• શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

મોદી - ટ્રમ્પની મંત્રણાનો સરવાળો; મિત્રતા અને સહયોગ

અમેરિકાનાં રાષ્ટ્રપતિપદની બીજી મુદ્દત માટે જવાબદારી સંભાળનારા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌ પ્રથમ શિખર મંત્રણા પર આખી દુનિયાની નજર મંડાયેલી હતી.  પોતાના દેશ અમેરિકા અને ભારતને ફરી મહાન બનાવવાના એજન્ડાને બહુ મજબૂતી સાથે આગળ ધપાવી રહેલા ટ્રમ્પ અને મોદી બન્નેની સામે તેમનાં આ લક્ષ્યને હાંસલ કરવા ઉપરાંત પરસ્પરની મિત્રતાને જાળવવાને બેવડો પડકાર આ મંત્રણાનાં કેન્દ્રમાં હતો. બંને નેતાએ ભારે સરળતા સાથે આ પડકાર પાર પાડીને વિશ્વને તેમની સ્ટેટ્સમેનશિપનો પરચો કરાવી દીધો. એક તરફ ટ્રમ્પ વિશ્વના દેશોની સામે ટેરિફ (વેરા) લગાવવાના એજન્ડાનો ઝડપભેર અમલ કરી રહ્યા છે, ત્યારે ભારતનાં મહત્ત્વને સમજીને સંબંધોને મજબૂત કરવાની અનિવાર્યતાને જાળવવા પર પણ તેમણે ધ્યાન આપવાનું હતું, તો બીજી તરફ મોદીએ અમેરિકાની સાથેના સંબંધોનાં સમતુલનને જાળવવા અને ભારતનાં હિતોને અવળી અસર ન પડે તેનો ખ્યાલ રાખવા પર ધ્યાન આપવાનું હતું.   વડાપ્રધાન મોદીની બે દિવસની અમેરિકા યાત્રા તમામ રીતે ભારે મહત્ત્વ ધરાવતી હતી. આમ તો ટ્રમ્પ સાથેનાં તેમનાં વ્યક્તિગત સમીકરણો એકદમ ગાઢ રહ્યાં છે, પણ જ્યારે પોતપોતાના દેશનાં હિતની વાત આવે છે, ત્યારે બન્ને નેતા ભારે કડક વલણ લેતાં પણ ખચકાતા નથી હોતા. આમે પણ આ મુલાકાત પહેલાં ટ્રમ્પે સમાન ટેરિફ નીતિને અનુસરવાનો મક્કમ ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેમણે અમેરિકામાં ભારતીય ગેરકાયદે વસાહતીઓને પરત મોકલવાના નિર્ણયનાં અમલીકરણ અને તેમાં લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને પોતાના કડક અને જક્કી વલણનો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો, પણ જ્યાં જરૂર હોય ત્યાં વાતને સ્વીકારી લેવાની તૈયારી ધરાવતા ભારતીય વડાપ્રધાને ગેરકાયદે ભારતીયોને પરત લેવામાં જરા પણ વાંધો ન હોવાનું વલણ લઈને મંત્રણાને હકારાત્મક સ્તરે પહોંચાડી દીધી છે.  આમે પણ અમેરિકાને તેનાં લાંબા ગાળાનાં આર્થિક, રાજદ્વારી અને વ્યૂહાત્મક હિતો માટે ભારતની મિત્રતાની ખાસ જરૂરત છે. અમેરિકાના પ્રતિબંધ છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ તેલ લેવાનું ચાલુ રાખ્યું હોવાની સામે ત્યાંની સરકારે કોઈ પગલાં લીધાં ન હોવાની બાબત આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે. ખાસ તો અમેરિકાને તેનાં અર્થતંત્રને ફરી દોડતું કરવા ભારતનો સહયોગ અનિવાર્ય છે. આ બાબત મોદી બરાબર જાણે અને સમજે, એટલે જ ભારતે અમેરિકા પાસેથી ક્રૂડ તેલ અને ગેસ ખરીદવાની તૈયારી બતાવી છે. સાથોસાથ ટ્રમ્પે આપેલી શત્ર ખરીદીની દરખાસ્ત ભારત સ્વીકારે તો અમેરિકાને અબજો ડોલરની આવક થઈ શકે છે. આ બધાં સમીકરણો અને બંને નેતાની વ્યક્તિગત નીકટતાનાં પરિણામરૂપે મંત્રણા અગાઉનો તાણખેંચનો અંદેશો આખરે સહયોગ વધારવાના પ્રયાસો માટેની કટિબદ્ધતામાં પરિવર્તિત થયો હતો. વિવાદ ઊભો થઈ શકે એવા ટેરિફ જેવા મુદ્દા પર વાટાઘાટોનું માળખું રચવા સંમતિ સધાઈ, તે ઉપરાંત મુંબઈ આતંકી હુમલાના કાવતરાંખોર તહવ્વુર રાણાનાં પ્રત્યાર્પણની પણ ટ્રમ્પે જાહેરાત કરી દીધી. તેમણે ભારતને આધુનિક એફ-3પ ફાઈટર વિમાન સહિતના સરંજામ વેચવાની તૈયારી બતાવી. સાથોસાથ બાંગલાદેશના મામલે ભારત કોઈપણ પગલું લઈ શકે છે એવાં અમેરિકાનાં વલણની પણ તેમણે જાહેરાત કરી હતી. આમ, સરવાળે ટેરિફ જેવા મુદ્દાને બાદ કરતાં બંને દેશ વચ્ચેની મિત્રતા અને સહયોગ વધુ ગાઢ બનશે એવો વિશ્વાસ આ ચાવીરૂપ મંત્રણાની ફળશ્રુતિ બની રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd