નલિયા, તા. 14 : કચ્છ ગુજરાતના ઘણી જગ્યાએ સનાતનની
જગ્યાઓમાં શિવ- શક્તિના મંદિરો એક જ સંકુલમાં હોય છે, પરંતુ નલિયા ગામની વચ્ચે આશાપુરા માતાજીનું
ખૂબ જૂનું મંદિર આવેલું છે અને એ જ સંકુલમાં મહાદેવ શંકરના બે મંદિરો ભીડભંજન મહાદેવ
તથા હાટકેશ્વર મહાદેવ. વાત કરવી છે, આશાપુરા મંદિરની સામે જ આવેલાં
ભીડભંજન મહાદેવ મંદિરની એક વિશેષતાની. 1979ના ચૈત્ર સુદ એકમના દિને નલિયાના પુષ્કર્ણા નારાણદાસ લક્ષમીદાસએ
પોતાના સ્વર્ગવાસી માતા મટુબાઇના સ્મરણાર્થે ભીડભંજન મહાદેવના આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરમાં સામાન્ય રીત મુજબ શિવલિંગ, માતા પાર્વતી તથા ગંગાજીની સ્થાપના નિજ મંદિરમાં
હોય છે. બહાર નંદી, કાલભૈરવ, ગણપતિ અને
હનુમાનજી પણ બિરાજિત છે. પણ અહીં વિશેષ બાબત એ છે કે, મહાદેવની
જસત ધાતુની એક અદ્ભુત મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે. અંદાજે ત્રણ ફૂટ ઊંચી અને બે ફૂટ
પહોળી આ મૂર્તિમાં મહાદેવને પ્રસન્ન ચહેરે બતાવવામાં આવ્યા છે. ગળે સર્પ, જટામાં ગંગાજી મુખ અને સર્પ, ગરદનમાં મુંડમાળા,
જમણા હાથમાં ડમરુ, ડાબા હાથમાં ત્રિશૂલની સાથે
મહાદેવના અન્ય આયુધ સાથેની આ મૂર્તિમાં મહાદેવના ચહેરા પર અનન્ય ભાવદર્શન થાય છે. ભારતીય
બેઠક અવસ્થાની મૂર્તિ આજે એક સદી પછી પણ મજબૂત છે અને એ જ ચમક ધરાવે છે. અનેક જગ્યાએ મંદિર અંદર કે બહાર
મહાદેવની આ પ્રકારે પથ્થર કે સિમેન્ટની મૂર્તિઓ છે, પરંતુ તપાસ
કરતા આ પ્રકારે કોઈ ધાતુ સ્વરૂપની મૂર્તિ કચ્છ ગુજરાતનાં કોઈ મંદિરમાં સ્થાપિત હોય
એવું જાણવા મળ્યું નથી. એટલે આ મૂર્તિની સ્થાપના એક વિશેષતા છે, અજોડ ઘટના છે. પૂજારી પરિવારના વિજયગિરિ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વરસો જૂની
પરંપરા મુજબ દર વરસે શ્રાવણ વદ દશમના દિને જંગલેશ્વર મહાદેવની શોભાયાત્રાના રથમાં આ
મૂર્તિ સ્વરૂપે મહાદેવ આ મંદિરેથી પ્રસ્થાન કરી, નલિયામાં શોભાયાત્રા
રૂપે જંગલેશ્વર મંદિરે પહોંચે છે, જ્યાં ચાર દિવસ સુધી આ મૂર્તિ
ત્યાં બિરાજિત કરાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મહાદેવના અનેક સ્વરૂપોની ભક્તિ અને
આરાધના થાય છે ત્યારે મહાદેવના આ સ્વરૂપનું પણ નલિયા નગર અને આજુબાજુના વિસ્તારના શિવભક્તો
માટે અનેરું મહત્ત્વ છે, અદકેરું મહાત્મ્ય છે.