ચેન્નાઈ, તા. 28 : અર્ધસદી સાથે રજત પાટીદારની
કેપ્ટન ઈનિંગ તેમજ ત્રણ વિકેટ લેનાર જેશ હેઝલવૂડની બળૂકી બોલિંગના બળે રોયલ ચેલેન્જર્સ
બેંગલોરે શુક્રવારે લગાતાર બીજી જીત મેળવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના જ ગઢ ચેપોકમાં
50 રને હાર આપી હતી. રજતસેનાએ
197 રનનું લક્ષ્ય આપ્યા બાદ ચેન્નાઈની
ટીમ 146 રન સુધી સીમિત રહી હતી. લક્ષ્ય
આંબવા મેદાન પર ઉતરેલી સુપર કિંગ્સની અડધોઅડધ ટીમ 75 રનમાં જ પેવેલિયનમાં બેસી ગઈ હતી. ચેન્નાઈ વતી એકમાત્ર રચિન રવીન્દ્રએ 30 દડામાં પાંચ ચોગ્ગા સાથે 41 રન કરી સ્કોરબોર્ડને ગતિ આપવાનો
પ્રયાસ કર્યો હતો, પરંતુ યશ દયાલનો
દડો રમવામાં થાપ ખાતાં વિકેટ ખોઈ બેઠો હતો. બેંગ્લોરના બોલરોએ મુકાબલો સાવ એકતરફી જ
બનાવી દીધો હતો. છેલ્લે રમવા ઉતરેલા મહેન્દ્રસિંહ ધોનીએ 16 દડામાં ત્રણ ચોગ્ગા, બે છગ્ગા સાથે ઝડપી 30 રન કર્યા હતા. અગાઉ, બેંગ્લોર સાત વિકેટે 196 રનનો પડકારરૂપ સ્કોર બનાવવામાં
સફળ રહી હતી. ઇનિંગની અંતિમ ઓવરમાં સીએસકે બોલર સેમ કરનની ધોલાઇ કરીને આરસીબીના ફટકાબાજ
ટિમ ડેવિડે ઉપરાઉપરી ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. બેંગ્લોર તરફથી કપ્તાન રજત પાટીદારે
અર્ધસદી કરી હતી જ્યારે સીએસકે તરફથી ફરી એકવાર અફઘાન સ્પિનર નૂર અહમદે પ્રભાવશાળી
પ્રદર્શન કરીને 36 રનમાં 3 વિકેટ લીધી હતી. મહિશ પથિરાનાને 36 રનમાં બે વિકેટ મળી હતી. આરસીબીની
શરૂઆત ઝડપી રહી હતી. ખાસ કરીને ફિલ સોલ્ટે પાવરપ્લેમાં ફાયદો લઇને પાવર હિટિંગ કર્યું
હતું, પણ ચપળ વિકેટકીપર ધોનીએ નૂરની ગૂગલીમાં આંખના
પલકારામાં સોલ્ટને સ્ટમ્પિંગ કરીને ચેન્નાઇને પહેલી સફળતા અપાવી હતી. સોલ્ટે 16 દડામાં પ ચોગ્ગા, 1 છગ્ગા સાથે
32 રન કર્યા હતા. દેવદત્ત પડીક્કલ
27 રને આઉટ થયો હતો. સ્ટાર બેટર
વિરાટ કોહલી સેટ થયા પછી છગ્ગો મારવાના પ્રયાસમાં 31 રને કેચઆઉટ થયો હતો. તેણે 31 દડાની ઇનિંગમાં બે ચોગ્ગા, એક છગ્ગો ફટકાયો હતો. સમયાંતરે ખરતી વિકેટો
વચ્ચે રજત પાટીદારે બે જીવતદાન સાથે પ1 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. તેણે 32 દડાની ઈનિંગ્સમાં ચાર ચોગ્ગા, ત્રણ છગ્ગા લગાવ્યા હતા. લિવિંગસ્ટોન 10 અને જિતેશ શર્મા 12 રને આઉટ થયા હતા. અંતમાં ટિમ
ડેવિડે આઠ દડામાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 22 રનની અણનમ કેમિયો ઈનિંગ્સ રમી આરસીબીનો સ્કોર 20 ઓવરના અંતે સાત વિકેટે 196 રન સુધી પહોંચાડયો હતો. ખલિલ
અને અશ્વિનને 1-1 વિકેટ મળી હતી.