• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

લખપત દુકાળના ઓછાયામાં, પશુઓનાં થતાં મોત

વિશ્વનાથ જોષી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 13 : છેવાડાના લખપત તાલુકામાં દયાપર, માતાના મઢ, વિરાણી, નરા, મેઘપર જેવા પૂર્વ વિસ્તારમાં વરસાદ સારો થતાં ઘાસચારો ઊગી નીકળ્યો છે, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં ઝરમર ઝાપટાં કે છૂટોછવાયો માંડ અડધો ઇંચ વરસાદ પડતાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઇ છે. બીજીબાજુ સરકાર દ્વારા અપાતો રાહતદરે ઘાસનો જથ્થો અઠવાડિયાંથી ખલાસ થઇ જતાં ઘાસના અભાવે પશુઓનાં મોત થઇ રહ્યા હોવાનું જણાવી માલધારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. લખપત તાલુકાના ઘાસ ગોડાઉનમાં કુલ 70 હજાર કિ.ગ્રા. ઘાસનો જથ્થો હતો, જે 10 દિવસમાં જ ખલાસ થઇ ગયો છે. છેલ્લા એક અઠવાડિયાંથી તાલુકામાં સરકારી ઘાસનો સ્ટોક જ નથી, ત્યારે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

ભૂખમરાથી મોત

તાલુકાના લૈયારી, કપુરાશી, નારાયણ સરોવર, પીપર, કોરિયાણી તેમજ ગરડા પંથકમાં ઘાસનું તણખલું પણ નથી અને લખપત તાલુકા સહકારી ખરીદ- વેચાણ સંઘ લિ.ના ચેરમેન ભાણજીભા સોઢાએ તો ત્યાં સુધી કહ્યું છે કે, અમારા વિસ્તારમાં ઘાસકાર્ડ માટે અરજીઓ મગાવાઇ હતી, પરંતુ ઘાસકાર્ડ કાઢી આપ્યા નથી અને હવે ઘાસકાર્ડ આપે તો ઘાસનો જથ્થો જ નથી. ઘાસચારાના અભાવે પશુમરણ થઇ રહ્યા છે. ઔદ્યોગિક એકમો, સેવાભાવી સંસ્થાઓ, દૂધ ડેરીઓએ પશુ બચાવવા ઘાસચારો આપવા આગળ આવવું જોઇએ. ગોધાતડ ડેમનું પાણી પીવાલાયક નથી, ફિલ્ટર પ્લાન્ટ બંધ છે, ત્યારે નેત્રા-લક્ષ્મીપર નર્મદા યોજનાવાળું પાણી આપવું જોઇએ તેવી પણ માંગ કરાઇ છે. મામલતદાર કચેરીમાં ભાણજીભા સોઢા અને જયેશદાન ગઢવીએ આવેદનપત્ર પણ આપી ઘાસચારાની વ્યવસ્થા ત્વરિત કરવા અનુરોધ કર્યો હતો.

પશુઓની સ્થિતિ દયનીય

તાલુકાના બરંદા, લક્ષ્મીરાણી, સાયણ, જુલરાઇ તેમજ મીંઢિયારી, ભેખડા, ચામરા વિસ્તારમાં પણ ઘાસચારાની તીવ્ર અછત સર્જાઇ છે. ભેખડામાં દૂષિત પાણી પીવાતાં લોકો રોગચાળામાં સપડાયા હોવાનું આરબ જતે કહ્યું હતું. સરકાર દ્વારા ઘાસચારાનું વિતરણ થયા પછી બરંદા વિસ્તારમાં હજુ કોઇને રાહતદરે ઘાસ મળ્યું નથી. સાકરિયા ગામમાં ઘાસ આવતાં જ ત્વરિત ખલાસ થઇ ગયું અને ઘણા માલધારીઓ ઘાસ લીધા વગર પરત ગયા હતા. ઘાસચારો આપવામાં પણ વહાલાદવલાની નીતિ અપનાવાતી હોવાના આક્ષેપ થયા હતા.

પ્રશાસન શું કહે છે ?

લખપત તાલુકાના મામલતદાર નવીનચંદ્ર મારૂનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તાલુકાના ઘાસ ગોડાઉનમાં 70 હજાર કિ.ગ્રા. ઘાસનો જથ્થો હતો, જેનું રાહતદરે વિતરણ થઇ ગયું છે. એક અઠવાડિયાંથી ઘાસનો જથ્થો નથી અને દરખાસ્ત મોકલી દીધી છે. તાલુકામાં પાંચ ઘાસડેપો ચાલુ કરવા પણ પ્રશાસન દ્વારા મંજૂરી માટે માંગ કરાઇ છે. હાલમાં ઘાસનો સ્ટોક છે કે નહીં ? તેના પ્રત્યુત્તરમાં મામલતદારે કહ્યું હતું કે, હાલમાં તાલુકાના ડેપોમાં ક્યાંય ઘાસ નથી. પાસ અંતર્ગત ઘણી માગણીઓ આવે છે, તેથી દરખાસ્ત મોકલી છે. તાલુકાના કપિત વિસ્તારમાં ઘાસચારાનું સંકટ સર્જાયું છે, ત્યારે ત્વરિત ઘાસનો જથ્થો સરકાર ફાળવે તેવી અગ્રણી નેતાએ પણ રજૂઆત કરી હતી.

Panchang

dd