• રવિવાર, 05 મે, 2024

ચેક પરત કેસમાં આરોપીને 18 માસની કેદની સજા

ભુજ, તા. 24 : ચેક પરત ફરવાના કેસમાં આરોપીને તક્સીરવાન ઠેરવી 18 માસની કેદની સજા તથા ચેકની બમણી રકમ ફરિયાદીને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. કેસની ટૂંક વિગત મુજબ કરણી લોજિસ્ટિક વતી તેના પ્રોપરાઇટર દેવેન્દ્ર હમીર આહીરની ટ્રાન્સપોર્ટની નીકળતી રકમ આરોપી જયદીપસિંહ રવતુસિંહ રાઠોડ?(રહે. ગળપાદર) ચૂકવવા ચેક આપ્યો હતો જે ચેક પરત ફરતાં ફરિયાદી દેવેન્દ્રએ આરોપી જયદીપસિંહ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કેસ ગાંધીધામની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી તરફે થયેલી દલીલો અને હાઇકોર્ટના ચુકાદાઓના આધારે જજ એમ. બી. પરમારે આરોપી જયદીપસિંહને તક્સીરવાન ઠેરવી 18 માસની કેદ તથા ચેકની ડબલ રકમ ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો હતો. ફરિયાદીના વકીલ તરીકે મહાદેવ બી. ડાંગરે દલીલો કરી હતી. - બુઢારમોરામાં વાહનમાંથી 30 હજારના ઈંધણની ચોરી : ગાંધીધામ, તા. 24 :  અંજાર તાલુકાના બુઢારમોરાની હોટેલ પાસે ઊભેલી ગાડીમાંથી રૂા. 30,695ની કિંમતનું ડીઝલ ચોરાયું હતું.  મા વાઘેશ્વરી ટ્રાન્સપોર્ટના મનજીભાઈ ભીમજીભાઈ ડાંગરે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે,  ફરિયાદીની પરિવહન પેઢીના વાહન નં. જીજે.39 ટી.8545ને ચાલક ગોપાલભાઈ રબારીએ તુલસી હોટેલ પાસે ગત તા. 3/4ના ઊભું રાખ્યું હતું. દરમ્યાન  અજાણ્યા આરોપીએ વહેલી સવારે  ચારથી સવા ચાર સુધીના અરસામાં ગાડીની ડીઝલ ટાંકી ખોલી તેમાંથી 340 લિટર જેટલું ડીઝલ કાઢી લીધું હતું. ચોરીના સમયગાળામાં વાહનચાલક ગાડીના આગળના ભાગે સૂતા હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું હતું. અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે. - સુખપરમાં કાર અને બુલેટમાં અજાણ્યા શખ્સે આગ લગાડી : ભુજ, તા. 24 : તાલુકાના સુખપરમાં ઘરના ડેલામાં અડધી રાતે અજાણ્યા ઇસમે બુલેટ બાઇક અને કારના કાચ તોડી આગ લગાડી રૂા. 1.25 લાખની નુકસાની કર્યાની ફરિયાદ નોંધાઇ છે. અંગે માનકૂવા પોલીસ મથકે સુખપરના જૂનાવાસ પટેલ સમાજવાડી પાછળ રહેતા લાલજીભાઇ દેવશીભાઇ ભુડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ 24/4ના અડધી રાતે 2.30 વાગ્યે સીસી ટીવીમાં દેખાતા સફેદ કલરના રેઇનકોટ જેવા કપડા પહેરેલા અજાણ્યા શખ્સે ફરિયાદીના ઘરના ડેલામાં પ્રવેશી તેમની બુલેટ નં. જી.જે. 12 .કે. 6230ને આગ ચાંપી જેથી 25000નું નુકસાન તથા ધાણેટીના મિત્ર પાસે લગ્ન માટે ફરવા લીધેલી બ્રેઝા કારના કાચ ધારિયાથી તોડી દીવાસળીથી આગ લગાડતાં કારમાં એક લાખનું એમ કુલે રૂા. 1,25,000નું અજાણ્યા શખ્સે નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમ તળે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang