• શનિવાર, 04 મે, 2024

સુરબાવાંઢ હત્યાકાંડના સરનામું બદલતા આરોપીને પોલીસે વેશ બદલી દબોચ્યો

ગાંધીધામ, તા. 24 : માત્ર કચ્છ નહીં દેશભરમાં ચકચાર જગાવનારા વાગડના ચકચારી સુરબાવાંઢ હત્યા કેસમાં 40 જણનાં ટોળાંએ એક પરિવારની નવ વ્યક્તિના ઢીમ ઢાળી દીધા હતા. કેસમાં 23 વર્ષથી ફરાર અને સરનામાં  બદલીને પોલીસને  ચકમો આપતા આરોપીને પોલીસે વેશ બદલીને તેના ઘરેથી ઝડપી પાડયો હતો. કેસની પૂર્વ વિગતો મુજબ  વર્ષ 2001માં થયેલા સામૂહિક હત્યાકાંડ મામલે ફરિયાદી લખમણભા કરમણભા ગઢવીએ આરોપીઓ માદેવા નાથા, ખોડા નાથા, મોમાયા નાથા અને રવા પાંચા અને 40 જણનાં ટોળાં સામે ફરિયાદ નોંધાવી હતી.  આરોપીઓએ ફરિયાદીના દાદા પાસેથી 244 એકર જમીન 40 વર્ષના ભાડાપેટે રાખી હતી, તેની મુદ્દત પૂરી થવાથી ફરિયાદીના દાદાએ જમીન પરત માગી હતી. જમીન આપવાના ઈરાદે વહેલી સવારના અરસામાં ઘાતક હથિયારો સાથે હુમલો કરીને નવ જણની હત્યા નીપજાવાઈ હતી. બનાવથી ભારે ચકચાર સર્જાઈ હતી અને સંભવત: પૂર્વ કચ્છનો ગંભીર નરસંહારનો બનાવ બન્યો હતો. કેસમાં આરોપીઓને સજા ફટકારાઈ હતી અને તમામ આરોપીઓ જામીનમુક્ત પણ થઈ ગયા હતા. કેસમાં 49 આરોપીની સંડોવણી ખૂલી હતી અને 48 જણની ઘરપકડ કરવામાં આવી હતી. કેસમાં 23 વર્ષથી ફરાર આરોપી અરજણ રૂપા કોલી (મૂળ સુરબાવાંઢ, હાલે લાકડાવાંઢ)ને ઝડપી પાડવા માટે એલ.સી.બી. ખાસ આયોજન આદર્યું હતું. આરોપીએ પોતાની ઓળખ છુપાવવા  પોતાના નામ અને રહેણાક બદલાવી નાખ્યા હતા. આરોપી રાત્રિના ભાગે અમુક સમયે ઘરે આવતો હોવાની બાતમી મળી હતી. આરોપીને પકડવા માટે પોલીસે 10 દિવસથી  વેશપલટો કરીને ક્યારેક ડુંગળી-બટેટાના વેપારી બનીને તો કયારેક રિક્ષા અને અન્ય વાહનોમાં  ફેરિયા તરીકે જઈને ચોક્કસ બાતમી મેળવી હતી અને આજે વહેલી સવારે દબોચી લીધો હતો. 50 વર્ષીય આરોપીને ઝડપીને તેની પૂછપરછ કરાતાં ગુનાની કબૂલાત આપી હતી. આરોપીને એલ.સી.બી.  રાપર પોલીસ મથકને સોંપ્યો હતો. કાર્યવાહીમાં  ઈન્ચાર્જ પી.આઈ. એન.એન. ચૂડાસમા અને એલ.સી.બી. સ્ટાફ જોડાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang