રાજ્યના હાઇ-વે ઉપર અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વાહન
વ્યવહાર પ્રશાસનની પ્રતિબદ્ધતા અને પ્રજાની જાગૃતિ બન્ને ચર્ચાનો વિષય છે. હિટ એન્ડ
રન એટલે કે રસ્તે ચાલતા જતા કે સૂતેલા-ઊભેલા લોકોનાં મૃત્યુ વાહનની અડફેટે થાય તેવા
બનાવ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. માર્ગ ઉપર વાહનોની ટક્કર કે અન્ય રીતે થતા અકસ્માતનું
નિવારણ થવું જ જોઈએ, પરંતુ અકસ્માત
આખરે અકસ્માત છે, તેવો બેનિફિટ ઓફ ડાઉટ આપણે આપી શકીએ જ્યારે
હિટ એન્ડ રનમાં બેદરકારી અને બેજવાબદારીનું પ્રમાણ વધારે છે. પોલીસ અને સરકારે આવા
કિસ્સાઓને અલગ રીતે જોવા અને નિવારવા જોઈએ. ગુજરાતમાં અમદાવાદ અને વડોદરામાં હિટ એન્ડ
રનના બનાવો સતત બને છે. તથ્ય પટેલ નામના સગીર કારચાલકની બેફામ ગતિથી થયેલા અકસ્માતને
લીધે એસજી હાઇ-વે ઉપરના પુલ પર એકસાથે નવ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં, તે પૂર્વે પણ એક યુવકે બીએમડબલ્યુ કારથી અકસ્માત કરીને એક વ્યક્તિનો જીવ લીધો
હતો. હોલિકાદહનના દિવસે વડોદરામાં રક્ષિત ચૌરસિયા નામના યુવકે અત્યંત ગતિથી કાર ચલાવતાં
એક ત્રીનું મૃત્યુ થયું. રાજકોટમાં પણ આવા જ અકસ્માતમાં સ્કૂટર ઉપર જઈ રહેલા એક વૃદ્ધ
ઘસડાયા અને રસ્તા ઉપર જ તેમનું મૃત્યુ થયું. અમદાવાદમાં જ બનતા કિસ્સા હવે રાજકોટ-વડોદરામાં
પણ બનવા લાગ્યા છે. કચ્છમાંય અકસ્માતના શ્રેણીબદ્ધ બનાવોમાં નવલોહિયાઓએ જીવન ગુમાવ્યા,
પરંતુ એક બાબત સમજી લેવી જોઈએ કે કેટલીક દુર્ઘટનાઓનું કારણ ટ્રાફિક સમસ્યા
નથી. સંપત્તિવાન સમુદાયના યુવાનો પૈસા અને કેફી પદાર્થ બન્નેના નશામાં મોંઘીદાટ મોટરકાર
અનિયંત્રિત ગતિથી ચલાવે છે, તેને લીધે આ દુર્ઘટના સર્જાય છે.
પોતાની મોટરકાર, પોતાની આવડતનું જાહેર નિદર્શન કરતા યુવાનો આ
અકસ્માત સર્જે છે. હિટ એન્ડ રન દર વખતે નિવારી
ન જ શકાય તેવી દુર્ઘટના નથી. કોઈ ચાલીને જતું હોય, ચાલકનું ધ્યાન
ન હોય ત્યારે અકસ્માત સર્જાય અને વાહનો દોડતા હોય તેવા માર્ગ ઉપર ઈરાદાપૂર્વક વધારે
ગતિથી વાહન દોડાવવામાં આવે તે બન્નેમાં ફેર છે. આવા કિસ્સામાં અગાઉ પોલીસે સ-અપરાધ
માનવવધનો ગુનો નોંધ્યો પણ છે. આવા કિસ્સાને અન્ય દુર્ઘટનાની સરખામણીમાં અલગ ગણીને તેના
આરોપી સામે કાર્યવાહી થવી જોઈએ. હિટ એન્ડ રનના કેસ પણ ઝડપથી ચાલે અને સજા કડક થાય તે
રીતે કાર્યવાહી કરવામાં આવે તો જ કદાચ આવા અકસ્માત ઓછા થાય. આ તો થઈ કાયદાની વાત,
પોતાના સંતાનને લાડ કરવા માટે કે સમાજમાં પોતે ઊંચા દેખાવા માટે જે વાલી
સગીર વયના સંતાનોને મોટરકાર ચલાવવાની છૂટ આપે છે, તેમની પણ જવાબદારી
છે. વયસ્ક હોય તો તે સંતાનને પણ ગતિનિયંત્રણનું માર્ગદર્શન આપવું જોઈએ. પિતાએ પોતાના
સંતાનને સમજાવવું જોઈએ કે આપણી મોટરકારની કિંમત કરતાં પણ રસ્તે ચાલતા-વાહન ચલાવતા કોઈ
વ્યક્તિનું જીવન વધારે મૂલ્યવાન છે.