• મંગળવાર, 23 એપ્રિલ, 2024

સારા સગડ, ગુજરાતમાં મેઘો મંડાશે

 ભર ઉનાળે વરસતાં માવઠાંએ ખેડૂતોને, સામાન્યજનને ચિંતા કરાવી દીધી હતી. હવામાન વિભાગે સમયસર અને સારાં ચોમાસાંની આગાહી કરી છે, સાથે જ વર્ષાવિજ્ઞાનના વિવિધ આયામોના આધારે થતી આગાહીઓ અગિયારથી બાર આની ચોમાસું થશે તેમ કહે છે. અલ નીનોને લીધે વરસાદ નહીં પડે અને ચોમાસું નબળું રહેશે તેવી શક્યતા વ્યક્ત થઈ હતી. ઉદ્યોગોનું પ્રાધાન્ય અગાઉ કરતાં વધ્યું હોવા છતાં આપણે ત્યાં અર્થતંત્ર વરસાદ પર આધારિત છે. સારો વરસાદ અનેક ક્ષેત્રે તેજી માટે નિર્ણાયક રહે છે. આ વર્ષે 96 ટકા વરસાદ વરસવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં ચોમાસું સામાન્ય કરતાં થોડું નબળું હોઈ શકે. પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સરેરાશ પડતો હોય તેના કરતાં ઓછો વરસાદ પડે તેવું લાગે છે. અગાઉનો અનુભવ પણ એવો છે કે, હવામાન વિભાગે આગાહી કરી હોય તેની આસપાસના દિવસોમાં વરસાદ પડયો હોય. 2011માં 31મી મેની આગાહી હતી અને 29મીએ વરસાદ પડયો હતો. 2018માં 29મી મેએ વરસાદ પડશે તેવો વર્તારો સાચો પડયો હતો. 2021માં 31મી મેની આગાહી હતી અને 1 જૂને વરસાદની પધરામણી થઈ હતી. દર વર્ષે 1 જૂને કેરળના સાગરતટે ચોમાસું ત્રાટકે તેના બદલે આ વર્ષે 4 જૂને ત્યાં ચોમાસું પહોંચશે. ખેતીને કોઈ વિશેષ નકારાત્મક અસર નહીં થાય. છેલ્લાં થોડાં વર્ષોથી ગુજરાતમાં ચોમાસું લંબાય છે. જૂનથી સપ્ટેમ્બરને બદલે જુલાઈથી ઓક્ટોબર સુધી વરસાદ પડે છે તેવું તો ઘણીવાર છેલ્લે છેલ્લે બન્યું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કરેલાં આયોજનમાં વરસાદનો વર્તારો કરનારા 56 જેટલા તજજ્ઞો એકઠા થયા હતા. પોતપોતાની વિદ્યા અને અનુભવના આધારે તેમણે આગાહી કરી કે, અગિયારથી બાર આની ચોમાસું રહેશે. 40થી 55 ઈંચ વરસાદ આ વર્ષે પડશે તેવું તેમનું કહેવાનું થાય છે. ઋતુમાં 52 દિવસ વરસાદ પડશે. જૂનની 16, 22 અને 29મી તારીખ વાવણીલાયક વરસાદ થશે અને જુલાઈમાં 12મી તારીખ પછી અતિવૃષ્ટિ થશે. સરેરાશ સારું ચોમાસું છે, તેવું હવામાન વિભાગ પણ કહે છે અને પરંપરાગત આગાહીકારો પણ કહે છે. કચ્છ-સૌરાષ્ટ્રના લોકોને અને સરકારને સૌથી મોટી ચિંતા તો પીવાનાં પાણીની અને તે પછી સિંચાઈની વ્યવસ્થાની હોય. જો કે, હવે પાણીની સ્થિતિ ઘણી સુધરી છે. ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલી છે, પરંતુ પહેલાં જેવી  નથી. નર્મદાની પાઇપલાઇનથી પેયજળ છેક સુધી પહોંચે છે. સિંચાઇ કેનાલને લીધે પણ આંશિક રાહત તો થઇ જ છે. સૌરાષ્ટ્રના ખેડૂતો મહેનતકશ તો સદીઓથી છે. બદલાતાં હવામાન કે ઋતુચક્રને ધ્યાને રાખીને તેઓ વૈજ્ઞાનિક અભિગમ પણ વધારે અપનાવી લે તો તેમને વધારે ફાયદો થાય. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang