ઇઝરાયલ અને હમાસ
વચ્ચે ગાઝામાં ચાલતા જંગનો દવ હવે વધુ વ્યાપક બનીને લેબેનોન અને ઇરાન સુધી ફેલાઇ શકે
છે એવી દહેશત દિવસો દિવસ પ્રબળ બની રહી છે. હવે જંગના આ સંભવિત ભડકાનો ફડકો છેક ભારત
સુધી અનુભવાઇ રહ્યો છે. ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધી રહેલી તંગદિલીને ધ્યાનમાં લઇને એર
ઇન્ડિયાએ સાવચેતીરૂપે તેનાં ઇઝરાયલનાં તેલ અવિવ સાથેનાં તમામ ઉડ્ડયનો આઠમી ઓગસ્ટ સુધી
રદ કરી નાખ્યાં છે. ભારતની એરલાઇન્સનાં આ પગલાંએ આ વિસ્તારમાં તંગદિલી વિસ્ફોટક બને
એવી આશંકા ઘેરી બનાવી છે. પશ્ચિમી દેશોએ તેમના નાગરિકોને મધ્યપૂર્વ વિસ્તારમાંથી જેમ
બને તેમ જલ્દી બહાર નીકળી જવાની સ્પષ્ટ સૂચના આપી છે. ભારતીય એરલાઇન્સનાં સાવચેતીનાં
પગલાંને જોતાં સ્વાભાવિક રીતે સવાલ ઊભો થઇ રહ્યો છે કે, ભારતને કોઇ ગુપ્ત માહિતી મળી
છે કે પછી ઇરાન કે ઇઝરાયલ તરફથી કોઇ ચેતવણી મળી છે ? આમ તો આ બન્ને દુશ્મન દેશો સાથે
ભારતના સારા સંબંધ છે, એવામાં આવી કોઇ ચેતવણી તેમની પાસેથી મળી હોય એવી પૂરી શક્યતા
છે. જો યુદ્ધની શક્યતા ન હોત તો એર ઇન્ડિયા આવું પગલું લે જ નહીં એ સમજી શકાય એવી બાબત
છે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલ સામે પેલેસ્ટાઇનનાં નામે જંગ ચલાવી રહેલાં આંતકી સંગઠન
હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયેની ગઇ 31મી જુલાઇના ઇરાનમાં હત્યા થઇ હતી. આ હત્યાનો
આરોપ ઇઝરાયલ પર લાગ્યો હતો. જવાબમાં ઇરાને આ હત્યાનો બદલો લેવાની જાહેરાત કરી છે. વળી,
ઇરાન આમે પણ ઇઝરાયલ સામે ધુંઆપુંઆ તો છે જ. આ અગાઉ પણ ઇઝરાયલે ઇરાનમાં આવી કાર્યવાહી
કરેલી છે. ઇઝરાયલે તેના દુશ્મનોના ખાતમા માટે ઝુંબેશ છેડી છે. 31મીના હાનિયેની હત્યાના
બીજા દિવસે ઇઝરાયલે હમાસની લશ્કરી પાંખના વડા મોહમ્મદ દૈફનાં મોતની જાહેરાત કરી હતી.
હમાસનો આ નેતા સાતમી ઓક્ટોબરે ઇઝરાયલમાં થયેલા આંતકી હુમલાનો માસ્ટર માઇન્ડ મનાતો હતો.
ઇઝરાયલની આ આક્રમક કાર્યવાહીથી ઇસ્લામિક દેશોમાં ભારે આક્રોશ છવાયેલો છે. ચીન અને પાકિસ્તાને
પણ આવી હત્યાઓ અને ગાઝામાં ચાલતા હુમલાની ટીકા કરી છે. ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ
ખામેનેઇ જે રીતે આક્રમક વાતો કરી રહ્યા છે, તેનાથી યુદ્ધની શક્યતા દિવસો દિવસ પ્રબળ
બની રહી છે. તેમણે સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે, હાનિયેની હત્યાનો બદલો લેવાની તેમની
ફરજ બની રહે છે. હાલત એવી છે કે, ઇઝરાયલ અને ઇરાન બન્નેમાંથી એકેને કોઇ સમજાવી શકે
તેમ નથી. વળી, ઇરાન મોટા હુમલાને બદલે મર્યાદિત કાર્યવાહી કરીને પોતાનું નામ બચાવવાનો
પ્રયત્ન કરી શકે છે. યુદ્ધ ફાટી નીકળે નહીં તો પણ ઇરાન ક્યાં અને કેવો હુમલો કરી શકે
છે તે અંગે કોઇને ખબર નથી. સાથોસાથ અમેરિકાએ તેનાં વિમાનવાહક જહાજ સાથે નૌકાદળનો મોટો
કાફલો ઇરાન નજીકના દરિયામાં તૈનાત કરીને સ્થિતિ વણસે તો દરમ્યાનગીરી કરવાની તૈયારી
આરંભી છે. ગાઝાના વિનાશ સમયથી ઇઝરાયલ સામે રાજદ્વારી મોરચો ખોલનારાં સંયુક્ત રાષ્ટ્ર
સંઘે હમાસની આતંકી કાર્યવાહીની સામે પણ કડક વલણ વ્યક્ત કરવાની જરૂરત હતી. હવે જ્યારે
સ્થિતિ હાથમાંથી સરી રહી છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રે માત્ર ટીકાની કાર્યવાહીથી આગળ
વધીને આ વિસ્તારમાં શાંતિ સ્થપાય તે માટે સક્રિય થવાની તાતી જરૂરત છે. ખરેખર તો આરબ
દેશો અને મધ્યપૂર્વનાં તમામ સંગઠનોના પ્રતિનિધિઓને સાંકળી લેતી તાકીદની બેઠક સંયુક્ત
રાષ્ટ્ર સંઘે બોલાવવી જોઇએ અને તંગદિલી હળવી કરવા સંવાદ સાધવો જોઇએ.