કિશોર ગોર દ્વારા : ભુજ, તા. 13 : માનવ વસ્તી કરતાં વધુ પશુધન ધરાવતા પ્રદેશની ઓળખ ધરાવતાં કચ્છમાં
લાંબા સમયથી પશુચિકિત્સા શિક્ષણની જરૂરિયાત પૂર્ણ કરવા કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર
દ્વારા ભુજના મહિલા આશ્રમ નજીક 2025ની પહેલી
ઓગસ્ટે શરૂ કરાયેલી કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ્રી માત્ર શૈક્ષણિક સંસ્થા
જ નહીં, પરંતુ પશુ આરોગ્ય-સારવાર, સંશોધન, પશુપાલન વિકાસ, ગ્રામ્ય
સેવા અને સામાજિક સાથે કચ્છના વિદ્યાર્થીઓને પશુચિકિત્સક બનવાની તક માટે જાગૃત કરતું
કેન્દ્ર બની રહ્યું છે. પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સનો 25 છાત્રો સાથે આરંભ થઈ ચૂક્યો
છે, તો ગ્રેજ્યુએશન માટે 80 વિદ્યાર્થીઓના અભ્યાસ માટે
આધુનિક ડિજિટલ બોર્ડ સાથેનો વર્ગખંડ તૈયાર થઈ ગયો છે. ટૂંક સમયમાં ધો.12 સાયન્સ અને નીટમાં મેરિટમાં
આવતા છાત્રો માટે પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરાશે, આમ છતાં કોઈ વાલી કે વિદ્યાર્થીઓને માર્ગદર્શનની
જરૂર જણાય તો કાઉન્સેલિંગ સેન્ટર પણ શરૂ કરાશે. બન્ની ભેંસ ઉછેર કેન્દ્રની 20 એકર જમીન ઉપર 17 વિભાગ સાથેની કોલેજના નિર્માણ
માટે મંજૂરી મળી ગઈ છે. આમ 25 એકરમાં કોલેજ
અને 22 એકરમાં ફોર્ડર ફાર્મ મળી 47 એકરની વિશાળ ભૂમિ પર કોલેજ, પશુ સારવાર સંકુલ, વિદ્યાર્થીઓ
માટેની હોસ્ટેલ, પશુની સારવાર કરાવવા આવતા પશુપાલકોના રોકાણની
વ્યવસ્થા, રમતગમતનું મેદાન ઓડિટોરિયમનાં નિર્માણ માટેની કાર્યવાહી
આ વર્ષે ચાલુ કરાશે. 54 અનુભવી અને
નિષ્ણાત પ્રાધ્યાપકો ઉપલબ્ધ હોવાથી પ્રવેશ મેળવનારા છાત્રોને ઉચ્ચ ગુણવત્તાવાળું થિયરી
અને પ્રાયોગિક શિક્ષણ મળી રહેશે તેવું પ્રિન્સિપાલ ડો. હિતેશભાઇ પટેલે જણાવ્યું હતું.
આગામી સત્રથી શરૂ થનારા બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ્રીના ડિગ્રી અભ્યાસક્રમમાં
4-5 વર્ષ શૈક્ષણિક શિક્ષણ અને ત્યારબાદ
એક વર્ષની રોટેશનલ ઇન્ટર્નશિપનો સમાવેશ થાય છે. વિવિધ વિષયોમાં માસ્ટર ડિગ્રી તેમજ
પીએચ.ડી. સ્તરના અભ્યાસ અને
સંશોધન માટેની તકો ઉપલબ્ધ છે. પરીક્ષાની પદ્ધતિ અનોખી છે. જેમ કે પરીક્ષાના પેપર બીજી
યુનિવર્સિટી કાઢે અને પરીક્ષા લેવા બહારની યુનિ.ના પ્રોફેસરો આવે. પરીક્ષા મહિનો ચાલે
તેવું મુંબઇ ખાતે પરીક્ષામાં હાલ જ ફરજ બજાવી આવેલા પ્રો. ડો. જિતેન્દ્રભાઇ ચૌધરીએ
જણાવ્યું હતું.
