ભુજ, તા. 20 : ભારતમાં ડાયાબિટીસની સમસ્યા વધી રહી હોવાથી વહેલું નિદાન કરાવી લેવું જરૂરી છે, કારણ કે જેમ નિદાન વેળાસર થશે તેમ સારવાર જલ્દી મળતાં આવા દર્દીઓ અનેક શારીરિક અને માનસિક જટિલતાથી બચી શકશે એવું જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના મેડિસીન વિભાગના તબીબોએ જણાવ્યું હતું. જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડિસીન વિભાગ હેઠળ સારવાર લેવા આવતા દર્દીઓને ડાયાબિટીસ છે કે કેમ તે અંગે જાણકારી મેળવી અને આ રોગનું પરીક્ષણ ખાસ કરીને એચ.બી.એ. 1-સી ટેસ્ટ કરાવી લેવાનું પણ જણાવવામાં આવે છે. એટલું જ નહીં, ડાયાબિટીસનાં કારણે આંખ, કિડની, હૃદય ઉપર અસર છે કે નહીં તેની તપાસનો પણ આગ્રહ રાખી એ મુજબ સારવારની સિસ્ટમ અપનાવવામાં આવી છે, એમ હોસ્પિટલના મેડિસીન વિભાગના ડો. યેશા ચૌહાણે જણાવ્યું હતું. વહેલા નિદાનના ફાયદા અંગે તેમણે જણાવ્યું હતું કે, સૌથી મોટો ફાયદો એ છે કે, જો નિદાન થાય તો વહેલી સારવાર શરૂ થાય અને ભવિષ્યમાં સારવાર ઓછી લેવી પડે. નિદાનના પહેલા વર્ષમાં જેટલું સારું નિયંત્રણ આવે એટલો વધુ ફાયદો થાય. વળી વહેલું નિદાન અને વહેલી સારવાર સાથે વજન નિયંત્રણ રાખવા અને વજન ઉતારવા દર્દીને સલાહ આપવામાં આવે છે, જેથી માત્ર સુગર કંટ્રોલ જ નહીં ઘણીવાર તેની માત્રા પણ સામાન્ય થઈ જાય છે. ટેસ્ટ અંગે તબીબોએ કહ્યું કે, ટેસ્ટ ઉપરાંત લિપિડ પ્રોફાઈલ, લિવર માટે એસજીપીટી તપાસ, બી.પી., આંખ અને પગની તપાસ પણ જરૂરી બને છે. જો રિપોર્ટમાં સહેજ પણ તકલીફ જણાય તો રોગ વધે તે પહેલાં સારવાર થઈ શકે. ડાયાબિટીસ અને હૃદયરોગ વચ્ચે સીધો સંબંધ છે એમ જણાવી તબીબોએ કહ્યું કે, ડાયાબિટીસના દર્દીઓને બ્લડપ્રેશર વધુ રહેતું હોય કે કોલેસ્ટેરોલ હોય અને સાથે તમાકુ કે ધૂમ્રપાન અથવા તો શરાબનું વ્યસન હોય તેમ જ વારસામાં હૃદયરોગ હોય તો કાર્ડિયોગ્રામ, ટુ ડી ઈકો કે ટ્રેડમિલ ટેસ્ટ કરાવી સમયસર સારવાર આપવાથી દર્દીને રાહત રહે છે. ઉપરાંત ઠંડાંપીણાં, મીઠાઇ ઉપર નિયંત્રણ અને વ્યસન તેમજ ખાનપાનની જીવનશૈલી સુધરવા સલાહ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર વર્ષે નવેમ્બર માસમાં રાષ્ટ્રીય ડાયાબિટીસ માસ ઊજવવામાં આવે છે. આ બીમારી હવે એવા સ્ટેજ ઉપર પહોંચી છે કે જેમાં બાળકો, વયસ્કો અને યુવાનોને પણ આ રોગ થાય છે. તેથી વહેલું નિદાન અને સારવાર માટે જાગૃતિ લાવવા લોકોને જાગૃત કરવા આ માસ ઊજવવામાં આવે છે. જી.કે.માં પણ સારવાર લેવા આવતા દર્દીઓને ડાયાબિટીસની તપાસ માટે ભાર મૂકવામાં આવે છે, તેમજ 10થી 15 ટકા વજન ઓછું કરવા અને યોગ, પ્રાણાયામ કરવા ભલામણ કરવામાં આવે છે.