અમદાવાદ, તા.28 : કપ્તાન હાર્દિક પંડયાની એક
મેચના પ્રતિબંધ બાદ મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી થશે,
તેની ટીમ શનિવારે રમાનારી મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ જીતના મકકમ
ઇરાદા સાથે ઉતરશે. બીજી તરફ જીટીની નજર પહેલા મેચની હાર ભૂલીને સીઝનની પ્રથમ જીત હોમ
ગ્રાઉન્ડ પર મેળવવાની હશે. બન્ને ટીમને સીઝનની પ્રથમ જીતની તલાશ છે. મુંબઇ ટીમ સિઝનની
પહલી મેચ હારવાનો ક્રમ તોડી શકી ન હતી અને સીએસકે સામે હારી હતી. તો ગુજરાતે મોટા સ્કોરવાળી
મેચમાં પંજાબ સામે 11 રને હાર સહન
કરી હતી. મુંબઇને પહેલી અને બીજી મેચ વચ્ચે લગભગ એક સપ્તાહનો સમય મળ્યો હતો. આ દરમિયાન
તેના ખેલાડીઓ જામનગર સ્થિત રિલાયન્સના વનતારા પહોંચ્યા હતા. અહીં એમઆઇના ખેલાડીઓ પ્રાણીઓની
હાજરીમાં કેમ્પ યોજાયો હતો. આ પછી મુંબઇ પહોંચી બે દિવસ સખત નેટ પ્રેક્ટિસ કરી છે.
ટીમનો નિયમિત સુકાની અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા વાપસી કરશે આથી મુંબઇની બેટિંગ-બોલિંગને
બળ મળશે. જો કે બુમરાહની ખોટ પૂરી શકે તેવો કોઇ બોલર મુંબઇ પાસે નથી. મુંબઇ ટીમે શનિવારની
મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમવાની છે જ્યાં પરિસ્થિતિ પૂરી રીતે બેટધરોને અનુકૂળ
છે. આ મેદાન પર પંજાબના 243 રન સામે ગુજરાતના
232 રન થયા હતા. એક મેચમાં 47પ રન બન્યા હતા. હવે અહીં સીઝનની બીજી મેચ
રમાશે અને ફરી રનના ઢગલા થશે તેવી પૂરી સંભાવના છે. ગુજરાત માટે મોહમ્મદ સિરાજનું પ્રદર્શન
મહત્ત્વનું બની રહેશે. તેણે પંજાબ સામે પ4 રન લૂંટાવ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણા પણ પ્રભાવ છોડી શક્યો ન હતો.
જે જીટીના મુખ્ય કોચ આશિષ નેહરા માટે ચિંતાનો વિષય છે. બે વિદેશી બોલર રબાડા અને રાશિદ
ખાન પણ પંજાબની રન ગતિ પર અંકુશ મૂકી શક્યા ન હતા. મુંબઇ સામે ગુજરાતના બોલરોએ સામૂહિક
સારો દેખાવ કરવો પડશે.