• શુક્રવાર, 29 માર્ચ, 2024

દુનિયાની તબિયત સુધરી, પણ પડકારો હજી યથાવત

કોરોનાના ભયંકર ઓછાયા તળે આરોગ્યલક્ષી અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી ચૂકેલાં વિશ્વ માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે. દુનિયાનાં આરોગ્યમાં નોંધપાત્ર રીતે સુધારો હોવાની ઉત્સાહજનક વિગતો વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના એક તાજા અહેવાલમાં અપાઇ છે. ડબલ્યુએચઓ દ્વારા બહાર પડાયેલા સતત વિકાસ લક્ષ્ય અંગે વર્ષ 2023ના તાજેતરના અહેવાલ મુજબ દુનિયાનાં આરોગ્યમાં ઉલ્લેખનીય સુધારો જણાયો છે. કોરોનાના કરુણ સમાચારો બાદ ખરેખર આ અહેવાલ આનંદની લાગણી જગાવે તેવો છે. આ અહેવાલમાં એટલી બધી હરખાવા જેવી બાબત છે કે, આ સદીમાં વિશ્વનો સરેરાશ બાળ મૃત્યુદર ઘટયો છે. તેની સાથોસાથ માતૃ મૃત્યુદરમાં ત્રીજા ભાગનો ઘટાડો થયો છે. દુનિયાના લોકોનાં આરોગ્ય માટે ભારે જોખમી મનાતા એચઆઇવી, ટીબી અને મેલેરિયા સહિતના ચેપી રોગોમાં ઘટાડો થયાની બાબત પણ રાહતરૂપ છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, વર્ષ 2000માં સરેરાશ વય 67 વર્ષની હતી, જે 2019માં વધીને 73 વર્ષની થઇ છે. સરેરાશ ઉંમરમાં છ વર્ષનો વધારો દુનિયાનાં આરોગ્ય માળખાંમાં વધારો અને લોકોમાં જાગૃતિના સંકેત આપી જાય છે. લોકો હવે આરોગ્ય સુવિધાઓના ઉપયોગ માટે સચેત થયા છે અને પોતાનાં આરોગ્યની જાળવણી માટે રસ લેતા થયા છે. આ બદલી રહેલી માનસિકતા દુનિયાનાં આરોગ્યને સુધારવામાં ચાવીરૂપ બની રહી છે. આ બધા હકારાત્મક અને પોરસાવતા અહેવાલો વચ્ચે એક નબળી હકીકત પણ આ અહેવાલમાં સામે આવી છે. 2015 પછીથી વિશ્વનાં આરોગ્ય માળખાંમાં થઇ રહેલા વિકાસનો વેગ ધીમો પડયો છે. આવા સંજોગોમાં 2030 સુધી સતત વિકાસનાં લક્ષ્યને હાંસલ કરવાનું કામ પડકારભર્યું બની શકે છે. આ સંદર્ભમાં એવું પણ ચિત્ર સામે આવી રહ્યંy છે કે, દુનિયાની 99 ટકા વસ્તી પ્રદૂષિત અને બિનઆરોગ્યપ્રદ હવા શ્વાસમાં લે છે. આ ઉપરાંત દુનિયામાં મેદસ્વી લોકોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.એવું ચિત્ર સામે આવી રહ્યંy છે કે, શક્ય છે કે, ગયા દાયકા દરમ્યાન આર્થિક મંદીની અસર તળે આરોગ્ય સેવા અને માળખાં તરફ જાહેર ખર્ચમાં ભારે ઘટાડો થતો રહ્યો હતો. આરોગ્ય સેવાઓ વધારવા માટે સંખ્યાબંધ દેશોને આર્થિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. વળી એમ પણ સામે આવ્યું છે કે, આરોગ્ય સુવિધાઓના મામલે અસમાનતા વધી છે. દુનિયામાં 13 જેટલા દેશ એવા છે કે, જ્યાં આરોગ્ય સેવામાં ભારે અધુરાશ છે. આ દેશોમાં બીમારીથી થતાં મોતની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે. ડબલ્યુએચઓએ આ હેવાલમાં ભાર મૂક્યો છે કે, આરોગ્ય સેવાના મામલે વૈશ્વિક અસમાનતાને દૂર કરવાની જરૂરત છે. ચેપી રોગ કદાચ આપણા કાબૂમાં ન હોય, પણ બિનચેપી  રોગો પર લગામ રાખવા માટે સતત ધ્યાન અપાવું જોઇએ. વળી દુનિયામાં ચેપી રોગોના વધી રહેલા પ્રભાવને લીધે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય તો આરોગ્ય માળખાં પર બોજો આવી શકે તેમ છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang