યોજવી. આ ગોઠવણ મુજબ પાકિસ્તાનની ટી-20 વર્લ્ડ કપની મેચો શ્રીલંકાના કોલંબો શહેરમાં યોજાવાની છે, હવે એમાં બાંગલાદેશનો ઉમેરો થવાનો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી ક્રિકેટ તો લાંબા સમયથી બંધ છે, પણ એશિયા કપની મેચ બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના ભારતીય ક્રિકેટ ટીમના નિર્ણયને પગલે તણાવ વધ્યો હતો. હવે, ભારત-પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં લીગ મેચ રમાવાની છે, તો બાંગલાદેશ-ભારતની ટક્કર સુપર એઈટ તબક્કામાં થઈ શકે છે અથવા તો સેમિફાઈનલ કે ફાઈનલમાં પણ ભારત સામે પાકિસ્તાન કે બાંગલાદેશનો મુકાબલો થવાની શક્યતા છે. પાડોશી દેશો વચ્ચે રાજકીય તણાવને પગલે રમતનાં મેદાન પર તેની અસર કમનસીબ ગણાય, પણ લોહી અને ક્રિકેટ એકસાથે શક્ય ન બની શકે એવું ભારત સરકારનું વલણ યથાયોગ્ય છે. 

Panchang

dd