કાઠડા (તા. માંડવી), તા. 9 : કચ્છના પ્રસિદ્ધ
યાત્રાધામ માતાના મઢે દર્શનાર્થે આવતા માઈભક્તોની અવરજવર અત્યારથી જ વધી છે. માતાના
મઢે દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માંડવીના રમણીય દરિયાકાંઠા, ટોપણસર તળાવ સહિતનાં પ્રવાસન અને નજીકનાં ધાર્મિક
સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. પરિણામે નવરાત્રિના પ્રારંભ પૂર્વે જ માંડવીમાં દિવાળી
જેવો માહોલ જોવા મળી રહ્યો છે. માતાના મઢે દર્શનાર્થે આવતા માઈભક્તોના વાહનોની અવરજવર
વધેલી જોવા મળી છે. દૂરદૂરથી આવતા પ્રવાસીઓના કારણે સ્થાનિક વેપાર-ધંધામાં પણ તેજીનો
માહોલ સર્જાયો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. જામનગરથી બાઈક પર આવેલા રિતેશભાઈ પરમારે
જણાવ્યું હતું કે, તેઓ માતાના મઢે દર્શન કર્યા બાદ નારાયણ સરોવર
અને માંડવીના દરિયાકાંઠાની મુલાકાત લઈ અંજારમાં આવેલ જેસલ-તોરલની સમાધિનાં દર્શન કરીને
નવરાત્રિ સુધીમાં જામનગર પરત ફરવાનું આયોજન ધરાવે છે. તેમણે જણાવ્યું કે, કચ્છના વિવિધ ધાર્મિક સ્થળો સાથે માંડવીના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનો
આનંદ જ કંઈક અલગ છે. દરિયાકાંઠે ઊમટી રહેલી પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ
તંત્ર પણ સતર્ક બન્યું છે. પ્રવાસીઓને અવરજવર દરમિયાન મુશ્કેલી ન પડે અને કાયદો-વ્યવસ્થાની
સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કે,
બીજીતરફ દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં દારૂ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ
વધી રહી હોવાની ચર્ચા પણ સ્થાનિક લોકોમાં સંભળાઈ રહી છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને
ધ્યાનમાં રાખીને આવા વિસ્તારોમાં અસરકારક દેખરેખ રાખવામાં આવે અને પ્રવાસન સ્થળોની
સ્વચ્છતા, સલામતી તથા શાંતિ જળવાઈ રહે તે જરૂરી બન્યું છે. આમ,
નવરાત્રિના પ્રારંભ પહેલાં જ માતાના મઢે દર્શનાર્થે આવતા માઈભક્તોની
અવરજવરથી માંડવીનાં પ્રવાસન સ્થળોએ રોનક છવાઈ છે અને સ્થાનિક વેપાર-ધંધાને પણ વેગ મળ્યો
છે.