હૈદરાબાદ, તા. 27 : નિકોલસ પુરનના માત્ર 26 દડામાં ધુંઆધાર 70 રન અને મિચેલ માર્શના 52 રનની મદદથી લખનઉએ અહીં હૈદરાબાદને
23 દડા બાકી હતા ત્યારે પાંચ વિકેટે
હાર આપી હતી. 191નાં લક્ષ્ય સામે ઊતરેલી એલ.એસ.જી.ના
માર્કરમ (1)ની વહેલી વિદાય બાદ પુરન અને માર્શે બીજી
વિકેટ માટે 116 રનની વિસ્ફોટક ભાગીદારી નોંધાવી
જીતનો તખતો ઘડયો હતો. પુરને છ છગ્ગા અને છ ચોગ્ગાની રમઝટ બોલાવી હતી. કમિન્સે આ બંનેને
આઉટ કર્યા હતા. રિષભ પંત 15 રને આઉટ થયો
હતો. અંતિમ ક્ષણોમાં મિલરે 7 દડામાં 13 અને અબ્દુલ સમદે 8 દડામાં 22 રન ઝૂડી કાઢયા હતા. એડમ ઝમ્પાની ચાર ઓવરમાં 46 રન થયા હતા. અગાઉ રિષભ પંતના કપ્તાનપદ હેઠળની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે હૈદરાબાદની રન રફતારને ઘણે અંશે અંકુશ મૂકવામાં
સફળ રહી હતી. આમ છતાં સમયાંતરે પડતી વિકેટો વચ્ચે સનરાઇઝર્સ ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટે 190 રન સ્કોર બનાવવામાં સફળ રહી હતી. પંતે ટોસ જીતી બોલિંગ કરવાનો સાહસિક નિર્ણય લીધો
હતો. હૈદરાબાદ તરફથી કાંગારુ ફટકાબાજ ટ્રેવિસ હેડે સર્વાધિક 47 રન કર્યા હતા. તેણે 28 દડામાં પ ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યાં હતા.જો કે અભિષેક શર્મા 6 રન જ કરી શકયો હતો અને પાછલી મેચનો સદીવીર
ઇશાન કિશન પહેલા દડે જ શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. લખનઉ તરફથી ઠાકુરે 4 ઓવરમાં 34 રનમાં 4 વિકેટ લીધી હતી. આવેશખાન, દિગ્વેશ રાઠી, રવિ બિશ્નોઇ
અને પ્રિન્સ યાદવને 1-1 વિકેટ પ્રાપ્ત
થઇ હતી. પાવરપ્લેની માહિર ટીમ સનરાઈઝર્સના આજની મેચમાં પાવરપ્લેમાં 2 વિકેટે 62 રન બન્યા હતા.નીતિશકુમાર રેડ્ડીએ 28 દડામાં 2 ચોગ્ગાથી 32 રન કર્યા હતા. સ્ટાર બેટર હેનરિક
ક્લાસેન 17 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી 26 રને આઉટ થયો
હતો. નવોદિત બેટર અનિકેત વર્માએ ફકત 13 દડામાં પ છગ્ગાથી 36 રનની ધુંઆધાર ઇનિંગ્સ રમી સનરાઇઝર્સની રન ગતિ વધારી હતી જ્યારે
કેપ્ટન પેટ કમિન્સે 4 દડામાં 3 ઉપરાઉપરી સિકસર ફટકારીને 18 રનની કેમિયો ઇનિંગ્સ રમી લખનઉ
ટીમને દબાણમાં લાવી દીધી હતી. હર્ષલ પટેલ 12 રને નોટઆઉટ રહ્યો હતો.