ભુજ, તા. 28 : ટીટીએફઆઇ, ભારત સરકાર, પેરા ટેબલ
ટેનિસ એસોસીએશન અને ટેબલ ટેનિસ એસોસીએશન ઓફ બરોડા દ્વારા વડોદરા ખાતે પેરા નેશનલ રેન્કિંગ
ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ અને પેરા નેશનલ ચેમ્પિયનશિપ ટી.ટી. ટૂર્નામેન્ટ યોજાઇ હતી.
આ સ્પર્ધાઓમાં સમગ્ર ભારતમાથી 300 જેટલા અલગ અલગ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં કચ્છના રાપર તાલુકાના
સુવઈ ગામની પેરા ટી.ટી. ખેલાડી સરલા સોલંકી ઝળકી હતી. તેણે પેરા નેશનલ રેન્કિંગ
ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને
પેરા નેશનલ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં મહિલા સિંગલ્સમાં શાનદાર પ્રદર્શન કરી
આંતરરાષ્ટ્રીય ખેલાડી સામે જીત મેળવી રનર્સઅપ બની હતી અને સતત 4 વર્ષથી કાંસ્યચંદ્રક મેળવતાં સરલા સોલંકી
આ બંને ટૂર્નામેન્ટના સારા પ્રદર્શન સાથે પોતાની કેટેગરીમાં દેશની બીજા ક્રમની પેરા
ટી.ટી. ખેલાડી બની ગઇ છે. સરલા સોલંકીએ સખત પ્રેક્ટિસ, યોગા, ધ્યાન કરીને આગેકૂચ
કરી છે. તેણે સેમિફાઇનલમાં ઉત્તરપ્રદેશની આંતરરાષ્ટ્રીય ખેલાડી પ્રગતિ કેશરવાનીને 3-1 મેચથી હાર આપીને સિલ્વર મેડલ
જીત્યો હતો. સરલા સોલંકીને સિલ્વર મેડલ સાથે ગુજરાત સરકારની યોજના હેઠળ 1 લાખ રોકડ પુરસ્કાર પણ મળ્યો છે. તેના કોચ
અંકિત ચૌહાણના સતત માર્ગદર્શન અને પ્રેક્ટિસને કારણે સરલાને આ સફળતા પ્રાપ્ત થઈ છે.
તેમની સફળતાનું શ્રેય ખેલાડીએ પતિ મનસુખ સોલંકી,
કોચને આપ્યું હતું. સરલા સોલંકી હાલમાં સીએસઆઇઆર-સીએસએમસીઆરઆઇ,
ભાવનગર ખાતે સિનિયર ટેકનિશયન તરીકે ફરજ બજાવે છે.