• શુક્રવાર, 17 મે, 2024

અંજાર : પોલીસ જવાનના હત્યારાને આજીવન કેદ

ગાંધીધામ, તા. 2 : અંજારમાં વિજયનગર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ અગાઉ પશ્ચિમ કચ્છ પોલીસના હેડ કોન્સ્ટેબલ વિજય ચૌહાણની હત્યાના પ્રકરણમાં આરોપીને આજીવન કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ફરજ બજાવતા અશોકકુમાર ખીમજી ચૌહાણે અંજાર પોલીસ મથકે અંજારના સુનીલ નારાણ મહેશ્વરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ભાઈ એવા પશ્ચિમ કચ્છ પોલીસ બેડાના હેડ કોન્સ્ટેબલ વિજય ચૌહાણ અને આરોપી સુનીલ મહેશ્વરી વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં બનાવના ચારેક દિવસ અગાઉ વિજય ચૌહાણ સવાસર બગીચા બાજુ હતા, ત્યારે આરોપીએ થૂંકતા પોલીસકર્મી ઉપર ઊડી હતી, ત્યારે પણ બંને વચ્ચે તકરાર થઈ હતી, ત્યારે આરોપીએ હું તને જોઈ લઈશની ધમકી આપી હતી. બાદમાં તા. 25/11/2020ના સાંજના ભાગે વિજય ચૌહાણ અંબાજી મંદિર નજીક વિજયનગરમાં જૂના ઘર બાજુ હતા ત્યારે આરોપીએ ત્યાં આવી તેમની સાથે ઝઘડો કરી કુહાડી વડે હુમલો કરતાં વિજય ચૌહાણને માથાં અને સાથળમાં  ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી તેની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસ અંજારની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફથી કુલ 27 સાહેદ તપાસી અને 43 દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોની મૌખિક, લેખિત દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ બિન્દુ ગોપીક્રિષ્ના અવસ્થીએ સરકારી વકીલની દલીલો, રજૂઆતો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને હત્યાની કલમો તળે આજીવન કેદ તથા રૂા. 10,000નો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ભરે તો વધુ એક માસની કેદનો ચુકાદો આપ્યો હતો. કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આશિષકુમાર બી. પંડયા તથા ફરિયાદીના મૂળ વકીલ તરીકે ગુલામશા શેખ, મમતા ગેડિયા, યાકુબશા શેખ, અનિલ દાસા, ઈમરાન રાજા, રાહુલ રાઠોડ, નરેન્દ્રભાઈ હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang