• મંગળવાર, 01 એપ્રિલ, 2025

ધર્મના આધારે અનામત

કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાના મુદ્દે સંસદમાં ભારે હોબાળો થતાં બન્ને ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવાની ફરજ પડી હતી. બંધારણમાં સુધારો કરવો નહીં તે પ્રશ્ને ફરી રાજકારણમાં ગરમાટો આવે તે સ્વાભાવિક અને અપેક્ષિત છે. હવે કર્ણાટકથી દિલ્હી સુધી ફરી `બંધારણ બચાવો' રાજકીય અભિયાન હાવી થઈ ગયું છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપ નિશાન પર હતો, ત્યાં આ વખતે કોંગ્રેસ નિશાન પર આવી ગઈ છે. વાસ્તવમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ઓબીસી ક્વોટા અંતર્ગત પછાત મુસ્લિમોને અનામત આપવા જઈ રહી છે અને આ સંદર્ભમાં જ્યારે નાયબ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમારે એ યાદ અપાવ્યું કે, બંધારણ અંતર્ગત ધર્મનાં નામ પર અનામત આપવું શક્ય નથી, તો તેમણે સંકેત આપ્યા હતા કે, અનામત આપવા માટે આવશ્યક સુધારા કરવામાં આવશે. આપણા દેશમાં 1950 પછી અત્યાર સુધી સંવિધાનમાં 106 સુધારા-સંશોધન થઈ ચૂક્યા છે. સંશોધન અને સંવિધાન બદલવામાં ઝાઝું અંતર નથી, પણ કમનસીબે નેતાઓનો મિજાજ એવો થઈ ગયો છે કે, તેઓ સંશોધન અને બદલાવની વચ્ચે પણ તક શોધી લેતા હોય છે. હવે કર્ણાટકના  નાયબ મુખ્ય પ્રધાન શિવકુમાર સ્પષ્ટતા કરી રહ્યા છે કે, તેમનાં નિવેદનને મારી-મચકોડીને રજૂ કરવામાં આવ્યું છે અને તેઓ બંધારણ બદલવાનો પ્રસ્તાવ ક્યારે પણ નહીં મૂકે. આમ છતાં એ સાચું છે કે, ધર્મના આધાર પર અનામત આપવા માટે બંધારણમાં સંશોધનની આવશ્યક્તા પડશે, પણ ભાજપે કોંગ્રેસ સામે આક્રમક રીતે નિશાન લીધું છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ બંધારણ બચાવોના સૂત્ર સાથે અગ્રેસર હતી અને ભાજપને આ મુદ્દા પર નુકસાન ભોગવવું પડયું હતું. વાસ્તવમાં ભાજપ અને કોંગ્રેસ, બન્ને મુખ્ય પક્ષને અનુભૂતિ થઈ ચૂકી છે કે, બંધારણ આ દેશમાં ખૂબ સંવેદનશીલ વિષય છે અને આના પર લોકો બિલકુલ સમજૂતી નહીં કરે. કોંગ્રેસે બંધારણને લઈને જે હથિયાર ચલાવ્યું હતું એ હથિયાર કોંગ્રેસની વિરુદ્ધ આવ્યું ત્યારે કોંગ્રેસ તત્કાળ બચાવમાં લાગી ગઈ. સંકેત સ્પષ્ટ છે કે, ભાજપ કોઈ રાજકીય તક ગુમાવવા નથી માગતો. આપણું બંધારણ ધર્મના આધાર પર અનામત આપવાની તરફેણ નથી કરતું. ડો. ભીમરાવ આંબેડકર પણ આવી અનામતના હિમાયતી નહોતા. બંધારણ સભામાં એકમત સાથે એ નક્કી થયું હતું કે, ધર્મના આધાર પર કોઈ અનામત નહીં આપવામાં આવે. હવે જો આવા અનામતની આવશ્યકતા જણાઈ રહી છે, તો આના સામાજિક બંધારણીય વ્યવહારિકતાની સાથોસાથ રાજનીતિના નફા-નુકસાન પણ સમજી લેવા જોઈએ. નિ:સંદેહ દેશને માટે રાજનીતિ નહીં, વ્યવહારિકતા પ્રાથમિક છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd