બાબુ માતંગ દ્વારા દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 9 : આદ્યશક્તિની સાધનાના ગણાતા તહેવાર નવરાત્રિની ઉજવણી દરમ્યાન
રાસમાં સૂર સાથે તાલ મિલાવતા દાંડિયાનું મહત્ત્વ અનેરું છે. ભરતગૂંથણના રંગબેરંગી પોષાક
હોય, ઢોલ-નગારાનો તાલ હોય અને હાથમાં સાવ એકાદ ફૂટના
લાકડીના કટકા સમાન સાદો દાંડિયો શોભે ખરો ? એટલે જ પાવરપટ્ટીના
લાખકામના કારીગરો નવરાત્રિ દરમ્યાન રાસ રમતા ખેલૈયાઓનો જોમ-જુસ્સો બૂલંદ બનાવવા આકર્ષણરૂપ
લાખજડિત નવરંગી દાંડિયા અને કેટલાક મુસ્લિમ કારીગરો દેશી દાંડિયાના ઉત્પાદનમાં ભારે
વ્યસ્ત બન્યા છે. નવરાત્રિના પાવન પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે
ખેલૈયાઓમાં ગરબા રમવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં દાંડિયારાસની રમઝટ
બોલાવવા માટે દાંડિયાનું મહત્ત્વ વિશેષ છે. આજકાલ પ્લાસ્ટિક અને ચાઇનીઝ દાંડિયાના યુગમાં
પણ ગામડાના કસબીઓ દ્વારા બનાવવામાં આવતા દેશી અને કલાત્મક લાકડાના દાંડિયાની માંગ યથાવત
રહી છે. પાવરપટ્ટીના નિરોણા અને ઝુરાના લાખકળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા કારીગરોની
હથરોટી હેઠળ બનતા લાખકામના `લોર' અને `ઝવેર'ની ડિઝાઇનવાળા દાંડિયાનો વટ કંઇ જુદો જોવા મળે છે. દેશી બાવળ, બોરડી કે અન્ય મજબૂત લાકડામાંથી સંખેડા દ્વારા તૈયાર થયેલા દાંડિયા પર લાખના
નયનરમ્ય રંગો ચડાવી ભારે ભભકાદાર બનાવવામાં આવે છે, તેમાં પણ
આ કસબીઓની લાખની આડકતરી ડિઝાઇનવાળા દાંડિયા તો વિદેશમાં પણ પહોંચતા થયા છે. આ કારીગરો
એટલે જ નહીં અટકતા આવા રંગ-રોગાન અને કસબના મિશ્રણથી શોભતા દાંડિયાના છેડે તાંબા-પિત્તળની
નાની-નાની ઘૂઘરીના ઝૂમખા જડી એક અનોખી ખોજ આદરી છે. ઘૂઘરીના રણકારે વાગતા દાંડિયા રાસને
વધુ રસદાર બનાવે છે. નિરોણાના યુવા કારીગરો દાના વાઢા, પ્રેમજી
વાઢા, દેવજી વાઢા, લાલજી વાઢા, જયંતી વાઢા, સુરેશ વાઢા વગેરે આ આધુનિક દાંડિયાના કસબી
છે. વળી સાદા દેશી દાંડિયાના ઉત્પાદનમાં પાવરપટ્ટી વિસ્તારના કમાગુના, ટાંકણાસર, ભીમસર, પાલનપુર (બાડી),
ઝુરા અને નિરોણાના મુસ્લિમ કારીગરો જાણીતા બન્યા છે. નિરોણાના અશરફભાઇ
આગા, ઇસ્માઇલ આગા, લતીફ રેલડિયા,
આમદ આગા, સુમાર બાબરિયા, હુશેનભાઇ રેલડિયા દેશી દાંડિયા બનાવટના કારીગરો છે. નિરોણાથી દક્ષિણે પથરાયેલા
ઝુરા ડુંગર વિસ્તારની લાખાડી, કસ્તી, નપાય,
આગેરા, સધપાસાડો, કંગણીજર
તેમજ સોનવો નામક તળેટીઓમાં કંગણી, લિયાર તેમજ સે નામક તળપદી વનસ્પતિઓ
સારા પ્રમાણમાં ઊગે છે. જ્યાં આ કારીગરો ડુંગરની ટેકરીઓ ખૂંદી વનસ્પતિમાંથી સીધી લાકડીઓ
કાપી તેના દોઢેક ફૂટની લંબાઇના ટુકડા કરી તેને સળગતા ઝાંખરામાં શેકવામાં આવે છે. શેક
લાગવાથી ટુકડામાં રહી ગયેલા વળ નીકળી મજબૂત બને છે. આ ટુકડા પરથી છાલ ઉતારી ઘેર લઇ
જવામાં આવે છે. જ્યાં ઘરના અન્ય ત્રી સભ્યો ધારદાર ચપ્પુ કે છરી વડે લીસા કરી તેલ સાથે
મિશ્રણ હળદરથી રંગવામાં આવે છે, જે તૈયાર થયેલા દાંડિયાની સાદી
જોડ માત્ર પાંચેક રૂપિયાની મામૂલી કિંમતમાં મળી જાય છે. આ દેશી દાંડિયા તૈયાર કરવાની
પ્રક્રિયા દરમ્યાન એક દાંડિયાને કારીગરના હાથમાંથી છથી સાત વખત પસાર થવું પડે ત્યારે
તે મજબૂત બને છે. દાંડિયા બનાવટનો કસબ માત્ર સંસ્કૃતિનું જતન જ નથી કરતો, પરંતુ તેમની આ પ્રાચીન અને સુંદર હસ્તકલાને જીવંત રાખવામાં પણ ભાગ ભજવે છે.