લખનૌ, તા. 30 : સૈયદ મોદી ઈન્ડિયા ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં
શનિવારે પણ શાનદાર પ્રદર્શન સાથે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પી.વી. સિંધુ વટભેર ફાઈનલમાં
પહોંચી હતી. એ જ રીતે તનીષા ક્રેસ્ટો અને ધ્રુવ કપીલાની જોડીએ પણ મિક્સ ડબલ્સની ફાઈનલમાં
સ્થાન મેળવી લીધું હતું. પોતાના જ દેશની ઉન્નતિ હુડ્ડાને 36 મિનિટ ચાલેલા સેમિફાઈનલ
મુકાબલામાં સિંધુએ 21-12, 21-9થી હાર આપી હતી. હવે આવતીકાલે રવિવારે સિંધુ ફાઈનલ જંગ
જીતવા વિશ્વમાં 119મી ક્રમાંકિત ચીનની ખેલાડી વૂ લુઓ યૂ સે સામે ટક્કર લેશે. બીજી તરફ
મિક્સ ડબલ્સ સેમિફાઈનલના 42 મિનિટ ચાલેલા મુકાબલામાં ધ્રુવ-તનિષાની ભારતીય જોડીએ ચીનની
ઝો ઉજીહોંગ અને જિયાયીની જોડીને 21-16, 21-15થી પરાજિત કરી હતી. ફાઈનલમાં ક્રેસ્ટો-કપીલાની
ભારતીય જોડી થાઈલેન્ડની પુ વારાનુંકોહ અને સુવિસારા પેવસમારાનની જોડી સામે મુકાબલો
રમશે. સેમિફાઈનલ જીત બાદ આત્મવિશ્વાસથી છલકાતી પી.વી. સિંધુએ કહ્યું હતું કે, મહત્વનો
મુકાબલો હતો એટલે કોઈ જાતનું જોખમ ખેડયા વિના રમત રમી. યુવા ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા
કરતાં સિંધુએ કહ્યું હતું કે, શ્રેષ્ઠ આપવા સ્પર્ધામાં ઉતરી છું અને આ સ્પર્ધા જીતીશ
તેવી આશા છે.