ગાંધીનગરમાં દૂષિત પાણી વિતરણ અને તેને પગલે ટાઈફોઈડ સહિત પાણીજન્ય
રોગોમાં ઓચિંતો ઉછાળો આવ્યાને પગલે સરકાર ચોંકી ઊઠી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
સમીક્ષા બેઠક યોજીને રોજેરોજ સેમ્પલ લેવા ફરમાન કર્યું છે. સ્વચ્છતાનો રિપોર્ટ આવે
એ પછી જ પીવાનાં પાણીનું વિતરણ કરવા તાકીદ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા
અનુસાર આ સૂચના રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં લાગુ પડે છે. પીવાનું પાણી નાગરિકોની
પ્રાથમિક જરૂરિયાત છે. નળ વાટે ઘરોઘર પાણી પહોંચે છે. દુર્ગમ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન
હજુએ ટેન્કર પર મદાર રાખવો પડે છે. બને એવું છે કે,
સામાન્ય લોકો પાણી આવે, ઘરમાં પાણીનો સંગ્રહ થાય
એ પૂરતી જ ચિંતા કરે છે. પાણીની શુદ્ધતાનો વિચાર ભાગ્યે જ કરવામાં આવે છે. ભુજના સોસાયટી
વિસ્તારમાં પાણી સંગ્રહના ભૂમિગત ટાંકામાં જોઈશું તો કાંયો કે ધૂળમિશ્રિત પાણી જ જોવા
મળશે. બીજાં નગરોમાં પણ આવું હોવાની શક્યતા છે. સુધરાઈ, સરકાર
અને નગરજનોનું ગાડું આ વ્યવસ્થામાં જ ગબડી જાય છે. સ્થિતિ વણશે ત્યારે સરકાર ઊંચી-નીચી
થાય. શુદ્ધતાના માપદંડની વાતો આવે, કલોરિનેશનની ચિંતા કેળવાય,
પણ એ પછી ચીવટની વાતો એક કોરાણે રહી જતી હોય છે. ગાંધીધામ, આદિપુરમાં પાણીની લાઈનોમાં લીકેજને લીધે પેયજળ અશુદ્ધ બનતાં ટાઈફોઈડના કેસોમાં
ઉછાળો જોવા મળ્યો. સરકારી અને ખાનગી દવાખાનાંઓમાં રોગચાળાના દર્દીઓની સંખ્યા અસાધારણ
દેખાતાં મહાનગરપાલિકાના સત્તાવાળાઓએ આરોગ્ય સર્વે કરીને લીકેજ દૂર કરવા, સુપર ક્લોરિનેશન કરવાની સૂચના આપી છે. નાગરિકોનાં મનમાં પ્રશ્ન એ છે કે,
પીવાનું પાણી શુદ્ધ મળે એ તકેદારી હંમેશ કેમ રખાતી નથી ? રોગચાળો કે બીમારી ફેલાવવાના બીજાએ માર્ગો છે. લારી-ગલ્લા પરની ખાદ્યચીજો,
હોટેલોમાં વાસી કે કેટલીક વાર ઉઘાડી રાખી દેવાયેલી ખાદ્ય સામગ્રીના વપરાશથી
પણ લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય છે.રાજ્ય સરકાર દ્વારા નીતિ-નિયમોના પાલન માટે અનેક
વિભાગો કાર્યરત છે, પણ કમનસીબે એ ખાતાઓની કામગીરીમાં વેધકતા નથી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી જવાબદારી છે, પણ કેટલી હોટેલોમાં
ચકાસણી થાય છે? શું બધી જ રેસ્ટોરાં-હોટેલોમાં ખાદ્યચીજોનું અને
સ્વચ્છતાનું એક સો ટકા ધ્યાન રખાય છે? આમ હોવું અસંભવ છે. નકલી
ઘી, મલાઈ, બટર, નકલી
પનીરની મોટી માર્કેટ અસ્તિત્વમાં છે. એ ગેરકાયદે ધંધો ફુલ્યોફાલ્યો છે એનું કારણ સમજી શકાય છે.પાણીપૂરી, દાબેલી, સેન્ડવીચ, ચાટ સહિતની ફાસ્ટફૂડ
વાનગીઓ આરોગનારો વર્ગ મોટો છે. શહેરી વિસ્તારોમાં તો કેટલાય ફૂડઝોન વિકસ્યા છે,
તેમાં સ્વચ્છતાનો ભારોભાર અભાવ હોય છે. સુધરાઈ તંત્રએ પણ નિયમિત તપાસ
કરીને પગલાં લેવાં જોઈએ. એ સિવાય સૌથી મોટી ફરજ આપણી ખુદની -ગ્રાહકોની છે. રોજિંદા
દિવસોમાં અને વિશેષ કરીને રોગચાળાના વાસરા હોય ત્યારે સ્ટ્રીટ ફૂડ નિવારવું જોઈએ. પાણીપૂરી
અને ચટણીમાં બેકટેરિયાનું પ્રમાણ વધુ હોવાની શક્યતા છે.ગાંધીધામના બનાવને પગલે કચ્છમિત્રએ
જિલ્લાનાં શહેરોમાં પેયજળની શુદ્ધતાની તકેદારી વિશે વિસ્તૃત અહેવાલ ગુરુવારના અંકમાં
પ્રસિદ્ધ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે,
નર્મદાનું પીવાનું પાણી શુદ્ધીકરણ વિના વર્ષોથી ધબેડી દેવામાં આવે છે.
આ બધા પ્રશ્નો ગંભીર છે અને જનપ્રતિનિધિઓએ સક્રિય બનીને તેનો નિવેડો લાવવો જોઈએ અન્યથા
કચ્છમાંય ઇંદોર કે ગાંધીનગર જેવો દૂષિત પેયજળ કાંડ સર્જાવાની ભીતિ રહેશે.