• સોમવાર, 31 માર્ચ, 2025

મણિપુરમાં હિંસાની આગ

મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને સફળતા મળતી જણાતી નથી.  એક તરફ કેન્દ્ર સરકાર ભારે મથામણ કરી રહી છે, તો બીજી તરફ એક સાંધે અને તેર તૂટે જેવી પડકારભરી અને જટિલ સ્થિતિનો કોઈ ઉકેલ મળતો નથી. લગભગ પોણા બે વર્ષથી ચાલતી  હિંસા અને અરાજકતાની  આગમાં રાજ્યના લોકો ભારે કફોડી  હાલતમાં છે.  સરકારી સ્તરે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે, પણ અશાંતિના મુખ્ય કારણો શોધીને ઉકેલ શોધવા પર ધ્યાન અપાયું ન હોવાને લીધે હિંસાની આગ હવે નવા વિસ્તારોને દઝાડી રહી છે. આવા સંજોગોમાં હાલત સુધરવાને બદલે વધુ જોખમી બનતી  જાય છે.  આમ તો મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચેની શત્રુતાએ લોહિયાળ સંઘર્ષની આગ ભડકાવી હતી.  હવે હાલત એવી છે કે, બીજી જનજાતિઓ પણ એક-મેકની સામે મેદાને પડી રહી છે. આવા સંજોગોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાની સલામતી એજન્સીઓની વ્યૂહરચના અને કાર્યક્ષમતા સામે સવાલ ખડા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અશાંત ચુરાચંદપુર જિલ્લામાં થોડા સમય અગા હમાર સમુદાયના નેતા પર હુમલો થયો હતો. હવે ત્યાં હમાર અને જોમી સમુદાય વચ્ચે અથડામણો શરૂ થઈ ગઈ છે.  આ બન્ને સમુદાય વચ્ચે શાંતિ સ્થાપવા એક સંયુક્ત બેઠક યોજાઈ હતી અને સમાધાન પણ કરાયું હતું, પણ આ સમાધાનનો અમલ થઈ શક્યો નથી અને અથડામણો ફરી થવા લાગી છે.  હિંસાના આ બનાવોમાં એક જણનો ભોગ પણ લેવાઈ ચૂક્યો છે.  શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો હજી સુધી સફળ થયા નથી. કુકી અને જોમી સમુદાયના ધારાસભ્યો અને આગેવાનો ઉપરાંત અધિકારીઓએ હિંસાને રોકવાની અપીલ કરી છે.  પણ વાત હવે આવી અપીલોથી સુધરે એવી રહી નથી. ખેરખર તો સલામતી એજન્સીઓએ અને સ્થાનિકના ગુપ્તચર તંત્રે આવી સ્ફોટક સ્થિતિ પર ચાંપતી નજર રાખવાની જરૂરત હતી.   મણિપુરમાં આમ તો રાષ્ટ્રપતિ શાસન તળે છે, પણ હવે જ્યારે કોઈ રાજકીય દખલગીરી નથી અને વહીવટતંતત્રે છૂટો દોર છે, છતાં હિંસા અને અવિશ્વાસનો માહોલ દૂર થતો જણાતો નથી.  એક નાના એવા રાજ્યમાં બે વર્ષથી ચાલતી બેલગામ હિંસા ખરા અર્થમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિફળતાની સાબિતી છે. હિંસાને રોકવા સલામતી દળોને મોટા પ્રમાણમાં તૈનાત કરાય છે, પણ કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે વિશ્વાસનો માહોલ ખડો કરવા તરફ કોઈ નક્કર પગલાં લેવાતાં જણાયાં નથી.  હવે જ્યારે બીજા સમુદાયો વચ્ચે ખટરાગ ઊભો થઈ રહ્યો છે, ત્યારે તેનો આરંભમાં ઉકેલ આણવા પર ધ્યાન અપાવું જોઈએ. વહીવટતંત્રે ખેરખર તો આ ચિંગારી આગનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સક્રિય પ્રયાસ હાથ ધરવા જોઈએ.  સરકારો અને વહીવટતંત્રે સમજવાની જરૂરત છે કે, કોઈ પણ હિંસાને કાબૂમાં કરવા કડક  કાયદાકીય પગલાં લેવાની સાથોસાથ સમાજિક સમરતા ઊભી કરવા પર પણ ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. આમ તો રાજ્યમાં લાંબા સમયથી શાંતિની અનિવાર્યતા છે, પણ પરસ્પર સોહાર્દ વધારવાની તરફ કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાની અધૂરાશ હવે જોખમી બની રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd