• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

શ્રાવણ કોરોધાકોર ગયો,ભાદરવો જામ્યો ભરપૂર

શ્રાવણ આખો કોરોધાકોર ગયા બાદ મેઘરાજાએ અંતે કચ્છ-ગુજરાત પર અમીદ્રષ્ટિ કરી છે. બે દિવસથી વરસાદી માહોલ બંધાયા પછી કચ્છમાં અડધાથી બે ઇંચ છુટાછવાયાં ઝાપટાં પડતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ચોમાસું બેઠું ને પહેલો રાઉન્ડ જબરજસ્ત રહ્યો હતો. એમાંય કચ્છની વાત કરીએ તો બિપોરજોય ચક્રવાતની અસર હેઠળ ખાબકેલા વરસાદે ધરતીને તરબતર કરી દીધી. જળાશયો-ડેમ-તળાવમાં પુષ્કળ નવાં નીરની આવક થઇ. ખેડૂતોએ વાવણી કરી દીધી, પરંતુ એ પછી ચોમાસાની સિસ્ટમ જ શાંત થઇ ગઇ. કચ્છ, ગુજરાત સહિત દેશના ઘણાખરા ભાગોમાં વરસાદના વધુ એક રાઉન્ડની ચાતક નજરે રાહ જોવાતી હતી. આખરે મેઘરાજાએ અરજ સાંભળી હોય તેમ વરસાદનું ક્યાંક હળવા-મધ્યમ ઝાપટાં રૂપે તો ક્યાંક ધમાકેદાર આગમન થયું છે. કચ્છની અપેક્ષા છે કે, વાટ જોવડાવીને આવેલા મેઘરાજા માફકસર વરસીને ખેડૂતોને તારી જાય. વેધશાળાની આગાહી મુજબ હજુ બે દિવસ કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. વાતાવરણમાં ઉકળાટ અનુભવાઇ રહ્યો છે, એ જોતાં કચ્છીઓની અરજ મેઘરાજા સાંભળે એવી પૂરી શક્યતા છે. ગુજરાત-મધ્યપ્રદેશમાં બારેમેઘ ખાંગા હોય એવો તાલ છે. બે દિવસથી અનરાધાર હેલી વરસતાં ઉત્તર-મધ્ય ગુજરાત, ગીર-સૌરાષ્ટ્રમાં ફરી એકવાર નદીઓ ગાંડીતૂર બની છે અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ ઊભી થતાં તેની અસર હેઠળ અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠા, ખેડા, દાહોદ, નર્મદા, જૂનાગઢ, વિસાવદર, જામનગર ક્ષેત્રમાં પાંચથી આઠ-દશ ઇંચ પાણી વરસી ગયું છે. હજારો લોકોનું સ્થળાંતર કરવું પડયું છે. મેઘરાજાનું આવું તે વહાલ કેવું ? રિસાઇ જાય તો મહિનો-મહિનો સુધી ટીપુંએ ન પડે અને તીવ્ર તરસ જગાવ્યા પછી આવે ત્યારે એકસાથે જાણે ગગન નીચોવાઇ ગયું હોય એવો માહોલ રચાય. ભારે વરસાદથી નદી-નાળાં, ડેમ-તળાવોમાં પાણી સારું આવે, પરંતુ નદી કે ગામના વોકળા જ્યારે મર્યાદા ઓળંગીને બેકાબૂ બને ત્યારે આફતનું સ્વરૂપ લઇ લે છે. દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં આવી જ સ્થિતિ સર્જાવાના ભયથી ગુજરાત સરકાર સાબદી બની છે. સરદાર સરોવર-નર્મદા બંધ પૂરેપૂરો છલકાઇ જતાં રાજ્યે નિરાંત અનુભવી છે. અફાટ જળરાશિ ગુજરાત માટે સુખ-સમૃદ્ધિનાં દ્વાર ખોલશે, પરંતુ હાલઘડીએ તો નિરંતર વહેતા નર્મદા પ્રવાહે રોડ-રેલવે વ્યવહાર ખોરવી નાખ્યો છે. આ લખાય છે ત્યારે રાજ્યના ઘણા ભાગોમાં જળબંબાકાર સ્થિતિ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોના સંપર્ક કરીને રાહત-બચાવ પગલાંની સમીક્ષા કરી છે. રાજ્ય સરકાર એકપણ માનવ મૃત્યુ ન થાય એવી તકેદારી સાથે કાર્યરત છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને એનડીઆરએફની ટુકડીઓની કામગીરી નોંધનીય છે. ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહીને લઇને તંત્ર ઉચાટમાં છે. એક તરફ ગણેશ ચતુર્થીનો તહેવાર આવી ઊભો છે. લોકો ગણદેવતાના આદર, સત્કાર-ભક્તિભાવમાં ડૂબેલા હોય ત્યારે વરસાદનું રૌદ્રરૂપ પરેશાન કરનારું છે. મેઘરાજાને અરજ કરીએ કે, વરસો એવી રીતે કે, ધરતી, પ્રકૃતિ હોંશભેર તમને ઝીલી શકે.

Janmadin Vishesh Purti

Panchang