6000થી વધુ સારવાર
મહાવિદ્યાલયનું વેટરનરી કિલનિકલ કોમ્પ્લેકસ (હોસ્પિટલ) કચ્છના
પશુપાલકો માટે સૌથી મહત્ત્વપૂર્ણ સેવા કેન્દ્રોમાંનું એક બની રહ્યું છે. અહીં વિવિધ
પ્રકારના પશુઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં હોસ્પિટલ તથા વિવિધ
વિસ્તારોમાં યોજાયેલા કિલનિકલ કેમ્પ દ્વારા આશરે 6000 પશુઓની સારવાર કરવામાં આવી છે. સામાન્ય બીમારીઓથી લઇને જટિલ
કેસો સુધીની સારવાર સર્જન, ફિઝિશિયન અને
ગાયનેકોલોજિસ્ટ દ્વારા કરાય છે. આધુનિક નિદાન સુવિધાઓ જેવી કે, એકસ-રે, અલ્ટ્રાસોનોગ્રાફી તથા વિવિધ પ્રકારના લેબોરેટરી
પરીક્ષણો ઉપલબ્ધ હોવાથી પશુઓની બીમારીનું ઝડપી અને સચોટ નિદાન કરવામાં મદદ મળે છે.
ગંભીર બીમારી કે જટિલ સર્જરી માટે અગાઉ પશુઓને દૂરના શહેરોમાં લઇ જવાની ફરજ પડતી હતી,
ત્યારે હવે આવી નિષ્ણાત સારવાર કચ્છની ધરતી પર જ ઉપલબ્ધ બની રહી છે.
જીવંત પ્રયોગશાળા
મહાવિદ્યાલયના લાઇવસ્ટોક ફાર્મ કોમ્પ્લેકસમાં 300થી વધુ પશુઓનો નિભાવ કરવામાં
આવે છે. આ ફાર્મ વિદ્યાર્થીઓ માટે જીવંત પ્રયોગશાળા સમાન છે, પશુઓની સંભાળ, પોષણ,
પ્રજનન, વ્યવસ્થસાપન અને પશુપાલનની આધુનિક પદ્ધતિઓ
અંગે વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ સાથે જ ખેડૂતો અને પશુપાલકોને પશુપાલન સંબંધિત
પ્રશ્નોના વૈજ્ઞાનિક અને વ્યવહારુ ઉકેલ માટે માર્ગદર્શન અપાય છે.
ગામડાં સુધી પશુચિકિત્સા
પશુવિજ્ઞાન કેન્દ્ર દ્વારા નજીકના તથા જરૂરિયાતમંદ ગામોની મુલાકાત
લઇ શિબિર, ગોષ્ઠિ, નિદર્શન અને પ્રાયોગિક
તાલીમ જેવા કાર્યક્રમો અત્યાર સુધીમાં 30થી વધુ ગામો સાથે સંપર્ક સાધીને યોજાયા છે. આ પ્રવૃત્તિઓનો મુખ્ય
ઉદ્દેશ પશુ આરોગ્ય દ્વારા પશુપાલક પરિવારોની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો છે.
આગવી ઓળખ
હમીરસર તળાવ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ
અને મહાવિદ્યાલય પરિવારે ભાગ લીધો હતો. કચ્છની લોકસંસ્કૃતિ અને સ્થાનિક પરંપરાઓ સાથે
જોડાણ જાળવી રાખવા માટે મહાવિદ્યાલયે કચ્છ કાર્નિવલમાં પણ સક્રિય ભાગ લીધો હતો. ઉપરાંત
ગાંધીધામ ખાતે યોજાયેલા શૈક્ષણિક એકસ્પોમાં સહભાગી બનીને પશુચિકિત્સા શિક્ષણ, પ્રવેશ પ્રક્રિયા અને તેની ઉજ્જવળ કારકિર્દીની
તકો અંગે વિદ્યાર્થીઓ તથા વાલીઓને માહિતી અપાઇ હતી. રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર તથા
કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત આંતર-મહાવિદ્યાલય સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું.
ભવિષ્યનું કેન્દ્ર
આગામી સમયમાં વધુ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ, સંશોધન ક્ષમતાઓ, નિદાન
સેવાઓ અને પશુપાલન આધારિત વિસ્તરણ પ્રવૃત્તિઓ સાથે આ સંસ્થા કચ્છને પશુચિકિત્સા અને
પશુપાલન ક્ષેત્રે નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે. કચ્છ જે ચોપેં જો હેલ્લારોને ચરિતાર્થ
કરતું આ મહાવિદ્યાલય આજે માત્ર એક વર્ષની સફર પૂર્ણ કરી રહ્યું છે, પરંતુ તેની નજર આવનારા દાયકાઓ પર છે.